Tag: સચિન પાલીગામ
વિપક્ષ નેતા પાયલ સાકરીયાની આગેવાનીમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોએ મેયર દક્ષેશ માવાણીને આવેદન અપાયું:
Surat Sachin Paligam News: સચિન પાલીગામ ખાતે ગેરકાયદેસર ઇમારત ધરાશાયી થવાની દુર્ઘટનામાં જવાબદાર અધિકારીઓ તથા રાજકીય ભલામણકર્તાઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરો: વિપક્ષ આમ આદમી પાર્ટી
આમ આદમી પાર્ટી, સુરતના કોર્પોરેટરોએ વિપક્ષ નેતા પાયલ સાકરીયાની આગેવાનીમાં મેયર દક્ષેશ માવાણીને આવેદન આપીને જણાવ્યું હતું કે, સુરત મહાનગરપાલિકાના સાઉથ ઝોન-બી, સચિન પાલીગામ ખાતે વર્ષ-ર૦૧૭ માં નિર્માણ પામેલ છ માળની ગેરકાયદેસર ઇમારત પત્તાના મહેલની જેમ જોત જોતમાં ધરાશાયી થઇ જતા તેમાં ૭ નિર્દોષ વ્યકતિઓના મૃત્યુની અત્યંત દુઃખદ ઘટના બનેલ છે.
વિપક્ષે વધુમાં જણાવ્યું કે, ઉકત દુર્ઘટનાએ વહીવટીતંત્રના શહેરી વિકાસ વિભાગ સહિત અન્ય જવાબદાર વિભાગોમાં ગેરકાયદેસરની મિલકતોના બાંધકામ અને વસવાટ પરવાનગીના નીતિ નિયમો કોરાણે મુકીને મોતના જોખમી ટાવરો ઉભા કરવાની આર્થિક વહીવટ કરીને આપવામાં આવતી ખુલ્લી છુટનું પરિણામ છે.
પાયલ સાકરીયાએ ઉમેરતા કહ્યું કે, સચીન પાલીગામ દુર્ઘટનામાં માત્ર બિલ્ડીંગના માલિકો સામે કાર્યવાહી કરીને સંતોષ માની લેવાથી આ પ્રકારની દુર્ઘટનાઓ તથા નિર્દોષ નાગરિકોના મૃત્યુની કમનસીબ બનાવો બંધ થવાના નથી. તે માટે જરૂરી છે આ પ્રકારના ગેરકાયદેસરના બાંધકામોને છાવરનારા તથા સંરક્ષણ આપનારા શાસકો/રાજકીય નેતાઓ અને શહેરી વિકાસ વિભાગ, વેરા વસુલાત વધારવા ગેરકાયદેસર મિલકતોને આકારણી દફતરે ચઢાવનાર આકારણી વિભાગ, ગેરકાયદેસરના બાંધકામને પાણી અને ગટર કનેકશન આપતા વિભાગો, પાલિકાનો નિસ્તેજ અને નિરર્થક બની ગયેલ વીજીલન્સ વિભાગ એટલે કે, વહીવટીતંત્રની આર્થિક લાભો મેળવીને ગેરકાયદેસરની મિલકતોને સંરક્ષણ આપ્યા બાદ તેના સંવર્ધનના ભાગરૂપે વેરા, પાણી, ગટર, લાઇટ જેવી સુવિધાઓ પુરી પાડવાની બેધારી નીતિ.
આમ આદમી પાર્ટીના સૌ કોર્પોરેટરોએ એકસૂરમાં જણાવ્યું હતું કે, સચીન પાલીગામ દુર્ઘટનામાં જે પ્રકારની બિલ્ડીંગ અને ગેરકાયદેસર બાંધકામો છે તેવા બિલ્ડીંગોનો સમગ્ર શહેરમાં રાફડો ફાટી નીકળેલ છે અને આ પ્રકારના ગેરકાયદેસરના અને હેતુ વિરુઘ્ધના બાંધકામો અંગે સ્થાનિકોની ફરિયાદોને ઝોનકક્ષાએ કોઇ દાદ મળતી નથી તેમજ અરજદારો મુખ્ય કચેરી સહિત વીજીલન્સ વિભાગ તથા પદાધિકારીશ્રીઓ સામે ફરિયાદ આવતા માત્ર દેખાડા પુરતી કાર્યવાહી થતી હોય છે કારણ કે, ગેરકાયદેસરના બાંધકામોએ શહેરી વિકાસ અને જે તે ઝોનના કાળી કમાણીના મુખ્ય સ્ત્રોત બની ગયેલ છે પરિણામે ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ થશે નહી એવી કોઇ ખાતરી મને દેખાતી નથી.
આપશ્રીને વધુમાં જણાવવાનું કે, દર વર્ષે રાજય તથા પાલિકા સ્તરે પ્રિમોન્સુનની કામગીરી અંતર્ગત ગેરકાયદેસરની અને જોખમી મિલકતો અંગે મીટીંગો થાય છે પરંતુ જમીની સ્તરે તેનો કોઇ અમલ તથા સુપરવિઝન થતું હોય તેમ જણાતું નથી કારણ કે, ઉકત સચીન પાલી ખાતે આવેલ બિલ્ડીંગને પણ નોટિસ આપેલ હોવાની વાત પાલિકા ઘ્વારા કરવામાં આવી રહેલ છે તો કયા કારણોસર અત્યંત જોખમી હોવા છતાં બિલ્ડીંગને સીલ મારવામાં આવેલ નથી ? આમ, વહીવટીતંત્ર ઘ્વારા નોટિસો આપ્યાનો દેખાડો કરીને પ્રિમોન્સુનની કામગીરી કાગળ પર પુર્ણ કરી સંતોષ માની લેવાની અખત્યાર કરેલ નીતિ એ આ નિર્દોષ નાગરિકોના મૃત્યુની દુર્ઘટના માટેનું એક કારણ નથી.
વિપક્ષ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોએ આગળ જણાવતા કહ્યું કે, સમગ્ર સુરત શહેર સહિત ઉકત સચીન પાલીગામ વિસ્તારમાં આવી અસંખ્ય રહેણાંક બિલ્ડીંગો, હેતુ અને મંજુર પ્લાન વિરુઘ્ધની ગેરકાયદેસરની કોટેજ ઇન્ડસ્ટ્રીઝ બિલ્ડરોએ વહીવટીતંત્ર અને રાજકીય આગેવાનોના મેળાપીપણામાં મંજુર પ્લાન વિરુઘ્ધ બેરોકટોક ગેરકાયદેસરના બાંધકામ કર્યા તથા ગરીબો, અશિક્ષિત અને કાયદાથી અજાણ લોકોને તેનું વેચાણ/ભાડેથી ફાળવેલ છે અને અશિક્ષિત અને કાયદાથી અજાણ લોકો તથા મજુરવર્ગને તો એમ હોય છે કે પાલિકાએ કોઇ કાર્યવાહી કરેલ નથી એટલે નિયમોનુસાર બાંધકામ હશે.
આમ, હવે આ સચીન પાલી દુર્ઘટનાને કારણે સરકાર, પાલિકા અને શાસકો પર વિશ્વાસ કરીને બિલ્ડરો / ઓર્ગેનાઇઝર પાસે પોતાની મહામુલી મુડી અને ગામની જમીનો વેચી રહેણાંક ફલેટની ખરીદી કરતા / વસવાટ કરતા ગરીબ અને મજુર વર્ગના લોકો વહીવટીતંત્રની બેઇમાનીનો ભોગ બનશે. જે ચલાવી શકાય એમ નથી.
પાયલ સાકરીયાએ મેયર શ્રીને જણાવ્યું કે, હું આપશ્રી સમક્ષ આ આવેદનપત્ર થકી માંગણી સહ રજુઆત કરૂ છું કે, ઉકત હ્ય્દય કંપાવનારા દુર્ઘટનામાં કમનસીબે મૃત્યુ પામનારાઓ અને તેમના આશ્રિતોને ન્યાય મળે અને ભવિષ્યમાં આવી ઇમારતોનું નિર્માણ અટકે તથા પાલિકા તથા તાલુકા હસ્તકના તલાટી તથા મામલતદાર કક્ષાએ ગ્રાઉન્ડ+ ર માળના બાંધકામની પરવાનગી મેળવી પરવાનગીથી વધુ માળની બનતી ગેરકાયદેસરની ઇમારતો બનતી અટકે તે હેતુસર વર્ષ-ર૦૧૭ ના તત્કાલિન જવાબદાર અધિકારી સહિત વારંવારની સુચનાઓ છતાં જોખમી ઇમારતો અંગેના દિશાનિર્દેશને અવગણનાર હાલના જવાબદાર વિભાગના અધિકારી સહિત રાજકીય ભલામણકર્તાઓના નામ જાહેર કરવામાં આવે તથા તેમની વિરુઘ્ધ કાયદેસરની દાખલારૂપ શિક્ષા નિયત થાય તે મુજબના પગલાં પ્રજાહિતમાં લેવા મેયર ને જણાવ્યું હતું.