Tag: Minister Praful Pansheria
ગંદકીના ઢગમાં ભાજપના ઝંડા રોપી આમ આદમી પાર્ટીએ વિરોધ કર્યો
મંત્રી પ્રફુલ પાનશેરિયાના મત વિસ્તાર કામરેજમાં જનતા તૂટેલા રોડ રસ્તા અને રખડતા ઢોરોથી પરેશાન છે : કામરેજ તા.પં.વિપક્ષ નેતા જે.ડી.કથીરિયા
કામરેજ ગ્રામ પંચાયત તંત્ર પણ જાણે કોઈ મોટા અકસ્માતની રાહે બેઠું હોય તેમ તદ્દન નિષ્ક્રિય અને નિષ્ફળ છે : જે.ડી.કથીરિયા
ચૂંટણી વખતે મત માંગવા પ્રફુલભાઇ પાનશેરિયા જે રીતે લોકોની વચ્ચે જતા હતાં તેવી જ રીતે લોકોને પડતી હાલાકી જોવા પણ જાય : જે.ડી.કથીરિયા
કામરેજ તાલુકા પંચાયત વિપક્ષ નેતા જે.ડી.કથીરિયાએ આજે ભાજપ શાસકો સામે મોરચો માંડયો હતો. જે.ડી.કથીરિયા અને આમ આદમી પાર્ટીના કાર્યકરોએ કામરેજ ખાતે એક પ્રદર્શન કર્યું હતું જેમાં તૂટેલા રોડ રસ્તા, ઉભરાતી ગટર અને રખડતા ઢોરોના ફોટા વાળા એપરન પહેરી પહેરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં લખ્યું હતું કે, ‘કામરેજ ઉભરાતી ગટર થી પરેશાન છે, કામરેજ તૂટેલા રસ્તાથી પરેશાન છે, કામરેજ રખડતા ઢોરથી પરેશાન છે.’ ઠેક ઠેકાણે પડેલી ગંદકીમાં ભાજપના ઝંડા પણ રોપવામાં આવ્યાં હતાં. જેને લઈને સ્થાનિક રહીશો પણ ગ્રામ પંચાયતની કામગીરી પર સવાલો ઉઠાવ્યા હતાં.
આ બાબતે કામરેજ તાલુકા પંચાયત જે.ડી.કથીરિયાએ જણાવ્યું હતું કે, શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરિયાના મતવિસ્તાર કામરેજમાં લોકો તૂટેલા રોડ રસ્તા, ઉભરાતી ગટર અને રખડતા ઢોરોથી ખૂબ જ પરેશાન છે. મંત્રીશ્રી પોતાના જ મતવિસ્તારને પાયાની સુવિધા પુરી પાડવામાં નિષ્ફળ સાબિત થયાં છે. કામરેજના બધા જ માર્ગોની હાલત ખૂબ જ દયનીય છે. તૂટેલા રસ્તાઓ પર ગાડીઓ ચલાવીને લોકોના વિહિકલને પણ નુકસાન થઇ રહ્યું છે. રખડતા ઢોરો કામરેજના રસ્તાઓ પર જ્યાં ત્યાં રઝળતી હાલતમાં જોવા મળે છે, જેને લઈને વાહન ચાલકો અકસ્માતની ભીતિએ વાહન ચલાવતા પણ ગભરાઈ રહ્યાં છે. કામરેજ ગ્રામ પંચાયત તંત્ર પણ જાણે કોઈ મોટા અકસ્માતની રાહે બેઠું હોય તેમ તદ્દન નિષ્ક્રિય અને નિષ્ફળ છે. માનનીય મંત્રી પ્રફુલભાઇ પાનશેરિયાને પણ લોકોની હાલાકી જોવાની ફુરસત નથી મળતી. કામરેજ ગ્રામ પંચાયત સરપંચ કિંજલબેન શાહની કામગીરી પણ તદ્દન નિરાશાજનક દેખાઈ આવે છે તેમ સ્પષ્ટ શબ્દોમાં જે.ડી.કથીરિયાએ જણાવ્યું હતું.
જે.ડી.કથીરિયાએ આ મુદ્દે વધુમાં જણાવ્યું હતું કે, મંત્રી પ્રફુલભાઇ પાનશેરિયા ચૂંટણી વખતે મત માંગવા જે રીતે લોકોની વચ્ચે જતા હતાં તેવી જ રીતે લોકોને પડતી હાલાકી જોવા પણ જાય તો ખબર પડે કામરેજની જનતામાં કેટલો આક્રોશ છે. ઉભરાતી ગટરો રોગચાળાને ઘરે લઇ આવશે તેવી આશંકા પણ જેડી કથીરિયાએ વ્યક્ત કરી હતી.