
ઈન્ડિયન પ્રીમિયર લીગની 14મી સીઝનનું આયોજન એપ્રિલ-મેમાં થશે. કિંગ્સ ઈલેવન પંજાબ એ જૂજ ટીમોમાંની એક છે, જે અત્યારસુધીમાં એકપણ ખિતાબ પોતાના નામે કરી શકી નથી, પરંતુ 14મી સીઝન અગાઉ ટીમે એક મોટો ફેરફાર કર્યો છે. કિંગ્સ ઈલેવન પંજાબે પોતાનું નામ બદલ્યું છે અને ઈન્ડિયન પ્રીમિયર લીગની આગામી સેશનમાં ટીમનું નવું નામ પંજાબ કિંગ્સ હશે.
કિંગ્સ ઈલેવન પંજાબ આઈપીએલની એ આઠ ટીમમાંની એક છે, જે યુએઈમાં છેલ્લા સેશનમાં રમી હતી. બીસીસીઆઈની એક સૂત્રના અનુસાર, ‘ટીમ લાંબા સમયથી નામ બદલવાનું વિચારી રહી હતી અને લાગ્યું કે આ આઈપીએલ અગાઉ જ એ કામ કરવું યોગ્ય રહેશે. આ કોઈ અચાનક લેવાયેલો નિર્ણય નથી.’
મોહિત બર્મન, નેસ વાડિયા, પ્રીતિ ઝિંટા અને કરણ પૉલની ટીમ અત્યારસુધી એકવાર પણ આઈપીએલ જીતી શકી નથી. ટીમ એકવાર રનર-અપ રહી અને એકવાર ત્રીજા સ્થાને રહી.
પંજાબ કિંગ્સે પોતાનું નામ હરાજી અગાઉ જ બદલ્યું છે. 18 ફેબ્રુઆરીએ ઈન્ડિયન પ્રીમિયર લીગના 14મી સીઝન માટે હરાજીની પ્રક્રિયાનું આયોજન થશે. ગત સીઝન પછી પંજાબની ટીમે મેક્સવેલ સહિત અનેક મોટા ખેલાડીઓને રિલીઝ કર્યા.
પંજાબની ટીમે જોકે આ સીઝનમાં ટોપ લીડરશિપમાં કોઈ ફેરફાર કર્યો નથી. નવી સીઝન માટે ટીમના મુખ્ય કોચ અનિલ કુંબલે જ રહેશે. આ ઉપરાંત કે. એલ. રાહુલની કેપ્ટનશિપમાં આ ટીમ નવી સીઝન રમશે.