ડુમસ આર્ટ પ્રોજેક્ટે તેની દસમી એડિશનનો પ્રારંભ કર્યો

By on
In ગુજરાત ખબર
Spread the love

‘Transcending Boundaries’ થીમ સાથે ડુમસ આર્ટ પ્રોજેક્ટની દસમી એડિશનનું વીઆર સુરત, ડુમસ રોડ, મગદલ્લા ખાતે ઉદ્ઘાટન થયું

સુરત, ગુજરાત, 18 સપ્ટેમ્બર, 2024 – યુજ આર્ટ ફાઉન્ડેશન દ્વારા સમર્થિત પબ્લિક આર્ટ ફેસ્ટિવલ ડુમસ આર્ટ પ્રોજેક્ટે 18 સપ્ટેમ્બર, 2024ના રોજ તેની દસમી એડિશનનો પ્રારંભ કર્યો હતો. આ વર્ષની થીમ ‘Transcending Boundaries’ કલાકારોને તેમનું વિઝન, કલ્પાના અને કલાત્મક પ્રતિભાઓને દર્શાવે તેવી નવીનતમ કલાકૃતિઓ અને શિલ્પો તૈયાર કરવા માટે પ્રોત્સાહિત કરે છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના માનનીય મ્યુનિસિપલ કમિશ્નર આઈએએસ સુશ્રી શાલિની અગ્રવાલે આ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કર્યું હતું. સમારંભનો પ્રારંભ પરંપરાગત દીપપ્રાગટ્ય સાથે અને કલા કારના ઉદ્ઘાટન સાથે થયો હતો. ત્યારબાદ મગદલ્લા પ્લાઝા ખાતે સર્વમ પટેલ દ્વારા ‘Sands of Time’ શીર્ષક હેઠળ મંત્રમુગ્ધ કરનારો લાઇવ સેન્ડ આર્ટ શૉ યોજાયો હતો.

આ ફેસ્ટિવલ ખાતે 200થી વધુ આર્ટ ઇન્સ્ટોલેશન, શિલ્પો, ચિત્રો અને ફોટોગ્રાફ્સ દર્શાવવામાં આવ્યા હતા. આ ઇન્સ્ટોલેશન જેજે સ્કૂલ ઓફ આર્ટ્સ, એમ એસ યુનિવર્સિટી, વડોદરા, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, ચિત્રકલા પરિષદ અને સાર્વજનિક સ્કૂલ ઓફ ફાઇન આર્ટ્સ તથા જેડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેક્નોલોજીના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યા હતા. એવોર્ડ વિજેતા કલાકાર અને ગિનેસ વર્લ્ડ રેકોર્ડ ધારક મિત્તલ સોજીત્રા સાથેના સહયોગથી કલા કાર તૈયાર કરવામાં આવી હતી. વીઆર સુરતના બેઝમેન્ટની દિવાલોને આર્ટ ગેલેરીમાં ફેરવતા ધ બેઝમેન્ટ આર્ટ પ્રોજેક્ટમાં કલાકારોની પિંઠુરા આર્ટની કૃતિઓ દર્શાવાઈ છે. આગામી એક મહિના સુધી વીઆર સુરત ઇન્સ્ટોલેશન, ફાઇન આર્ટ, ફોટોગ્રાફી, પ્રદર્શનો, વર્કશોપ, પેનલ ડિસ્કશન, યુવા કલાકારો વચ્ચે સ્પર્ધાઓ અને કલાકૃતિઓના બજાર સાથે કલાત્મક ઊજવણીઓનું કેન્દ્ર બની રહેશે.

ડુમસ આર્ટ પ્રોજેક્ટની આ એડિશન મહત્વપૂર્ણ સહયોગની શ્રેણી દ્વારા સંચાલિત છે જે દરેક આ ફેસ્ટિવલના બૃહદ વિઝનમાં પ્રદાન કરે છે. સ્ટેમ, શિક્ષણ અને સંસ્કૃતિના ક્ષેત્રે યુનેસ્કો, નવી દિલ્હી સાથે એક મહત્વપૂર્ણ ભાગીદારી કરવામાં આવી છે. ધ્યાનાકર્ષક બાબતોમાં યુનેસ્કોના પબ્લિકેશન “A Braided River: The Universe of Indian Women in Science” પર આધારિત ફોટો એક્ઝિબિશન, ઈન્ટરવોવન લેગસીઝ: વર્લ્ડ હેરિટેજ અને ભારતમાં લિવિંગ હેરિટેજ વચ્ચે સિનર્જીઝ શીર્ષક હેઠળનું ડિજિટલ શૉકેસ અને રાજસ્થાનમાં લાંગા સંગીતકારો અને હાથશાળની કલાના જીવંત વારસાને સાચવવા તથા તેને પ્રોત્સાહન આપવા માટે યુનેસ્કોના પ્રયાસોની અનોખી રજૂઆતનો સમાવેશ થાય છે.

યુનાઇટેડ નેશન્સ સિવિલ સોસાયટી કોન્ફરન્સના સમર્થનથી ન્યૂયોર્ક સ્થિત આર્ટ્સ ફોર ધ ફ્યુચર ફેસ્ટિવલ સાથેનો આંતરરાષ્ટ્રીય સહયોગ વૈશ્વિક જનસમુદાયમાં અમારી પહોંચને વિસ્તારે છે. આ બંને ફેસ્ટિવલ્સ કલાકારો અને રચનાત્મક લોકો માટે સમાવેશક ઇકોસિસ્ટમ બનાવવાની પ્રતિબદ્ધતા ધરાવે છે જે આ ભાગીદારીને ડુમસ આર્ટ પ્રોજેક્ટનું સાહજિક વિસ્તરણ બનાવે છે.

“2013માં પ્રારંભ થયો ત્યારથી ડુમસ આર્ટ પ્રોજેક્ટે સમગ્ર ભારતમાં અદ્વિતીય પબ્લિક આર્ટ ફેસ્ટિવલ યોજવાની, અભિવ્યક્તિ માટે વાઇબ્રન્ટ સ્થળો ઊભા કરવાની તથા સાંસ્કૃતિક આદાનપ્રદાન માટેની અમારી સફરનો માર્ગ મોકળો કર્યો છે. અમે મેળવેલા અભૂતપૂર્વ સમર્થન અને જોડાણ માટે અમે ખૂબ જ આભારી છીએ જેના પગલે દરેક ફેસ્ટિવલ સાથે અમે અનેરો વિકાસ સાધ્યો છે. હવે અમે ભારત અને આંતરરાષ્ટ્રીય સ્તરે અમારો પ્રભાવ વિસ્તારી રહ્યા છીએ.

છેલ્લા એક દાયકામાં અમે યુનેસ્કો અને યુનાઇટેડ નેશન્સ સિવિલ સોસાયટી કોન્ફરન્સ દ્વારા સમર્થિત ન્યૂયોર્ક સ્થિત આર્ટ ફોર ધ ફ્યુચર ફેસ્ટિવલ જેવી સંસ્થાઓ સાથે વ્યૂહાત્મક ભાગીદારીઓ દ્વારા સાંસ્કૃતિક જાળવણી માટે ઉત્પ્રેરક તરીકે કામ કરવા માટે અમારા પબ્લિક આર્ટ ફેસ્ટિવલનો અવકાશ વિસ્તાર્યો છે. આર્ટિસ્ટ મેન્ટરશિપ પ્રોગ્રામ જેવી અમારી પહેલે ઊભરતી પ્રતિભાઓને સ્થાપિત વ્યવસાયિકો તરફથી શીખવાની તકો પૂરી પાડી છે. અમને ગર્વ છે કે અમે ડુમસ આર્ટ પ્રોજેક્ટની દસમી એડિશનનું આ સીમાચિહ્ન સર કર્યું છે અને વિદ્યાર્થીઓ તથા સમુદાય બંનેને સમૃદ્ધ બનાવે તેવી પહેલ તથા નવી ભાગીદારીઓ કરવાનું ચાલુ રાખવા માટે હું આતુર છું”, એમ ડુમસ આર્ટ પ્રોજેક્ટના ક્યુરેટર સુમી ગુપ્તાએ જણાવ્યું હતું.

“દુનિયાએ બનાવેલો વારસો, કુદરતી વારસો અને જીવંત વારસો એ ત્રણેય એકબીજા સાથે ગહન રીતે જોડાયેલા છે. એકમેક પરની આ નિર્ભરતાને ઓળખવી એ કેન્દ્રસ્થાને છે જેથી સુનિશ્ચિત કરી શકાય કે વારસાને સુરક્ષિત રાખવાના પ્રયાસો વર્લ્ડ હેરિટેજ સાઇટ્સના માળખાકીય પાસાંને જ જાળવતા નથી પરંતુ પેઢીઓ સુધી પહોંચેલી સમુદાયોની જીવંત કામગીરીઓને ટકાવી પણ રાખે છે જે આ સાઇટ્સને તેનો ગહન અર્થ અને મહત્વ બક્ષે છે. યુનેસ્કો દ્વારા ડિજિટલ એક્ઝિબિશન ‘Interwoven Legacies’ ભારતમાં 8 વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ અને તેની સાથે જોડાયેલી જીવંત વારસાગત અભિવ્યક્તિઓ વચ્ચેનો સંબંધ શોધે છે. રાજસ્થાનના હસ્તકલા કારીગરો અને લાંગા સંગીતકારોને સુરક્ષિત રાખવા માટેના ગંભીર પ્રયાસો દર્શાવવા સાથે તેને રજૂ કરવામાં આવ્યો છે”, એમ યુનેસ્કો નવી દિલ્હી સાઉથ એશિયા રિજનલ ઓફિસના ડિરેક્ટર અને પ્રતિનિધિ ટીમ કર્ટિસે જણાવ્યું હતું.

આ ફેસ્ટિવલ વિવિધ કલાત્મક અભિવ્યક્તિઓ, પ્રતિભાઓ અને પ્રોજેક્ટ્સનું ડાયનેમિક સંયોજન છે. ફોટોગ્રાફી અને વાર્તા કહેવા દ્વારા ઇતિહાસની અજાણી મહિલા નાયિકાઓને ઉજાર કરતા કાદમ્બરી મિશ્રાના શક્તિશાળી “Iconic Women Project”થી માંડીને ગીતા હડસનના કામોના પૂર્વવ્યાપી અવલોકનો સુધી. “Gujarat in Focus” નિષ્ણાંત ફોટોગ્રાફર્સ અને ઊભરતી પ્રતિભાઓ બંને દ્વારા લેવાયેલા શહેરના અદ્ભુત ફોટોગ્રાફ્સ દર્શાવે છે. યંગ આર્ટિસ્ટ્સ પ્રોગ્રામ વિદ્યાર્થીઓને વિવિધ કલાત્મક માધ્યમો દ્વારા પોતાની જાતને શોધવા અને વ્યક્ત કરવાની તક આપે છે.

આ વર્ષે પબ્લિક આર્ટ ફેસ્ટિવલ્સે આર્ટરિચ સાથે ભાગીદારી કરી છે. આ સ્વૈચ્છિક સંસ્થા ભારતમાં હાંસિયામાં ધકેલાયેલા સમુદાયોના બાળકો, યુવાનો અને મહિલાઓના જીવનને સમૃદ્ધ બનાવવા માટે કલાકારો સાથે કામ કરે છે અને વિઝ્યુઅલ આર્ટ્સ દ્વારા સર્વાંગી શીખવાના અનુભવ પૂરા પાડીને તથા રચનાત્મકતા દ્વારા સહભાગીઓને સશક્ત કરે છે. ડુમસ આર્ટ પ્રોજેક્ટ માટે આર્ટરિચ સ્થાનિક કલાકારો અને સમુદાય સાથે સહયોગ કરશે, પબ્લિક આર્ટ ફેસ્ટિવલમાં ભાગ લેવાના અનુભવ શોધવા માટે બાળકો સાથે વર્કશોપ યોજશે અને નવી કલા શીખવાના કૌશલ્યો તથા વાર્તા કહેવાની રીત શીખવશે.

શહેરી પરિવર્તનમાં કલાની ભૂમિકા અંગેની પેનલ ડિસ્કશન યોજાશે જેમાં કલાકારો અને નિષ્ણાંતો ચર્ચા કરશે કે કલા કેવી રીતે શહેરી ક્ષેત્રની નવેસરથી વ્યાખ્યા કરી શકે છે. મોક્ષ ફાઉન્ડેશનના નિષ્ણાંત કલાકારો દ્વારા સ્પેશિયલ આર્ટ થેરાપી સેશનમાં કલા દ્વારા લાગણીઓ વ્યક્ત કરવાની શક્તિ રજૂ કરવામાં આવશે.

અન્ય આકર્ષણોમાં બ્લોક પ્રિન્ટિંગ, પેપર મેક, પોટરી, ફ્રેગનન્સ મેકિંગ અને મિરર મોઝેક પરની વર્કશોપ્સનો સમાવેશ થાય છે. આર્ટ બાઝાર લાઇવ મ્યુઝિક સાથે પોતાના પ્રેક્ષકો સાથે જોડાવા માટે સ્થાનિક કલાકારો માટે ક્યુરેટેડ માર્કેટ પૂરું પાડશે. યુનેસ્કો અને રાજસ્થાન ટુરિઝમ સાથેના સહયોગથી રાજસ્થાની કલાકારો દ્વારા લોકનૃત્યો અને હસ્તકલા પ્રદર્શનો સમૃદ્ધ સાંસ્કૃતિક અનુભવ પૂરો પાડશે. આઉટડોર અને મજબૂત કલાત્મક ઝુકાવ માટે અનેરા પ્રેમ માટે જાણીતા સુરતીઓને આનંદપ્રમોદ માટે બધું જ ઉપલબ્ધ થશે.

ડુમસ આર્ટ પ્રોજેક્ટ 2024માં ભાગ લેનારા કલાકાર વિદ્યાર્થીઓને પબ્લિક આર્ટ ફેસ્ટિવલના આર્ટિસ્ટ મેન્ટરશિપ પ્રોગ્રામ દ્વારા જાણીતા કલાકારો દ્વારા માર્ગદર્શન મેળવવાની તક મળશે. 2023માં શરૂ કરાયેલા આ પ્રોગ્રામમાં દર વર્ષે દરેક છ પબ્લિક આર્ટ ફેસ્ટિવલમાંથી ત્રણ વિદ્યાર્થી કલાકારોને પસંદ કરવામાં આવે છે. આ યુવા કલાકારોને બ્રિટિશ કન્ટેમ્પરી આર્ટિસ્ટ પિઅર્સ બુર્ક, કોચી-મુઝિરિસ બિનાલેના સહસ્થાપક અને કલાકાર બોઝ કૃષ્ણામાચારી, લેખક ઇના પુરી, ઈન્ડિયન આર્ટ ફેરના ડિરેક્ટર જયા અશોકન, જાણીતા હેરિટેજ ફોટોગ્રાફર અમિત પસરિચા, ટેક્સટાઇલ ડિઝાઇનર સુનિતા શંકર, કન્ટેમ્પરી આર્ટિસ્ટ મુરલી ચીરોઠ અને આર્ટ પ્રેક્ટિશનર તથા પેડાગોગ ભૃગુ શર્મા જેવા જાણીતા ક્રિએટર્સ તરફથી મેન્ટરશિપ મળશે.

ફિલ્મશૉપી, પાર્ક ઇન, આર્ટ્સ ફોર ધ ફ્યુચર ફેસ્ટિવલ, સ્વચ્છ ભારત સર્વેક્ષણ, લોટસ બોટલ આર્ટ અને એનઓએસ સાથેનો સહયોગ આ એડિશનની સફળતા તથા વૃદ્ધિ મેળવવા માટે મહત્વપૂર્ણ રહ્યો છે.

સુરત શહેરે હંમેશા રચનાત્મકતાની ઊજવણી કરી છે. તેના રહીશોએ કલાત્મક અભિવ્યક્તિના વિવિધ પ્રકારોમાં ઉત્સાહભેર ભાગ લીધો છે. ફેસ્ટિવલના પ્રારંભથી અત્યાર સુધી 3.17 મિલિયન મુલાકાતીઓ તેના પ્રત્યે આકર્ષાયા છે તે જ આ ફેસ્ટિવલની નોંધપાત્ર સફળતાનો પુરાવો છે.

2013માં શરૂ કરાયેલો ડુમસ આર્ટ પ્રોજેક્ટ ગુજરાતની વિવિધ કલાત્મક અભિવ્યક્તિઓનું વાઇબ્રન્ટ પ્રદર્શન છે. તે ધ યુજ આર્ટ્સ ફાઉન્ડેશન દ્વારા સમર્થિત છે અને વીઆર સુરતની Connecting Communities©️ પહેલનો પણ તે ભાગ છે જેનો ઉદ્દેશ્ય નાગરિક ગર્વને પ્રોત્સાહન આપવાનો, સ્થાનિક અર્થતંત્રને મજબૂત કરવાનો અને શહેરની રાષ્ટ્રીય તથા આંતરરરાષ્ટ્રીય છબિને વધારવાનો છે.