ગ્લોબલ સિંધુ સમિટ 2022ને શુભેચ્છાઓ પાઠવતા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

Spread the love

અમદાવાદ: ભારતીય સિંધુ સભા, ગુજરાત યુવા ટીમ દ્વારા આગામી 10 એપ્રિલ, 2022ના રોજ અમદાવાદ ખાતે સૌપ્રથમ એવી ઐતિહાસિક ગ્લોબલ સિંધુ સમિટનું આયોજન થઈ રહ્યું છે. આ સમિટમાં દેશ-વિદેશમાંથી સિંધી સમાજના વિવિધ અગ્રણીઓ, બિઝનેસમેન, નિષ્ણાંતો હાજર રહેશે. ભારતભરમાં સિંધુ સમાજના આ અનન્ય કહી શકાય તેવા ભવ્ય કાર્યક્રમ માટે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શુભેચ્છા પાઠવી છે.

મુખ્યમંત્રીએ સમિટ માટે પાઠવેલા સંદેશમાં જણાવ્યું છે કે “સિંધુ નદીના કિનારે વિકસેલી આપણી સંસ્કૃતિને ઉજાગર કરનાર સિંધ પ્રાંત એક સમયે અખંડ હિંદનો ભાગ હતો. હિજરત દરમિયાન અહીં આવેલા સિંધી જ્ઞાતિના પરિવારોએ ઘણી મુશ્કેલીઓનો સામનો કરીને પોતાની મહેનત અને આત્મનિર્ભરતાથી અનેક સન્માનનીય લક્ષ્યાંકો હાંસલ કર્યા છે. ભાષા, સંસ્કૃતિ, વેપાર અને સંગઠન દ્વારા આપણી ભાષાનું ગૌરવ અને ઉત્થાન જાળવીને શિસ્તબદ્ધ સંસ્થા ભારતીય સિંધુ સભાની રચના કરવામાં આવી છે.

મને ખુશી છે કે ભારતીય સિંધુ સભાએ રાષ્ટ્રીય ચિંતનના સંદર્ભમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું છે. BSSની યુથ ટીમ દ્વારા ગ્લોબલ સિંધુ સમિટ 2022નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ સમિટ દ્વારા સિંધી સમાજના ઉદ્યોગ સાહસિક યુવાનોને વિકાસના નવા પરિમાણો અને નવીનતમ સંસાધનો ઘડવાની તક મળશે. ગ્લોબલ સિંધુ સમિટ 2022 માટે મારી શુભેચ્છાઓ અને અભિનંદન.”

મુખ્યમંત્રીશ્રીના શુભેચ્છા સંદેશ અંગે ગ્લોબલ સિંધુ સમિટના સંયોજક અને ભારતીય સિંધુ સભા-ગુજરાતના યુવા અધ્યક્ષ શ્રી નિખિલ મેઠિયાએ હર્ષની લાગણી વ્યક્ત કરી છે અને આ સંદેશથી સિંધી યુવાનોમાં અનેરા ઉત્સાહ અને ઊર્જાનો સંચાર થશે તેવી આશા વ્યક્ત કરી છે.

અમદાવાદમાં એન્ટ્રેપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (ઈડીઆઈ) ખાતે 10 એપ્રિલ, 2022ના રોજ ગ્લોબલ સિંધુ સમિટ 2022 યોજાશે જે અંતર્ગત અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.