
અમિત પાટીલ,નવસારી. નવસારી જિલ્લામાં રવિવારે યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની 13 સંસ્થાની ચૂંટણીમાં કોરોના સંક્રમણના ભય કે 37 ડીગ્રી ગરમીની પરવા કર્યા વગર મતદારોએ અમૂલ્ય મત આપવા અનેરો ઉત્સાહ દર્શાવતા લોકશાહીમાં પ્રાણ પુરાયા હતા. નવસારી જિલ્લા પંચાયતમાં 30 બેઠકમાંથી 27 બેઠક પર ભાજપ અને 3 બેઠક પર કોંગ્રેસે જીત મેળવી છે. નગરપાલિકામાં નવસારીમાં 52માંથી 51 ભાજપ અને 1 કોંગ્રેસના ફાળે ગઈ છે અને ગણદેવીમાં 24માંથી તમામ 24 બેઠક પર ભાજપનો વિજય થયો છે, જ્યારે તાલુકામાં 132 બેઠકમાંથી 104 ભાજપ, 26 કોંગ્રેસ અને 1 અપક્ષના ફાળે ગઈ છે.