નવી દિલ્હી.દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે 10મા દિવસે પણ ઓઈલ કંપનીઓએ ભાવ વધારી દીધા છે, જેનું પરિણામ છે કે હવે રાજસ્થાન પછી મધ્યપ્રદેશમાં પણ પેટ્રોલના ભાવ 100 રૂપિયા પ્રતિ લિટરની પાર નીકળી ગયા છે. આજે મધ્યપ્રદેશના અનુપપુરમાં પેટ્રોલ 100.40 રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે. ગઈકાલે રાજસ્થાનના શ્રીગંગાનગરમાં પેટ્રોલનો ભાવ 99.90 રૂપિયા હતો.
દિલ્હીમાં પેટ્રોલનો ભાવ હવે 90 રૂપિયા લિટરની નજીક પહોંચી ગયો છે, જે 89.88 રૂપિયા પર છે. ડીઝલ અહીં 80 રૂપિયા 27 પૈસા લિટર છે. મુંબઈમાં પેટ્રોલ 96.32 રૂપિયા અને ડીઝલ 87.36 રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે. આજે પેટ્રોલમાં 35 અને ડીઝલમાં 32 પૈસાનો વધારો થયો છે.
આ મહિને છેલ્લા 14 દિવસમાં 12મી વખત પેટ્રોલ-ડીઝલ મોંઘાં થયાં છે. આ દરમિયાન દિલ્હીમાં પેટ્રોલ 3.58 રૂપિયા અને ડીઝલ 3.79 રૂપિયા મોંઘાં થયાં છે. આ પહેલાં જાન્યુઆરીમાં ભાવ 10 વખત વધ્યા હતા. આ દરમિયાન પેટ્રોલ 2.59 રૂપિયા અને ડીઝલ 2.61 રૂપિયા મોંઘાં થયાં હતાં. આ વર્ષે અત્યારસુધીમાં 22 વખતમાં પેટ્રોલ 6.17 રૂપિયા અને ડીઝલ 6.50 રૂપિયા પ્રતિ લિટર મોંઘાં થયાં છે.
ગઈકાલે લંડન એક્સચેન્જમાં બ્રેન્ટ ક્રૂડનો ભાવ 64 ડોલર પ્રતિ બેરલને પાર કરી ગયો છે, જેની અસર આજે દેશમાં જોવા મળી. આજે દિલ્હીમાં પેટ્રોલ 32 પૈસા પ્રતિ લિટર મોંઘું થયું છે. ડીઝલ પણ 32 પૈસા મોંઘું થયું છે. મુંબઈમાં પેટ્રોલનો ભાવ રૂપિયા 96.32 રૂપિયા થઈ ગયો છે, જ્યારે કોલકાતામાં 91.11, ચેન્નઈમાં 91.98 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયો છે. ભારત અને ચીન સહિત એશિયન દેશમાં કાચા તેલની માગમાં સતત વધારો થઈ રહ્યો છે, જેનાથી આવતીકાલે કાચા તેલના આંતરરાષ્ટ્રીયમાં તેજી જોવા મળી.
ફેબ્રુઆરીમાં અત્યારસુધીમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં 12 વખત વધારો થયો છે. આ પહેલાં જાન્યુઆરીમાં ભાવ 10 વખત વધ્યા હતા. વર્ષ 2021માં અત્યારસુધીમાં તેલના ભાવ 22 દિવસ વધારવામાં આવ્યા છે. વર્ષ પહેલાં 18 ફેબ્રુઆરી 2020ના રોજ દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 71.89 રૂપિયા પ્રતિ લિટર હતો, એટલે કે વર્ષ દરમિયાન પેટ્રોલ 17.99 રૂપિયા પ્રતિ લિટર મોંઘું થઈ ચૂક્યું છે. ડીઝલ પણ વર્ષ દરમિયાન 15.62 રૂપિયા પ્રતિ લિટર મોંઘું થઈ ગયું છે.
પેટ્રોલ પર સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યૂટી એક વર્ષ પહેલાં 19.98 રૂપિયા હતી, આ હવે વધીને 32.90 રૂપિયા થઈ ગઈ છે. આ રીતે ડીઝલ પર એક્સાઈઝ ડ્યૂટી 15.83થી વધીને 31.80 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે. કેન્દ્ર સરકાર કમાણી કરી રહી છે તો રાજ્ય સરકારોએ પણ તેમના ટેક્સ વધારી દીધા છે. તેમણે વેટ વધાર્યો છે. આ રીતે કેન્દ્ર અને રાજ્ય બન્ને સરકાર મળીને ઓઈલના ભાવ વધારી રહી છે.