Tag: પ્રાકૃતિક ખેતી એટલે શું?
સુરત જિલ્લો: પ્રાકૃતિક કૃષિ ‘લેખમાળા-૧’
રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક(ગૌ આધારિત) કૃષિને મળી રહ્યું છે પ્રોત્સાહન: પ્રાકૃતિક ખેતી, તેના ફાયદા અને ધ્યેય વિષે આટલું જાણીએ
રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક(ગૌ આધારિત) કૃષિને મળી રહ્યું છે પ્રોત્સાહન: પ્રાકૃતિક ખેતી, તેના ફાયદા અને ધ્યેય વિષે આટલું જાણીએ:
ન્યૂનતમ ખર્ચ-મહત્તમ નફો’: રાસાયણિક ઝેરી તત્વો વિના શુદ્ધ અને ગુણવતાસભર ઉત્પાદન માટેની સરળ અને ઉત્તમ ખેતપદ્ધતિ એટલે પ્રાકૃતિક કૃષિ
Surat News: ખેતીમાં રાસાયણિક અને ઝેરી દવાઓને કારણે જમીન, પાક અને પર્યાવરણને થતા નુકસાનથી વણસી રહેલી સ્થિતિને સુધારવા તેમજ લોકોને નિરોગી અને તંદુરસ્ત સ્વાસ્થ્ય મળી રહે તે હેતુથી રાજ્યસરકાર દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા ભારપૂર્વક આહ્વાન કરાઇ રહ્યું છે. અને તે માટે ખેતીવાડીની વિવિધ યોજનાઓને આધારે ખેડૂતોને સહાય પણ આપવામાં આવી રહી છે. ત્યારે આજે પ્રકૃતિ ખેતી એટલે શું, તેના ફાયદા અને મુખ્ય ધ્યેયો વિષે વિસ્તૃતમાં સમજીએ.
પ્રાકૃતિક ખેતી એટલે શું?
કૃત્રિમ ખાતર, કૃત્રિમ જંતુનાશકો, બાહ્ય સામગ્રી કે સંસાધન વિના જીવ, જમીન, પાણી અને પર્યાવરણને કોઈપણ પ્રકારનું નુકસાન કર્યા વગર કુદરતી સાધન સામગ્રી વડે ન્યૂનતમ ખર્ચ, વધુ ઉત્પાદન અને ઉત્તમ ગુણવતા સાથે થતી ખેતી એટલે ‘પ્રાકૃતિક ખેતી’. જેમાં માત્ર એક દેશી ગાય થકી ૩૦ એકર(૭૫ વીઘા)માં ખેતી થઈ શકે છે.
પ્રાકૃતિક ખેતી શા માટે?
લાંબા સમયે હરિત ક્રાંતિ અને રાસાયણિક ખેતીથી આજે ખેડૂતોની જમીન, પાણી, પર્યાવરણ, પાકો, બિયારણો વિગેરે દૂષિત થયા અને પાકોની ગુણવત્તા બગડી, ખોરાકમાં ઝેરી તત્વોનું પ્રમાણ વધ્યું, જમીનની ફળદ્રુપતા અને ઉત્પાદકતા ઉપર અસર થતાં ખેડૂતોની મુશ્કેલીઓ વધી, ઉત્પાદન ખર્ચ વધ્યો, પાકમાં રોગ-જીવાતનું પ્રમાણ વધ્યું. પરિણામે પર્યાવરણ, મનુષ્ય, પ્રાણીના સ્વાસ્થ્ય ઉપર તેની વિપરીત અસર થઈ. દેશની વધતી જતી વસ્તીને અન્ન પુરવઠો પૂરો પાડવા ઘનિષ્ઠ પાક ઉત્પાદન પદ્ધતિઓને હિસાબે ઉભી થયેલી સમસ્યાઓથી જમીન, પાણી, પર્યાવરણ અને ખેતી દ્વારા થતું ઉત્પાદન ઝેરી તત્વોના અંશોવાળું થવાથી મનુષ્યોમાં અસાધ્ય રોગોનું પ્રમાણ વધ્યું અને રોગ પ્રતિકારકતા ઘટી છે. જેથી જમીનને ફરી ફળદ્રુપ બનાવવા, ખેતી ઓછી ખર્ચાળ કરવા, તંદુરસ્ત તથા ગુણવત્તા યુક્ત પાક ઉત્પાદન મેળવવા માટે ખેડૂતોને સરળ અને સારી ખેતી પદ્ધતિ અપનાવવા માટે પ્રાકૃતિક ખેતી શ્રેષ્ઠ વિકલ્પ છે.
પ્રાકૃતિક ખેતીના ધ્યેયો:
પ્રાકૃતિક ખેતીમાં ઉપયોગમાં લેવાતી સામગ્રી બહારથી ન લાવતા ઘરે જ તૈયાર કરી તેનો ઉપયોગ કરવો. ફક્ત દેશી ગાયના ગોબર-ગૌ મૂત્ર દ્વારા બનાવેલા જીવામૃત, ઘનજીવામૃત, બીજામૃતનો ઉપયોગ કરીને જમીનની ફળદ્રુપતા વધારવી. ઢોર ખાઈ નહીં અને ગામમા સરળતાથી મળી રહેતી રોગ જીવાત પ્રતિકારક વનસ્પતિનો તેના નિયંત્રણ માટે ઉપયોગ કરવો. પ્રાકૃતિક ખેતીનો મુખ્ય ધ્યેય ખેડૂતોની આવક વધારી ગામડાઓ સદ્ધર બનાવવા અને ગ્રામ સ્વરાજનો ઉદ્દેશ સિદ્ધ કરવાનો છે.