Tag: Shri Ranjit Swami

The administrative system will provide adequate support to voluntary organizations to create basic facilities and security for the pilgrims coming for the pilgrimage.
પરિક્રમામાં આવતા શ્રધ્ધાળુઓ ભાવિકો માટે પ્રાથમિક સુવિધા-સુરક્ષા ઉભી કરવા વહીવટી તંત્ર સ્વૈચ્છીક સંસ્થાઓને પૂરતો સહયોગ કરશે

 

રાજપીપલા,શુક્રવારઃ નર્મદા જિલ્લામાં આગામી તારીખ ૮ એપ્રિલથી ૮ મી મે-૨૦૨૪ એટલે કે ચૈત્ર વદ અમાસ સુધી આ મા નર્મદાની ઉત્તરવાહિની પરિક્રમા યોજાશે અને તેમાં લાખોની સંખ્યામાં દેશભરમાંથી ભાવિકો શ્રધ્ધાળુઓ આ ઉત્તવાહિની પરિક્રમામાં ઉત્સાહભેર ભાગ લેતા હોય છે. અહીં આવતા શ્રધ્ધાળુઓ વહેલી સવારે રામપુરા ગામે કિડી મંકોડી ઘાટ અને શહેરાવ ઘાટ વચ્ચે અંદાજિત ૭ કિ.મી. અને રિવર ક્રોસીંગ તિલકવાડા ઘાટથી રેંગણઘાટ ૭ કિ.મી.નું અંતર કાપી નદી ઓળંગી રામપુરા ઘાટ પરત આવતા હોય છે. આ પરિક્રમાનું લોકોમાં અનેરૂ મહત્વ અને મહાત્મ્ય હોય છે અને દર વર્ષે તેમાં સતત વધારો થતો હોય છે. લાખોની સંખ્યામાં ભાવિકો નર્મદા મૈયાની પરિક્રમામાં જોડાય છે.

આ મહત્વની પરિક્રમા આગામી ૮ એપ્રિલથી શરૂ થનાર છે. તે પૂર્વે નર્મદા કિનારા પરના સેવાભાવી આશ્રમો, મંદિરોના સાધુ-સંતો ગ્રામજનો, અગ્રણીઓ સાથે ગઇકાલે સાંજે જિલ્લા કલેક્ટરશ્રી શ્વેતા તેવતિયાની અધ્યક્ષતામાં ઉત્તરવાહિની પરિક્રમા સૂચારૂ સંચાલન-વ્યવસ્થાપન માટે પરામર્શ- સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નુ, નિવાસી અધિક કલેક્ટરશ્રી સી.કે.ઉધાડ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જે.કે. જાદવ, નાંદોદના પ્રાંત અધિકારીશ્રી ડો.કિશનદાન ગઢવી, જિલ્લાના સંબંધિત અમલીકરણ અધિકારી, મામલતદારશ્રીઓ, નાંદોદ-તિલકવાડાના તાલુકા વિકાસ અધિકારીશ્રી ઉપસ્થિત રહ્યા હતા.

જિલ્લા કલેક્ટરશ્રી શ્વેતા તેવતિયાએ સૌને આવકારી જણાવ્યું હતું કે, મા નર્મદાની પરિક્રમા શાંતિ પૂર્ણ માહોલમાં આરંભાય અને પૂર્ણ થાય તે માટે વહીવટી તંત્ર તરફથી સંપૂર્ણ સહકાર રહેશે. ભાવિકો માટે પ્રાથમિક સુવિધાઓ જેવી કે, પાણી, લાઈટ, આરોગ્ય, સલામતી, એમ્બ્યુલન્સ વાન, ડીઝાસ્ટર ટીમ, સુરક્ષા વ્યવસ્થા વગેરે ઉપલબ્ધ કરાવવામાં આવશે. કામચલાઉ બ્રિજ અંગે સંતો અને આગેવાનો દ્વારા જિલ્લા વહીવટી તંત્રને મળેલી રજૂઆત અંગે સરકારમાં કામચલાઉ બ્રિજની મંજૂરી અર્થે દરખાસ્ત કરી દેવામાં આવી છે. મંજૂરી મળશે તો તે મુજબની કામગીરી કરવામાં આવશે, તેમ છતાં કાચા કામચલાઉ બ્રીજની મંજૂરી ન મળે તો ત્રીજા વિકલ્પ તરીકે પરિક્રમાનો રૂટ વિચારવાનો રહે છે. તમે પણ તમારા પ્રયાસો કરીને ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડ અને ગુજરાત મેરીટાઈમ બોર્ડમાં રજૂઆત કરીને આ કાર્યમાં સહાયરૂપ બનજો.

કલેક્ટરશ્રી સમક્ષ આગેવાનો અને સંતો દ્વારા રાત્રિ દરમ્યાન પરિક્રમા બંધ રાખવા પણ વિનંતી કરવામાં આવી હતી. જેથી પરિક્રમા સંચાલન અને આયોજનમાં સરળતા રહે તથા પરિક્રમાર્થીઓને અગવડતાનો સામનો કરવો ન પડે તે માટે ઉજાસમાં જ પદયાત્રા થાય તે ઈચ્છનીય છે. અહીં આવતા પ્રવાસીને કોઈ તકલીફ ન પડે તે માટે સેવા કેન્દ્રો અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા અપાતા સહયોગને કલેક્ટરશ્રીએ બિરદાવ્યો હતો.

નદીમાં હોડીના સંચાલનની બાબત નીતિ વિષયક હોય સરકારશ્રી કક્ષાએથી નિર્ણય થયે બોટ માટેનું આયોજન વિચારવાનું રહેશે. જેથી હાલના તબક્કે ત્રીજા વૈકલ્પિક રૂટ માટે નર્મદા પરિક્રમાના આયોજનમાં સૌએ સહકાર આપવા કલેક્ટરશ્રી દ્વારા વિનંતી કરાઈ હતી.

પરિક્રમાના રૂટ માટે અને પરિક્રમા સંદર્ભે જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા અગાઉ બે બેઠકો યોજવામાં આવી હતી. નર્મદા નદી કિનારા અને ઘાટનું તથા પરિક્રમા રૂટનું નિરીક્ષણ પણ જિલ્લા વહીવટી ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.

ઉક્ત બેઠકમાં નર્મદા કિનારે આવેલા આશ્રમના સંચાલકો-સાધુ સંતો પૈકી નર્મદા પરિક્રમાના આયોજક શ્રી સાંવરિયા મહારાજ, જ્યોતિમઠના શ્રી રણજીત સ્વામી, શ્રી સ્વામી સહજાનંદ મહારાજ, શ્રી ધર્મદાસજી મહારાજ, રામાનંદ આશ્રમના શ્રી અમિતાબહેન, શ્રી આનંદદાસ મહારાજ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.