Tag: ખાસ કરીને પછાત વર્ગના લોકો આત્મસન્માન દ્વારા
સુરતના ઉમરપાડા તાલુકાના વેલાવી ગામના ધો.૧૦ સુધી ભણેલા ચંદનભાઈ રાજ્ય સરકારની ઓછા વ્યાજ દરની લોન સહાય યોજનાથી બન્યા પગભર: રૂ.૫ લાખની લોન મેળવી ખરીદી ઈકો ગાડી
Surat Umarpada Taluka: યુવાધન આગળ વધી સમજ અને દેશમાં પોતાનું સ્થાન પ્રાપ્ત કરી પોતે આત્મનિર્ભર બની શકે એના માટે રાજ્ય સરકારની અનેક યોજનાઓ અમલી છે. ખાસ કરીને પછાત વર્ગના લોકો આત્મસન્માન દ્વારા જીવી શકે એ માટે તેઓને જિંદગીની નવી ઉડાન શરૂ કરવા ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન દ્વારા ઓછા વ્યાજદરે લોન આપવામાં આવે છે.
આદિજાતિ બંધુઓને પ્રોત્સાહન આપતી આ યોજનાનો લાભ લઈ સુરતના ઉમરપાડા તાલુકાના વેલાવી ગામના યુવા ચંદનભાઈ વસાવાએ રૂ.૫ લાખની કિંમતની ઈકો ગાડીની ખરીદી લોન સહાય યોજના થકી કરી પગભર બન્યા છે. રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ કોર્પોરેશન દ્વારા ૪ ટકા વ્યાજ દરની લોન સહાય યોજના દ્વારા તેઓ પોતાના ગાડીના વ્યવસાયને આગળ વધારી પરિવારનું ભરણ-પોષણ કરવા સક્ષમ બન્યા છે. આ વિષે વિસ્તારથી જણાવતા તેમણે કહ્યું કે, મારી માતા સહિત અમે પરિવારમાં ૪ સભ્યો છીએ. હું અભ્યાસમાં નબળો હોવાથી માત્ર ધોરણ ૯ પાસ કરી શક્યો હતો. ધોરણ ૧૦માં અનુત્તીર્ણ થયા બાદ રોજગારી માટે ખેતીકામ અને મજૂરી કરી પરિવારને આર્થિક મદદ કરતો હતો. ત્યારે મારા ભાઈએ મને સરકારની ઓછા વ્યાજે મળતી લોન સહાય યોજના વિષે જાણકારી આપી હતી. જેથી તેનો લાભ લેવા મેં ઇકો ગાડી ખરીદી માટેની અરજી કરી હતી. માત્ર ૪ ટકાના વ્યાજ દરે મને લોન મળી અને મારા વાહનનું સપનું પૂર્ણ થયું.
વધુમાં તેમણે જણાવ્યું કે, પહેલા ખેતીકામ કરતો ત્યારે આવક ઓછી મળતી હતી અને પરિવારની જરૂરિયાતો પણ પૂરી ન થતી હતી. આ લોન મળવાથી ગાડી લીધા બાદ હાલ રાષ્ટ્રીય બાળ સ્વસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત ઉમરપાડામાં હું કોન્ટ્રાક્ટ પર ગાડી ચલાવી સારી એવી આવક મેળવું છું, અને મારા પરિવારનું સરળતાથી ભરણ-પોષણ કરી શકું છું એમ જણાવી તેમણે ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન તેમજ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
ચંદનભાઈ વસાવાની ધો.૧૦માં અનુત્તીર્ણ થયા છતાં કંઈક કરી છુટવાની અને પોતાના વ્યવસાય દ્વારા પરિવારની જવાબદારીઓ સારી રીતે પરિપૂર્ણ કરવાની નેમ રાજ્ય સરકારના સહયોગ થકી પુર્ણ થઇ છે. વેલાવી ગામના યુવા ચંદનભાઈ અનેક યુવાઓ માટે પ્રેરણારૂપ છે.