Tag: 30 વર્ષથી ભાજપ શાસકોએ લીંબાયત વિસ્તારની અવગણના કરી છે
પ્રિમોન્સૂનનાં નામે દર વર્ષે કરોડોનો ધુમાડો કરતી પાલિકા પાણી ભરાતા પાણીમાં બેસી જાય છે : પાયલ સાકરીયા
30 વર્ષથી ભાજપ શાસકોએ લીંબાયત વિસ્તારની અવગણના કરી છે : પાયલ સાકરીયા
વરસાદ બંધ થશે તો પાણી ઉતરી જશે : લીંબાયતનાં અધિકારીઓનો ઉડાઉ જવાબ
ગઈકાલનો અવિરત વરસાદ વરસતા લીંબાયત મીઠીખાડી વિસ્તારમાં પુષ્કળ પાણી ભરાયા હતાં જે આજે સાંજ સુધી પણ ન ઉતરતા વિપક્ષ નેતા પાયલ સાકરીયાએ આજરોજ ત્યાં મુલાકાત લીધી હતી. સ્થળ પરની હાલત બદથી પણ બદતર હોવાનું માલુમ પડ્યું હતું. એટલે સુધી ખરાબ હાલત હતી કે, ખાડી કઈ અને રસ્તો કયો તે શોધવું પણ મુશ્કેલ બન્યું હતું.
આ મુદ્દે પાયલ સાકરીયાએ પોતાની પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, દર વર્ષે પાલિકા પ્રિમોન્સૂનનાં નામે કરોડો રૂપિયા ખર્ચ કરે છે. તેમ છતાં લીંબાયતમાં કેટલાય વર્ષોથી બદતર હાલત છે. 30 – 30 વર્ષથી ભાજપ જ્યાંથી ચૂંટાઈ છે તે જ વિસ્તારનાં લોકો હાલાકીમાં જીવવા મજબૂર બન્યા છે. સમસ્યાનાં નિરાકરણને એક વર્ષ લાગે, બે વર્ષ લાગે કે વધુમાં વધુ ત્રણ વર્ષ થાય. 30 વર્ષથી સત્તામાં હોવા છતાં કશું ઉકાળી નથી શક્યા. કયા કારણોસર આ સમસ્યાનો નિકાલ નથી થતો તેવો વેધક પ્રશ્ન શાસકોને પૂછ્યો હતો.
આ સાથે પાયલ સાકરીયાએ જણાવ્યું હતું કે, પ્રિમોન્સૂનનાં કામમાં ફક્ત દવા છાંટવાથી સંતોષ માનતી પાલિકાની કામગીરી હંમેશા બિલકુલ નિરાશાજનક રહી છે. આટલા વરસાદમાં લોકોનાં ઘરોમાં પાણી ભરાયા છે, નોકરિયાતોને નોકરી પર જવાની સમસ્યા છે. ગૃહિણીઓને ઘર સામગ્રી લાવવાની ચિંતા છે. બાળકો સ્કૂલે જઈ શકે એ પરિસ્થિતિમાં નથી. વધુમાં, પાણી ઓસરતા કાદવ કીચડ થવાની સંભાવના છે, તેના દ્વારા રોગચાળો ફાટી નીકળવાની પણ સંભાવના છે. નાના બાળકોને તાવ, ઝાડા ઉલ્ટી થવાની સંભાવના રહેલી છે. અને લીંબાયત ઝોનનાં અધિકારીઓ બચાવ કામગીરી કરવાને બદલે ઉડાઉ જવાબ આપે છે કે વરસાદ બંધ થતાં પાણી ઓસરી જશે. શું આ કામગીરી માટે દર વર્ષે કરોડો રૂપિયા પ્રિમોન્સૂન પાછળ ખર્ચીએ છીએ તેવા વેધક આક્ષેપો પાયલ સાકરીયાએ કહ્યા હતાં.