
કેન્સર જાગૃતિ માટે ખાસ પહેલ, 9 થી 14 વર્ષની દીકરીઓને સર્વાઇકલ કેન્સર વેક્સિન નિઃશુલ્ક અપાઈ
સુરત: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે 8 માર્ચે સુરતના રાંદેર રોડ સ્થિત શેલ્બી મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા મહિલા આરોગ્ય અને કેન્સર અંગે જાગૃતિ ફેલાવવા માટે વિશેષ બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે સુરત મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન પટેલ, યુથ ફોર ગુજરાતના અધ્યક્ષ જીગ્નેશ પાટીલ અને ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ નિખિલભાઈ મદ્રાસીની પ્રેરક ઉપસ્થિતી વચ્ચે હોસ્પિટલમાં નવા શરૂ થનારા ઑન્કોલોજી વિભાગ તથા આધુનિક રેડિયોથેરાપી સુવિધાઓનું પણ ઉદ્ઘાટન કરાયું હતું.
આ પ્રસંગે 9 થી 14 વર્ષની વયની દીકરીઓ માટે સર્વાઇકલ કેન્સર વેક્સિનેશનનો નિઃશુલ્ક ઉપક્રમ પણ જાહેર કરાયો હતો. જે અંતર્ગત ભારતભરના તમામ શેલ્બી હોસ્પિટલની શાખાઓ ખાતે દીકરીઓને વિનામૂલ્ય સર્વાઇકલ કેન્સર વેક્સિન આપવામાં આવી હતી, જેથી ભવિષ્યમાં મહિલાઓમાં થતા કેન્સરના જોખમને ઘટાડવામાં મદદ મળી શકે.

આ કાર્યક્રમમાં શેલ્બી હોસ્પિટલ, સુરતના ચીફ એડમિનિસ્ટ્રેટિવ નિરવ શાહે કહ્યું હતું કે “હોસ્પિટલમાં નવી કૅન્સર અને રેડિયોથેરાપી સેવાઓની શરૂઆત સાથે હવે વિવિધ પ્રકારના કૅન્સરની સારવાર માટે સર્વાંગી સુવિધાઓ ઉપલબ્ધ બની છે. અમારી પાસે મેડિકલ, રેડિયેશન અને સર્જિકલ ઑન્કોલોજિસ્ટ ડૉક્ટરોની નિષ્ણાત ટીમ ઉપલબ્ધ છે, જેના કારણે દર્દીઓને કૅન્સર માટે જરૂરી તમામ પ્રકારની સારવાર એક જ સ્થળે મળી શકે છે. અદ્યતન સારવાર સુવિધાઓ, અનુભવી તબીબો અને સંકલિત અભિગમ દ્વારા દર્દીઓને સમયસર નિદાન અને અસરકારક સારવાર મળે તે માટે અમે સતત પ્રયત્નશીલ છીએ.”
આ બાઈક રેલીનો મુખ્ય ઉદેશ્ય મહિલાઓમાં વધતા કેન્સરના કેસોને ધ્યાનમાં રાખી કેન્સર અંગે વહેલી તકે નિદાન અને નિવારણ વિશે સમાજમાં જાગૃતિ ફેલાવવાનો હતો. ત્યારે સવારે 09:30 કલાકે યોજાયેલી બાઈક રેલીનો પ્રારંભ શેલ્બી હોસ્પિટલથી થઇ તાડવાડી ચાર રસ્તા, અજમેર ચોક, ચોકસીવાડી, ગુજરાત ગેસ સર્કલ અને અડાજણ પાટિયા માર્ગેથી પસાર થઈ ફરી શેલ્બી હોસ્પિટલ ખાતે સમાપ્ત થઈ હતી. રેલી પૂર્ણ થયા બાદ ભાગ લેનાર મહિલા બાઈકર્સ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન પટેલ, યુથ ફોર ગુજરાતના અધ્યક્ષ જીગ્નેશ પાટીલ અને ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ નિખિલભાઈ મદ્રાસીએ નિર્ધારિત સ્થળેથી શેલ્બી હોસ્પિટલ સુધી એસ્કોર્ટ કરીને ડિયોથેરાપી વિભાગનું ઉદ્ઘાટન કર્યું હતું.