
સુરત: શહેરની નામાંકિત શૈક્ષણિક સંસ્થા શ્રી ગુરુકૃપા વિદ્યા સંકુલ દ્વારા ધોરણ 10 અને 12 (A1 અને A2 બેચ) ના 59 વિદ્યાર્થીઓ માટે એક યાદગાર અને ભાવસભર વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સંસ્થાના ચેરમેન શ્રી મુકેશભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. એક કુશળ માર્ગદર્શક તરીકે તેમણે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે, “હું દરેક વિદ્યાર્થીને મારા સંતાન સમાન ગણું છું. મારી સૌથી મોટી ઈચ્છા મારા બાળકો જીવનના દરેક ક્ષેત્રમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરે તેવી છે. તમે જ્યારે શાળાના ઉંબરેથી બહાર ડગ માંડો છો, ત્યારે અહીંના સંસ્કારો સાથે રાખજો; તમારી સફળતા માટે અમે હંમેશા પ્રાર્થના કરીશું.”

શાળા દ્વારા વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રગતિ અને ડિજિટલ યુગની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તેમને લેપટોપ અને ટેબ્લેટ ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવ્યા હતા. આ તકે શાળાના વિકાસમાં સહભાગી થનાર વાલીઓનો આભાર માનવામાં આવ્યો હતો, તેમજ આચાર્યશ્રી અને શિક્ષકગણના અથાગ પરિશ્રમ અને માર્ગદર્શનની સરાહના કરવામાં આવી હતી.
કાર્યક્રમમાં સાંસ્કૃતિક નૃત્યો, સંગીત અને મનોરંજક પ્રવૃત્તિઓએ રંગ જમાવ્યો હતો. અંતમાં સ્વાદિષ્ટ ભોજન સાથે વિદ્યાર્થીઓએ મન ભરીને યાદો તાજી કરી હતી.
કાર્યક્રમનો અંત એક સુંદર સંકલ્પ સાથે થયો કે: ભલે આ વિદ્યાર્થીઓ શાળા છોડી રહ્યા હોય, પરંતુ શ્રી ગુરુકૃપા વિદ્યા સંકુલના સંસ્કારો તેમના હૃદયમાં હંમેશા જીવંત રહેશે.