સુરત: ગ્રીનમેન તરીકે જાણીતા ઉદ્યોગપતિ વિરલ દેસાઈએ સરથાણા નેચર પાર્કમાં તેમના હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશનના માધ્યમથી વૃક્ષારોપણનું આયોજન કર્યું હતું. આ વૃક્ષારોપણ નજીકના ભવિષ્યમાં તૈયાર થઈ રહેલા અર્બન ફોરેસ્ટના ભાગરૂપે કરવામાં આવ્યું હતું, જ્યાં સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર એન. વી. ઉપાધ્યાય પણ વિશેષરૂપે હાજર રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે પોતાની પર્યાવરણીય ચળવળ ‘સત્યાગ્રહ અગેન્સ્ટ પોલ્યુશન’ અંતર્ગત વિરલ દેસાઈએ અત્યારસુધીમાં સરથાણા નેચર પાર્કમાં જૂદા-જૂદા તબક્કે 8000 જેટલા વૃક્ષોનું વાવેતર કર્યું છે. આ અંગે તેમણે જણાવ્યું હતું કે, ‘સરથાણા નેચર પાર્ક હાલમાં સુરતના ફેફસાની ગરજ સારે છે. અહીં હજુ કેટલાંક પેચ પર ગાઢ વૃક્ષારોપણ કરીને તેમાં વૃક્ષોનો વધારો કરીશું, જેથી બાયોડાયર્સિટીને સપોર્ટ મળશે અને નેચર પાર્ક ખરા અર્થમાં લાખો લોકો માટે ઓક્સીજન પાર્ક બની રહેશે.’
વૃક્ષારોપણના આ કાર્યક્રમમાં સરથાણા નેચર પાર્કના ડૉ. રાજેશ પટેલ તેમજ હીના પટેલ હાજર રહ્યા હતા. વિરલ દેસાઈના ‘હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશન’ દ્રારા આગામી સમયમાં સરથાણા નેચર પાર્કમાં થીમ બેઝ્ડ અર્બન ફોરેસ્ટ તૈયાર કરવાનું લક્ષ્ય નક્કી કરાયું છે. ગ્રીનમેન વિરલ દેસાઈ દ્વારા અગાઉ સુરતમાં ગ્રીન ઉધના રેલવે સ્ટેશન તેમજ ઈન્ડિયન રેલવે સ્ટેશનનું પ્રથમ અર્બન ફોરેસ્ટ પણ તૈયાર કરવામાં આવ્યું હતું.