ડાંગ: ફિનો પેમેન્ટ્સ બેન્ક, ગુજરાત લાઇવલીહૂડ પ્રમોશન કંપની લિમિટેડ (જીએલપીસી) સાથે પોતાના વન ગ્રામ પંચાયત – વન બિઝનેસ કોરસપોન્ડેન્ટ (વન જીપી – વન બીસી) પર કામગીરી કરી રહી છે જેથી સ્વ-સહાય જૂથો (એસએચજી) ની મહિલાઓને બેંકિંગ એજન્ટ તરીકે તાલીમ આપી શકાય અને સાથે જોડી શકાય.
જીએલપીસીના ડિરેક્ટર શ્રીમાન દિપક ચૌધરી, જિલ્લા વહીવટી કર્મચારીઓ અને ફિનો પેમેન્ટ્સ બેંકના પ્રતિનિધિઓમાં ચીફ સેલ્સ ઓફિસર શૈલેષ પાંડે, સિનિયર ડિવિઝનલ હેડ હિમાંશુ મિશ્રા અને ઝોનલ હેડ કલ્પિત સોનીની ઉપસ્થિતિમાં ડાંગ જિલ્લાના કદમલ (સુભિર) ગામમાં આજે કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
સ્થાનિક સ્વ સહાય જૂથો સાથે સંકળાયેલ કદમલની કુ. ચૌધરી સારાબેન ગણપતભાઇનો આ કાર્યક્રમ અંતર્ગત ગ્રામ પંચાયતના બિઝનેસ કોરસપોન્ડેન્ટ (બીસી) તરીકે સમાવેશ કરવામાં આવ્યો હતા. ગુજરાતમાં 2.5 લાખથી વધુ સ્વ સહાય જૂથો અથવા સખી મંડળો છે જ્યાંથી મહિલા બીસી સખીની પસંદગી કરવામાં આવશે.
આ વન જીપી – વન બીસી પ્રોજેક્ટ રાજ્યના 33 જિલ્લાઓની 1400 ગ્રામ પંચાયતોમાંથી પ્રત્યેકમાંથી બીસી સખીના રૂપમાં મહિલાઓને જોડવા માટેના જીએલપીસીના મિશનનો એક ભાગ છે. ફિનો એ આ પ્રોજેક્ટ માટે બીસી સખીની નિમણૂક કરવા માટે જોડાયેલ એક બેંકિંગ ભાગીદાર અને સુવિધાકર્તા છે. આ પ્રોજેક્ટનો હેતુ ગ્રામીણ ગુજરાતમાં બેન્કિંગ એક્સેસ સુધારવા અને સ્વ સહાય જૂથોના સભ્યોની ઘરેલુ આવક વધારવાનો છે.
ફિનો પેમેન્ટ્સ બેંકના ચીફ સેલ્સ ઓફિસર શૈલેષ પાંડેએ જણાવ્યું હતું કે, “ આ પ્રોજેક્ટ સ્વ સહાય જૂથોના સભ્યોની આર્થિક સ્વતંત્રતા તરફ મહત્વપૂર્ણ પગલું છે. આ ગ્રામીણ વિસ્તારોની મહિલાઓ માટે તેમની ઉદ્યોગ સાહસિકતાની ભાવનાને પ્રદર્શિત કરવાની અને આવક સુધારવાની તક છે. ગામડાઓમાં બેંકિંગ એજન્ટના રૂપમાં, તેઓ લોકોને સાનુકૂળ રીતે ડિજિટલ બેંકિંગ સેવાઓ અપનાવવામાં અને તેનો ઉપયોગ કરવામાં મદદ કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. આ પ્રોજેક્ટ પર જીએલપીસી અને જિલ્લા વહીવટીતંત્ર સાથે કામ કરવામાં અમને આનંદ થાય છે કારણ કે તે ફિનોના સામાજિક સમાવિષ્ટ મોડેલ સાથે સુસંગત છે જેનો ઉદ્દેશ્ય માત્ર બેંકિંગ એક્સેસને સુધારવાનો જ નહી, સાથે સાથે બીસી સખીઓ દ્વારા ગ્રામીણ વિસ્તારોના લોકોનું જીવન ધોરણ સુધારવાનો પણ છે.”
ફિનો પેમેન્ટ્સ બેંકના સિનિયર ડિવિઝનલ હેડ હિમાંશુ મિશ્રાએ જણાવ્યું હતું કે, “ હંમેશાં ઉપલબ્ધ બેંકિંગ સેવાઓ એ હાલના સમયની જરૂરિયાત છે. ગ્રામીણ વિસ્તારોના લોકોને તેમની સુવિધા મુજબ ગુણવત્તાયુક્ત બેંકિંગ સેવાઓની જરૂર છે. સ્થાનિક સ્વ સહાય જૂથોના સભ્યો જેવા કે બીસી સખી કુ. ચૌધરી સારાબેન ગણપતભાઇ, સ્થાનિક લોકોથી પરિચિત અને મૈત્રીપૂર્ણ છે, જે ગ્રાહકનો વિશ્વાસ મેળવવા માટે મહત્વપૂર્ણ છે, તેથી તેઓ બેન્કિંગમાં મહત્વપૂર્ણ છે. અમારા હાલના માઇક્રો એટીએમ અને એઇપીએસ એનબ્લેડ મર્ચન્ટ નેટવર્કની સાથે, નવી ઓન-બોર્ડ બીસી સખીઓ નજીકમાં બેંકિંગ સેવાઓ પ્રદાન કરવાના અમારા પ્રયત્નોમાં વધુ મદદ કરશે.”
વૈકલ્પિક બેંકિંગ ચેનલ તરીકે, બીસી સખી નવા એકાઉન્ટ ખોલવા, તાત્કાલિક ડેબિટ કાર્ડ, થાપણો, ઉપાડ, રેમિટન્સ, એઇપીએસ, માઇક્રો એટીએમ ટ્રાન્ઝેક્શન અને થર્ડ પાર્ટી ઓફરિંગ્સ – વીમા, ગોલ્ડ લોન સોર્સિંગ જેવી બેંકિંગ સેવાઓ આપી શકશે.
જીએલપીસી પ્રોજેક્ટ ઉપરાંત રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (એનઆરએલએમ) ના નેતૃત્વ હેઠળ ફિનો પેમેન્ટ્સ બેન્ક ઉત્તર પ્રદેશ અને બિહાર રાજ્ય સરકારો સાથે પણ મહિલાઓને આજીવિકા પૂરી પાડવા અને ગ્રામીણ વિસ્તારોમાં બેંકિંગ એક્સેસ સુધારવા માટે કામગીરી કરી રહી છે.