સ્વામી શુદ્ધાનંદગીરીએ આપ્યું જીવનમૂલ્યોને સ્પર્શતું પ્રેરણાદાયી પ્રવચન
સુરતઃ પરમહંસ યોગાનંદજીએ સ્થાપેલી યોગદા સત્સંગ સોસાયટી ઓફ ઇન્ડિયાના સુરત દ્વારા આજરોજ ઇચ્છાનાથ–ડુમસ રોડ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ ગેસ્ટ હાઉસ ખાતે ક્રિયાયોગ પર વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. “આનંદમય અને સફળ જીવનની કુંજી – ક્રિયાયોગ વિજ્ઞાન” વિષયક આ ધાર્મિક કાર્યક્રમમાં શહેરના અનેક જિજ્ઞાસુઓ ઉપસ્થિત રહ્યા હતા.
સાંજે 6થી 6:30 વાગ્યા દરમિયાન ભજનોથી કાર્યક્રમની શરૂઆત થઈ. ત્યારબાદ 6:30થી 7 વાગ્યા દરમિયાન આધ્યાત્મિક સાહિત્ય પર આધારિત પાંચ પુસ્તકોનું વિમોચન કરાયું, જેને હાજર શ્રોતાઓએ તાળીપાડી આવકાર્યું.
મુખ્ય વક્તા સ્વામી શુદ્ધાનંદગીરીએ તેમના પ્રેરક સંદેશમાં જણાવ્યું કે પરમહંસ યોગાનંદજીએ શીખવેલ ક્રિયાયોગ વિજ્ઞાન મન, પ્રાણ અને ચેતનાને શુદ્ધ કરીને જીવનમાં શાંતિ અને સફળતાના દ્વાર ખોલે છે. તેમણે ગીતામાં ભગવાન કૃષ્ણ દ્વારા અર્જુનને “તુ યોગી બન” કહેવાયેલી પ્રેરણાની વ્યાખ્યા કરતા યોગના વિવિધ માર્ગોમાં રાજયોગની વિશિષ્ટતા સમજાવી.

સ્વામીએ વધુમાં કહ્યું કે ક્રિયાયોગ એ પ્રાણાયમની સર્વોચ્ચ રીત છે, જેનાથી મેરુદેહમાં સ્થિત ચક્રો જાગૃત થઈને ભક્ત આત્મસાક્ષાત્કારના માર્ગે આગળ વધે છે. આ માર્ગ જીવનના “કુરુક્ષેત્ર” જેવા આંતરિક સંઘર્ષોને જીતવામાં મદદરૂપ બને છે.
યોગદા સત્સંગ ઘ્યાન કેન્દ્ર, સુરત દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ભાગ લઇ આધ્યાત્મિક લાભ મેળવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ સુખદ, શાંત અને આધ્યાત્મિક ઊર્જાથી ઓતપ્રોત માહોલમાં સફળતાપૂર્વક પૂર્ણ થયો