અમિત પાટીલ.સુરત. શહેરના અમરોલી પોલીસ સ્ટેશનની પોલીસવાનમાં આરોપી પાસેથી 200 રૂપિયા લેનાર કોન્સ્ટેબલનો વાઇરલ વીડિયો બાદ ચર્ચાનો વિષય બન્યો છે. સોમવારે બપોરે અમરોલી પોલીસ સ્ટેશનની બહાર જ મોબાઇલમાં શૂટ થયેલો આ વીડિયો ભોગ બનનારી વ્યક્તિએ જ ઉતાર્યો હોવાનું સામે આવ્યું છે. ડિટેઇન કરાયેલા આરોપીઓને પોલીસ સ્ટેશનથી કોર્ટમાં લઇ જવાનું કહી પોલીસવાનમાં બેસાડ્યા બાદ હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ દ્વારા 200 રૂપિયા લઈ મુક્ત કરતો વીડિયો સામે આવ્યા બાદ પોલીસની કામગીરી સામે અનેક પ્રશ્નો ઊભા થયા છે.
અમરોલી પોલીસ મથકની બહાર જ ઉતારવામાં આવેલા આ વીડિયોમાં અમરોલી પોલીસ મથકની મોબાઇલવાન દેખાઇ રહી છે, જેમાં એક હેડ કોન્સ્ટેબલ અને એક કોન્સ્ટેબલ બેસેલા દેખાય છે. અમરોલી પોલીસે ડિટેઇન કરેલા આરોપીઓને મામલતદાર કચેરીએ જામીન માટે લઇ જવાનું કહી પોલીસ મોબાઇલવાનમાં બેસાડવામાં આવેલા આઠથી દસ આક્ષેપિતોને 200 રૂપિયાનો દંડ ભરીને ત્યાંથી ફરીને જતા રહેવાનું કહેવામાં આવે છે.અધિકારીઓના ધ્યાને આખું પ્રકરણ આવતાં તેમણે વાતને ગંભીરતાથી લઇ તપાસના આદેશ કર્યા છે