Tag: Praful panseria
શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયાના હસ્તે લોકાર્પણ થયેલ શાળામાં ત્રણ મહિના બાદ પણ બાળકો પાઠયપુસ્તક વિના ભણવા મજબુર : ‘આપ’ કોર્પોરેટર મહેશ અણઘણ
શિક્ષણમંત્રીના વિસ્તારમાં બાળકો ભગવાન ભરોસે ભણવા મજબુર થયાં : મહેશ અણઘણ
આજરોજ આમ આદમી પાર્ટીમાં કોર્પોરેટર મહેશભાઈ અણઘણને ફરિયાદ મળી હતી કે, કઠોદરા પ્રાથમિક શાળામાં મોટેભાગનાં વિદ્યાર્થીઓને પુસ્તકો કે શાળા સામગ્રી મળી નથી. જેથી મહેશભાઈ અણઘણ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સભ્ય શ્રી રાકેશભાઈ હીરપરાએ કઠોદરા પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી. ત્યાં જઈને અને વિદ્યાર્થીઓ સાથે વાત કરતા માલુમ પડ્યું કે લગભગ 100 જેટલા વિદ્યાર્થીઓ પુસ્તક વગર અભ્યાસ કરી રહ્યા છે.
આ બાબતે ‘આપ’ કોર્પોરેટર મહેશભાઈ અણઘણે ખેદ વ્યક્ત કરીને શાસકો પર ચાબખા મારતા જણાવ્યું હતું કે, અત્યંત દુઃખની બાબત છે કે શિક્ષણ મંત્રીનાં પોતાના જ મતવિસ્તાર માં બાળકો પાઠ્યપુસ્તક વિના અભ્યાસ કરી રહ્યાં છે. શિક્ષણ મંત્રી પ્રફુલભાઇ પાનસેરીયાએ ત્રણ મહિના પહેલા જ આ શાળાનું લોકાર્પણ કરેલું હતું અને હજુ બાળકોને શાળા સામગ્રી કે પાઠ્યપુસ્તકો મળ્યા નથી. મહેશભાઈ અણઘણે વધુમાં જણાવ્યું હતું કે, એકબાજુ વાલીઓ પ્રાઇવેટ શાળા છોડાવી સરકારી શાળામાં ભણાવવા તૈયાર થયાં છે અને બીજી બાજુ સરકારી શાળામાં બાળકોને અભ્યાસ સામગ્રી ઉપલબ્ધ નથી કરાવતી. હકીકતમાં ભાજપ સરકાર ઇચ્છતી જ નથી કે, બાળકો સરકારી શાળામાં ભણે. જો સરકારી શાળામાં ભણશે તો પ્રાઇવેટ શાળા સાથેનું સેટિંગ ભાંગી પડશે.
અંતમાં મહેશભાઈ અણઘણે જણાવ્યું હતું કે, શાળા તરફથી પણ વારંવાર રજુઆત કરવામાં આવી છે પરંતુ પાઠ્યપુસ્તકો ઉપલબ્ધ કરાવવાની તસ્દી હજુ શાસકો કે તંત્રએ લીધી નથી. હું શિક્ષણ મંત્રીને અપીલ કરું છું કે તાત્કાલિક આ શાળામાં વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો અને બીજી જરૂરી સામગ્રીઓ ઉપલબ્ધ કરાવે જેથી બાળકોને ભણવામાં તકલીફ ના પડે અને તેઓનું ભવિષ્ય સુધરે.