સ્પોર્ટ્સ
સુરતમાં ઈન્ડિયાની સૌથી મોટી ઈન્ટર ક્લબ અને ઈન્ટર સ્કૂલ તાઈકવૉન્ડો ચેમ્પિયનશિપનું આયોજન
16, 17 અને 18 જાન્યુઆરીએ થનારા આયોજનમાં માત્ર સુરતમાંથી જ 2000થી વધુ બાળકો ભાગ લેશે
સુરત. ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશની સૌથી મોટી ઈન્ટર ક્લબ અને ઈન્ટર સ્કૂલ તાઈકવૉન્ડો ચેમ્પિયનશિપનું આયોજન સુરતમાં થવા જઈ રહ્યું છે. ડાયનેમિક વોરિયર સંસ્થાના ચીફ કોચ પમીર યોગેશભાઈ શાહના માર્ગદર્શન હેઠળ આ ભવ્ય તાઈકવૉન્ડો ચેમ્પિયનશિપ આગામી ૧૬, ૧૭ અને ૧૮ જાન્યુઆરી દરમિયાન યોજાશે.
વીઆઈપી રોડ પર આવેલ સુકુન ટર્ફ ખાતે યોજાનારી આ ત્રણ દિવસીય સ્પર્ધામાં સુરત શહેરના અંદાજે ૧૮૦૦થી ૨૦૦૦ બાળકો ભાગ લેશે. આ ચેમ્પિયનશિપ ખાસ કરીને સુરત શહેર માટેની ઈન્ટર સ્કૂલ અને ઈન્ટર ક્લબ સ્પર્ધા છે, જેમાં બહારના શહેરોના ખેલાડીઓ નહીં પરંતુ માત્ર સુરતના બાળકો પોતાનું કૌશલ્ય રજૂ કરશે.
પમીર શાહે જણાવ્યું હતું કે તાઈકવૉન્ડો એક ઓલિમ્પિક સ્પોર્ટ્સ છે અને હાલ સુરત ઈન્ડિયામાં તેનું મોટું હબ બની રહ્યું છે. નવા ટેલેન્ટને ઓળખવા તેમજ ટ્રેનિંગ લઈ રહેલા બાળકોના કૌશલ્યને પ્રોત્સાહન આપવા માટે આ ચેમ્પિયનશિપ મહત્વપૂર્ણ સાબિત થશે.
સ્પર્ધા દરમિયાન દરરોજ સવારે ૯:૦૦ વાગ્યાથી સાંજે ૭:૦૦ વાગ્યા સુધી મેચો યોજાશે. શહેરના રમતપ્રેમી નાગરિકોને આ સ્પર્ધા નિહાળવા માટે વિશેષ આમંત્રણ આપવામાં આવ્યું છે.

પમીર શાહે સુરતના વાલીઓ અને બાળકોને સંદેશ આપતા જણાવ્યું કે આજના સમયમાં બાળકોનો મોટાભાગનો સમય મોબાઈલ અને ગેજેટ્સમાં પસાર થાય છે. તેના બદલે જો તેઓ તાઈકવૉન્ડો જેવી એક્ટિવિટી અપનાવે તો રમતગમતમાં આગળ વધશે, સ્વ-બચાવ (સેલ્ફ ડિફેન્સ) શીખશે તેમજ તેમની હેલ્થ, ફિટનેસ અને આત્મવિશ્વાસમાં નોંધપાત્ર વધારો થશે.
ઉલ્લેખનીય છે કે, ડાયનેમિક વોરિયર સંસ્થા વર્ષ ૨૦૧૧થી સુરતમાં સક્રિય છે. હાલમાં સુરતમાં સંસ્થાના ૧૨ સેન્ટર કાર્યરત છે અને ૧૮૦૦થી વધુ બાળકોને તાઈકવૉન્ડોની તાલીમ આપવામાં આવી રહી છે. શહેરની અંદાજે ૪૦ શાળાઓમાં તાઈકવૉન્ડોના ક્લાસ ચલાવવામાં આવે છે.
સંસ્થાની સૌથી મોટી સિદ્ધિ તરીકે અત્યાર સુધી ૪ બાળકોએ એશિયન ચેમ્પિયનશિપમાં મેડલ મેળવી સુરતનું નામ રોશન કર્યું છે, જેને ગુજરાત સરકારે ૧૦-૧૦ લાખ રૂપિયાનું પ્રોત્સાહન એવોર્ડ પણ આપ્યું છે. આ ઉપરાંત ૨૫થી વધુ બાળકો વર્લ્ડ અને એશિયન ચેમ્પિયનશિપમાં દર વર્ષે સુરત તરફથી ભારતનું પ્રતિનિધિત્વ કરે છે, જ્યારે નેશનલ લેવલે ૨૦૦થી વધુ બાળકો મેડલ વિજેતા બન્યા છે.
આ ભવ્ય ચેમ્પિયનશિપ સુરત માટે રમતગમતના ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન સાબિત થશે.
ઓક્સફોર્ડ ઇગ્લિંશ હાઇસ્કુલ, સુરત – રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ સિદ્ધિઓની ઉજવણી
ઓક્સફોર્ડ ઇગ્લિંશ હાઇસ્કુલ, સુરતે તાજેતરના શૈક્ષણિક સત્ર દરમિયાન વિદ્યાર્થીઓની રમતગમત ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિઓની ગૌરવભેર ઉજવણી કરી હતી. આ સિદ્ધિઓ યુવા પ્રતિભાને પ્રોત્સાહન આપવાની, શિસ્ત વિકસાવવાની તથા રમતગમત દ્વારા સર્વાંગી વિકાસને પ્રોત્સાહિત કરવાની શાળાની મજબૂત પ્રતિબધ્ધતIનું પ્રતિબિંબ છે.
ખેલ મહાકુંભ જિલ્લા કક્ષાની ટિમ ગેમ સ્પર્ધા (અન્ડર-14 અને અન્ડર-17 બોયઝ, ગર્લ્સ) માં શાળાના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ દ્રઢતા અને શક્તિ સાથે પ્રતિનિધિત્વ કર્યું. તેમની શાનદાર કામગીરીના પરિણામે ઝોન લેવલે પ્રથમ સ્થાન પ્રાપ્ત થયા, તેમજ દસ વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે પસંદ થયા. તેમજ ચાર વિદ્યાર્થીઓ નેશનલેવલમાં સ્થાન પામેલ છે.
આ ઉપરાંત, ખેલ મહાકુંભ જિલ્લા કક્ષાની ખો-ખો સ્પર્ધા (અન્ડર-14, અન્ડર-17 ગર્લ્સ) માં શાળાના વિદ્યાર્થિનીઓએ ઝોન લેવલ પર પ્રથમ સ્થાન મેળવી તેમજ જિલ્લા કક્ષાએ દ્વિતીય સ્થાન મેળવી પોતાની ઉત્કૃષ્ટતા અને અડગ પરિશ્રમનું પ્રદર્શન કર્યું અને શાળાનું ગૌરવ વધાર્યું.

અમારી શાળાની ચાર વિદ્યાર્થીનીઓ લંગળી સ્પર્ધામાં રાષ્ટ્રીય લેવલ માટે પસંદ થયા અને સુવર્ણ પદક (પ્રથમ સ્થાન) પામેલ છે. જે તેમની રમતગમત યાત્રામાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે.
આ બધી સિદ્ધિઓ માત્ર વિદ્યાર્થીનીઓની મહેનત અને સમર્પણનું જ નહીં, પરંતુ અમારા કોચિંગ સ્ટાફ અને નેતૃત્વની અવિરત મહેનત તથા નિષ્ણાત માર્ગદર્શનનું પણ ઉત્તમ પ્રમાણ છે. શાળાનાં કોચ આયુષ યાદવ, હંશાયું સર્યવંશી, રાકેશ પાટીલ તથા ઇનચાર્જ પ્રિન્સિપાલ શ્રીમતી રાજકુમારી ઇબેનેઝર સક્ષમ નેતૃત્વ હેઠળ અમારા ખેલાડીઓ જિલ્લા સ્તરે તેમજ રાષ્ટ્રીય સ્તરે સતત શ્રેષ્ઠ પ્રદર્શન કરી શાળાનું ગૌરવ વધારી રહ્યા છે.
આ સિદ્ધિઓ ઓક્સફોર્ડ ઇગ્લિંશ હાઇસ્કુલ,ઉધના, સુરતને રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટતા અને સર્વાંગી વિકાસના કેન્દ્ર તરીકે વધુ મજબૂત અને ઉજ્જ્વળ ઓળખ આપે છે.
સુરતની નાની શતરંજ સ્ટાર આરાધ્યા પટાવરીએ ઇતિહાસ રચ્યો, નેશનલ ચેમ્પિયનશિપમાં ચોથું સ્થાન પ્રાપ્ત કર્યું
સુરત. શહેરની ઉભરતી શતરંજ પ્રતિભા અને ડીપીએસ સુરતની ધોરણ ૨ની વિદ્યાર્થીની આરાધ્યા પટાવરીએ શતરંજની રમતમાં પોતાની કુશળતાથી સમગ્ર દેશનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. ગુજરાત રાજ્ય અંડર-૯ ગર્લ્સ ચેસ ચેમ્પિયનશિપમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યા બાદ હવે આરાધ્યાએ રાષ્ટ્રીય સ્તરે પણ પોતાની સફળતાનો પરચમ લહેરાવ્યો છે. ગૌહાટી ખાતે યોજાયેલી નેશનલ અંડર-૯ ગર્લ્સ ચેસ ચેમ્પિયનશિપમાં આરાધ્યાએ દેશભરના દિગ્ગજ ખેલાડીઓને ટક્કર આપતાં ચોથું સ્થાન પ્રાપ્ત કરી સુરત તથા સમગ્ર ગુજરાત રાજ્યનું નામ રોશન કર્યું છે.
આરાધ્યાના પિતા સૌરભ પટાવરી અને માતા અંકિતા પટાવરી પોતાની દીકરી આરાધ્યાની સફળતા પર ગૌરવની ઊંડી અનુભૂતિ કરી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે આરાધ્યાએ નાની ઉંમરે અસાધારણ કુશળતાનો પરિચય આપ્યો છે. આ પહેલાં આરાધ્યાએ અમદાવાદ ખાતે યોજાયેલી રાજ્યસ્તરીય સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. સ્પર્ધા દરમિયાન આરાધ્યાની આક્રમક પરંતુ સંતુલિત ચાલો, વિચારશીલ રણનીતિ અને નિર્ણાયક ક્ષણોમાં તેનું શાંત સ્વભાવ તેને ખિતાબની મજબૂત દાવેદાર બનાવી રાખ્યો હતો. આરાધ્યાની આ ભવ્ય સિદ્ધિથી શાળા અને તેના પરિવારજનોમાં ખુશીની લહેર દોડી ગઈ છે.

ઉલ્લેખનીય છે કે આરાધ્યાનો મોટો ભાઈ શૌર્ય પટાવરી પણ શતરંજ ખેલાડી છે તથા મેન્ટલ મેથ્સમાં એશિયા-ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ પ્રાપ્ત કરી ચૂક્યો છે અને વિવિધ સ્પર્ધાઓમાં કીર્તિમાન સ્થાપિત કરી ચૂક્યો છે, જે આરાધ્યા માટે સતત પ્રેરણાનો સ્ત્રોત બની રહ્યો છે. સમગ્ર પટાવરી પરિવાર તેમજ વૈદ પરિવાર દ્વારા હંમેશા આરાધ્યાનો આત્મવિશ્વાસ વધારવામાં આવ્યો છે. નાની આરાધ્યાની આ રાષ્ટ્રીય સફળતા આવનાર સમયમાં આંતરરાષ્ટ્રીય મુકાબલાઓ માટે મજબૂત પાયો સાબિત થશે.
દીકરીઓના ઉત્થાન માટે ‘Run for Girl Child’ની બીજી આવૃત્તિનું 4 જાન્યુઆરીએ સુરતમાં આયોજન
સુરત: સમાજના શોષિત વંચિત અને પીડિત વર્ગની દીકરીઓના સર્વાંગી વિકાસ માટે ડોક્ટર હેડર્ગવાર સેવા સ્મૃતિ ટ્રસ્ટ દ્વારા આયોજિત ‘Run for Girl Child’ ચેરિટી રનની બીજી આવૃત્તિ આગામી 4 જાન્યુઆરી 2026ના રોજ VNSGU કેમ્પસ, સુરત ખાતે યોજાશે.
આ માહિતી આયોજન સમિતિના સહ સહયોજક અમિતભાઇ ગજ્જર દ્વારા પત્રકાર પરિષદમાં આપવામાં આવી હતી. આ ચેરિટી રનમાં 8થી 10 હજાર દોડવીરો ભાગ લેવાની અપેક્ષા છે. મેરેથોનમાં 21 કિ.મી., 10 કિ.મી., 5 કિ.મી. અને 2 કિ.મી. જેવી વિવિધ કેટેગરી રહેશે. વિજેતાઓને કુલ મળીને રૂ. 2,20,000ના રોકડ ઇનામો આપવામાં આવશે.
આ કાર્યક્રમમાં AMNS મુખ્ય સ્પોન્સર તરીકે સહયોગ આપી રહ્યું છે, જ્યારે રામકૃષ્ણ ડાયમંડ, PPL અને રાજકોટ નાગરિક સહકારી બેંક સહયોગી દાતાઓ તરીકે જોડાયા છે. આ પ્રસંગે આઈસીસી ચેરમેન જય શાહ મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે. સાથે જ શહેરના અગ્રણી ઉદ્યોગપતિઓ તેમજ આ મેરેથોનની આયોજન સમિતિના સહ સહયોજક એવા શ્રી ઘનશ્યામ શંકર અમિતભાઈ ગજ્જર (પીપલ્સ બેંક ચેરમેન), શ્યામજી રાઠી, રાજેશજી સુરાણા અને રાકેશજી કંસલને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે.
સમિતિના સહ સહયોજક શ્યામજી રાઠી એ જણાવ્યું કે, ‘Run for Girl Child’ માત્ર દોડ નથી, પરંતુ દીકરીઓના સર્વાંગી ઉત્થાન માટેનું એક અભિયાન છે. સ્લમ વિસ્તારોમાં રહેતી શોષિત, વંચિત અને પીડિત દીકરીઓને શારીરિક, માનસિક, આધ્યાત્મિક, બૌદ્ધિક અને સામાજિક આ પાંચ ક્ષેત્રોમાં સશક્ત બનાવવા માટે ટ્રસ્ટ સતત કાર્ય કરી રહેલ છે. ગયા વર્ષે જ્યાં માત્ર 7 કિશોરી વિકાસ કેન્દ્રો હતા, ત્યાં આજે 159 કેન્દ્રો કાર્યરત બન્યા છે. તે ઉપરાંત ટ્રસ્ટનો ‘જ્ઞાન મંદિર’ પ્રકલ્પ પણ 60 કેન્દ્રોથી વધીને 105 કેન્દ્રો સુધી વિસ્તર્યો છે.આ મેરેથોન દ્વારા કિશોરી વિકાસ કેન્દ્ર આવનારા વર્ષ માં 159 માંથી 500 તેમજ જ્ઞાન મંદિર પ્રકલ્પ 105 માંથી 300 સુધી પહોંચાડવાનો લક્ષ બનાવેલ છે.
આ ચેરિટી રનથી મળનારી સમગ્ર રકમ દીકરીઓના શિક્ષણ, વિકાસ અને કલ્યાણ કાર્યમાં ઉપયોગમાં લેવામાં આવશે, એમ પણ તેમણે ઉમેર્યું હતું.
ઉલ્લેખનીય છે કે ડોક્ટર હેડર્ગવાર સેવા સ્મૃતિ ટ્રસ્ટની સ્થાપના વર્ષ 1988માં થઈ હતી. ટ્રસ્ટ સામાજિક, શૈક્ષણિક, સ્વાવલંબન અને આરોગ્ય આ ચાર મુખ્ય ક્ષેત્રોમાં સેવાકાર્ય કરે છે. ડોક્ટર હેડર્ગવાર ટ્રસ્ટના પ્રમુખ શ્રી રણછોડભાઈ ધોળિયા છે, જ્યારે મંત્રી તરીકે નીતિન પટેલ જવાબદારી સંભાળી રહ્યા છે.
સુરતના વિવાન શાહે રાષ્ટ્રીય બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં કાંસ્ય પદક જીત્યું
સુરત. સુરતનો ઉભરતો સિતારો બેડમિન્ટન ખેલાડી અને મનીત પાહુજા એકેડમી સાથે સંકળાયેલા વિવાન શાહે બિહારમાં યોજાયેલી પ્રતિષ્ઠિત યોનેક્સ સનરાઇઝ ૩૭મી સબ જુનિયર રાષ્ટ્રીય બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં અન્ડર-૧૩ બોયઝ સિંગલ્સ વર્ગમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતા ત્રીજું સ્થાન મેળવી કાંસ્ય પદક જીત્યું છે. તેમની આ સિદ્ધિથી સુરત તેમજ ગુજરાતનું નામ રાષ્ટ્રીય સ્તરે રોશન થયું છે.
સુરત સ્થિત મનીત પાહુજા બેડમિન્ટન અકાદમીમાં મળતા ઉચ્ચ સ્તરીય તાલીમનું પ્રતિનિધિત્વ કરતા વિવાને આ સફળતા હાંસલ કરી છે. તેમની આ સિદ્ધિ તેમની કઠોર મહેનત, અવિરત લગન અને કોચીસના માર્ગદર્શનનું પરિણામ છે. આ ટૂર્નામેન્ટમાં વિવાનને રેન્કિંગના આધારે પાંચમું સ્થાન મળ્યું હતું.

આ અગાઉ પણ વિવાને અનેક રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓમાં નોંધપાત્ર પ્રદર્શન કર્યું છે. તેમણે મુંબઈમાં યોજાયેલી એક ઓલ ઇન્ડિયા રેન્કિંગ ટૂર્નામેન્ટમાં અન્ડર-૧૩ બોયઝ સિંગલ્સનો ખિતાબ જીત્યો હતો. ઉપરાંત બેંગલુરુમાં યોજાયેલી ઓલ ઇન્ડિયા રેન્કિંગ બોયઝ ડબલ્સ સ્પર્ધામાં વિજેતા રહ્યા હતા, જ્યારે ગોવામાં યોજાયેલી ઓલ ઇન્ડિયા રેન્કિંગ બોયઝ ડબલ્સ ટૂર્નામેન્ટમાં ઉપવિજેતા રહ્યા હતા.
વિવાને આ સફળતા માટે પોતાના સ્કૂલ સ્કોલર ઇંગ્લિશ અકાદમી, ડુમસનો સહયોગ અને સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો છે.
સુરતની નાનકડી ચેસ સ્ટાર આરાધ્યાએ રચ્યો ઈતિહાસ, રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ માટે પસંદગી
સુરત. શહેરની ઉભરતી શતરંજ પ્રતિભા અને ડી.પી.એસ. સુરતની ધોરણ 2ની વિદ્યાર્થિની આરાધ્યા પટાવરીએ ગુજરાત રાજ્ય અન્ડર-9 ગર્લ્સ ચેસ ચેમ્પિયનશિપમાં પ્રથમ સ્થાન હાંસલ કરી સુરતનું નામ રોશન કર્યું છે. 30 નવેમ્બરે અમદાવાદમાં યોજાયેલી સ્પર્ધામાં આરાધ્યાએ 6.5/7નો પ્રભાવશાળી સ્કોર નોંધાવી ટોચનું સ્થાન પોતાના નામે કર્યું હતું.
સૌરભ અને અંકિતા પટાવરીની પુત્રી આરાધ્યાએ નાની ઉંમરમાં જ ચેસની રમત ક્ષેત્રે પગ મુક્યા બાદ ખૂબ ઓછા સમયમાં અસાધારણ કૌશલ્ય રજૂ કર્યું છે. સ્પર્ધા દરમિયાન તેના આક્રમક પરંતુ સંતુલિત મૂવ્સ, કુશળ વ્યૂહરચના અને નિર્ણાયક ક્ષણોમાં શાંતિપૂર્ણ સ્વભાવે તેણીને દરેક સ્પર્ધામાં આગળ વધારી છે. નિર્ણાયક રાઉન્ડમાં દાખવેલા આત્મવિશ્વાસે તેણીને ખિતાબના મજબૂત દાવેદાર બનાવવા સાથે અંતે વિજેતા પણ બનાવી.

આરાધ્યાના આ શાનદાર પ્રદર્શનથી શાળા તથા પરિવારમાં ખુશીની લહેર દોડતી થઈ છે. રાષ્ટ્રીય સ્તરે ગુવાહાટી ખાતે યોજાનારી ચેમ્પિયનશિપ માટે તેની પસંદગી સુરત શહેર માટે પણ ગૌરવની વાત માનવામાં આવી રહી છે. આરાધ્યાનો મોટો ભાઈ શૌર્ય પટાવરી પણ શતરંજ ખેલાડી છે અને વિવિધ સ્પર્ધાઓમાં સિદ્ધિઓ હાંસલ કરી ચૂક્યો છે. ત્યારે ભાઈ શૌર્ય થકી તો આરાધ્યાને પ્રેરણા મળે છે પણ સાથે રમતમાં આગળ વધવા માટે દાદી જ્યોતિ પટવારી અને ફોઈ ગરિમા પટવારી પણ સતત મનોબળ મજબૂત કરતા રહ્યા છે.
સુરતમાં ‘રન ફૉર ગર્લ ચાઇલ્ડ – 2.0’ માટે ૩૦ શ્રેષ્ઠીઓ એક મંચ પર સામાજિક સેવાના નવનિર્માણ માટે આયોજન સમિતિની રચના
સુરત, તા. ૦૬ નવેમ્બર ૨૦૨૫ —
ડૉ. હેડગેવાર સ્મૃતિ સેવા સમિતિ, સુરત દ્વારા આયોજિત “રન ફૉર ગર્લ ચાઇલ્ડ – સુરત 2026” ના સફળ આયોજન માટે શહેરના ૩૦ શ્રેષ્ઠીઓ એક મંચ પર આવ્યા અને નવી આયોજન સમિતિની રચના કરવામાં આવી.
સમિતિ વર્ષ ૧૯૮૮થી સુરત શહેરમાં વંચિત, શોષિત અને પીડિત સમાજના બાળકોના શિક્ષણ, આરોગ્ય અને સ્વાવલંબન માટે સતત કાર્યરત રહી છે. આ સેવાકાર્યનો વ્યાપ વધારવા માટે ટ્રસ્ટ દ્વારા “રન ફૉર ગર્લ ચાઇલ્ડ” જેવી પ્રેરણાદાયી મેરેથોનનું આયોજન થાય છે.
ગત વર્ષે યોજાયેલી દોડમાં ૧૧,૦૦૦ થી વધુ ભાગ લેનારોએ મહિલા શક્તિના સમર્થનમાં સુરતના ઇતિહાસમાં અનોખો પાનું લખ્યું હતું. આ સફળતાના આધારે, ૪ જાન્યુઆરી ૨૦૨૬ ના રોજ યોજાનાર “રન ફૉર ગર્લ ચાઇલ્ડ – સિઝન 2” માટે નવી આયોજન સમિતિ રચાઈ.

આ બેઠકમાં ટ્રસ્ટના પ્રમુખ શ્રી રણછોડભાઈ ઢોળિયા તથા મુખ્ય મહેમાન તરીકે શ્રી જે. પી. અગ્રવાલ (રચના ગ્રુપ) ઉપસ્થિત રહ્યા.
આયોજન સમિતિમાં સુરતના અગ્રણી ઉદ્યોગપતિઓ અને સમાજસેવકો જેમ કે —
શ્રી ગોવિંદભાઈ ધોળકિયા (શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ),
શ્રી લવજીભાઈ બાદશાહ (ગોપીન ગ્રુપ),
શ્રી પરમેશભાઈ ગોયલ (પરમેશ્વર ઇમ્પેક્સ),
શ્રી મનીષભાઈ મહારાજવાલા (વિમલ જરી) વગેરેનો સમાવેશ થાય છે.
કોર ટીમના સભ્યો તરીકે —
સંયોજક: શ્રી ઘનશ્યામભાઈ શંકર (રામકૃષ્ણ એક્સપોર્ટ)
સહ-સંયોજકો: શ્રી અમિતભાઈ ગજ્જર (ધ સુરત પીપલ્સ કો-ઓપરેટિવ),
શ્રી રાકેશજી કંસલ (કંસલ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ),
શ્રી રાજેશજી સુરાણા (જૈન સમાજ અગ્રણી),
શ્રી શ્યામજી રાઠી (મહેશ સિલ્ક મિલ્સ)
બેઠક દરમિયાન વિવિધ પ્રતિનિધિઓએ પોતાના વિચારો રજૂ કર્યા:
શ્રી યશવંતભાઈ ચૌધરી એ જણાવ્યું કે “આ દોડ માત્ર દોડ નહીં પરંતુ સમાજના છેવાડાના વર્ગ સુધી શિક્ષણ, આરોગ્ય અને સ્વાવલંબનના સંદેશ પહોંચાડવાની એક સેવા યાત્રા છે.”
શ્રી અમિતભાઈ ગજ્જર એ સૂચન કર્યું કે “દોડના રૂટ અને મેદાન પર ટ્રસ્ટની સેવાકીય પ્રવૃત્તિઓનું લાઇવ પ્રદર્શન કરવાથી જનજાગૃતિ વધુ પ્રભાવશાળી બને.”
શ્રી રાજેશજી સુરાણા એ આ કાર્યક્રમને “શહેરના ગૌરવ અને રાષ્ટ્રીય નવનિર્માણ સાથે જોડાયેલું સામૂહિક અભિયાન” ગણાવ્યું.
શ્રી શ્યામજી રાઠી એ ઉમેર્યું કે “ડૉ. હેડગેવાર ટ્રસ્ટના સાનિધ્યમાં નબળા વર્ગ માટે કામ કરવું એ સેવા અને સૌભાગ્યનું કાર્ય છે — ‘જરૂર છે તો માત્ર તેમને સમજાવીને જોડવાની.’”
સમિતિએ સંકલ્પ કર્યો કે આ વર્ષે પણ “हर कदम सेवा की ओर”ના સૂત્ર સાથે વધુ વ્યાપક આયોજન કરવામાં આવશે, જેથી દરેક સમાજના, દરેક ઉંમરના લોકો આ સેવા યાત્રામાં જોડાય.
બેઠકના અંતે વિશ્વાસ વ્યક્ત થયો કે “રન ફૉર ગર્લ ચાઇલ્ડ – 2.0 સુરત 2026” સમાજમાં વધુ સેવા, સંવેદના અને શિક્ષણની દિશામાં પ્રેરણાનું નવું પાનું લખશે.
વધુ માહિતી માટે:
🌐 www.runforgirlchild.org
વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીએ એસજીએફઆઈ બેડમિન્ટન ટુર્નામેન્ટમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું
૨૮ ઓગસ્ટ, ૨૦૨૫ — વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલના ઊર્જાસ્વી વિદ્યાર્થી દેવ નંદવાણીએ સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા (SGFI) બેડમિંટન સ્પર્ધામાં ભાગ લઈ શાનદાર દેખાવ સાથે બીજું સ્થાન હાંસલ કર્યું છે. આ સ્પર્ધામાં વિવિધ શાળાઓમાંથી કુલ 100 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
દેવ નંદવાણીની આ સિદ્ધિએ તેમને હવે રાજ્ય સ્તરની બેડમિંટન સ્પર્ધા માટે પસંદગી અપાવવી છે, જ્યાં તેઓ શાળાનું અને શહેરનું પ્રતિનિધિત્વ કરશે. તેમની મહેનત, લગન અને રમતગમત માટેનો ઉત્સાહ સમગ્ર શાળા માટે ગૌરવની વાત છે.
શાળાના પ્રિન્સિપલે કહ્યું હતું કે, “દેવની સિદ્ધિ માટે અમને ખૂબ જ ગર્વ છે. તેઓએ ગમે તેટલી મહેનત કરી છે અને તેમની રમત જોઈને અમે નિષ્ઠા અને શિસ્તનો પરિચય મેળવ્યો છે. રાજ્ય સ્તરની સ્પર્ધા માટે તેમને શુભેચ્છા પાઠવીએ છીએ.”
શાળાનું સમગ્ર પરિવાર દેવને શુભકામનાઓ પાઠવે છે અને તેમના ભવિષ્ય માટે શ્રેષ્ઠ ઈચ્છાઓ વ્યક્ત કરે છે.
ગુજરાતની દિકરી રીટા પટેલે યુ.કે.ના બર્નટ એશ (બેક્સલી) હોકી ક્લબમાં પ્લેયર ઓફ ધ યર જીતી ઇતિહાસ રચ્યો
લંડન : 9 જૂન 2025: ગુજરાતની તેજસ્વી પુત્રી રીટા પટેલે યુ.કે. લંડનના પ્રતિષ્ઠિત બર્નટ એશ (બેક્સલી) હોકી ક્લબમાં પલેયર ઓફ ધ યર બનીને ઇતિહાસ રચ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી માસ્ટર ઓફ આર્ટ્સ (એમ.એ. બી.એડ.)ની ડિગ્રી મેળવનાર રીટા લંડનના બર્નટ એશ (બેક્સલી) હોકી ક્લબમાં ફોરવર્ડ તરીકે રમે છે અને ડ્રેગ-ફ્લિક્સમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરે છે.
2024-2025 સીઝન માટે પ્લેયર ઓફ ધ યરનો એવોર્ડ જીતીને તેણીએ ગુજરાત અને ભારતનું ગૌરવ વધાર્યું છે. રીટાએ બાળપણથી જ હોકીને ઉત્સાહપૂર્વક અપનાવી હતી. બેક્સલી હોકી ક્લબમાં બે વર્ષની સખત મહેનત બાદ, તેણીએ યુરોપિયન ખેલાડીઓને પાછળ છોડીને આ પ્રતિષ્ઠિત સન્માન મેળવ્યું.
રીટાએ જણાવ્યું હતુ કે, “હોકીએ મને સ્થિતિસ્થાપકતા, ટીમવર્ક અને ક્યારેય હાર ન માનવાની ભાવના શીખવી. મેદાન પરના દરેક પડકાર અને આંચકાએ મને વધુ મહેનત કરવા અને મારી જાતને સાબિત કરવાની પ્રેરણા આપી.” ઇંગ્લેન્ડના મહિલા હોકી ક્ષેત્રે એકમાત્ર ભારતીય ખેલાડી તરીકે, તે ગુજરાતી અને ભારતીય તરીકે અંગ્રેજી ટીમો સામે સ્પર્ધા કરવામાં ગર્વ અનુભવે છે.

રીટાએ ઉમેર્યું, “મારી આ સિદ્ધિ પાછળ મારા પરિવાર અને પતિનું સતત પ્રોત્સાહન મહત્વનું છે, જે વિના આ શક્ય ન હોત.” રીટા હંમેશા ક્રિકેટ પણ સારુ રમે છે. વર્ષ 2023-2024 સીઝનમાં, તેણીએ પ્રથમ વખત ઓર્પિંગ્ટન ઓસેલોટ્સ ક્રિકેટ ક્લબ માટે રમી. મજબૂત ઓલરાઉન્ડર ખેલાડી તરીકે ઉભરી આવી છે. આ વર્ષે, તેણીએ ક્રિકેટ ફેસ્ટિવલ દરમિયાન પ્રથમ વખત સિડકપ ક્રિકેટ ક્લબમાં જોડાઈ.
તેની ઉત્કૃષ્ટ બોલિંગે વિરોધી ટીમના બેટ્સમેનોને નિયંત્રિત મા રાખ્વા ઉપરાંત એક શાનદાર રન-આઉટ કરીને તેણીએ ટીમને ચેમ્પેઈન બનાવી હતી. યુકેમાં રીટાની આ સફળતાએ ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. તેની હોકીમાં જીત અને ક્રિકેટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન ભારતીય યુવતીઓ માટે પ્રેરણાસ્ત્રોત છે.
સ્પીડ એન્ડ સ્કિલ કાર્નિવલ 2025 – ચપળતા, કુશળતા અને રમતગમતની ભાવનાનું ઉત્સવ
વ્હાઇટ લોટસ ઈન્ટરનેશનલ સ્કૂલમાં ફેબ્રુઆરી 2025 દરમિયાન યોજાયેલા સ્પીડ એન્ડ સ્કિલ કાર્નિવલ 2025 એ હરીફાઈની જ્વાળાને ગતિ અને રોમાંચ સાથે સંલગ્ન કરી! આ દિવસો ઉત્સાહભરી દોડ, કુશળતા આધારિત પડકારો અને દ્રઢ સંકલ્પના શાનદાર પ્રદર્શનથી ભરપૂર રહ્યા, કારણ કે આ કાર્યક્રમ મર્યાદાઓને આઝમાવા, શ્રેષ્ઠતા માટે પ્રેરણા આપવા અને અતૂટ ટીમ ભાવનાને વિકસાવવા માટે રચાયેલો હતો.
અમારા નાનકડા એથ્લીટ્સ, કિન્ડરગાર્ટનનાં બાળકો માટે હર્ડલ્સ રેસ અને બેલૂન બ્લાસ્ટ રેસ એ તેમની પ્રથમ મૈત્રીપૂર્ણ સ્પર્ધાનું અનોખું અનુભવ લઈને આવી. ધોરણ 1 અને 2 ના વિદ્યાર્થીઓએ હર્ડલ્સ રેસ અને લીંબુ-ચમચી દોડ દ્વારા પોતાનું સંતુલન અને ગતિ દર્શાવી, જ્યાં એકાગ્રતા અને સંકલનને પર્ક્તિ આપવામાં આવી.
ધોરણ 3 થી 9 ના વિદ્યાર્થીઓએ સ્પીડ સ્પ્રિન્ટ, સ્કીપીંગ ચેલેન્જ, રિલે દોડ અને રોમાંચક ક્રિકેટ મેચો જેવી સ્પર્ધાઓમાં ભાગ લીધો, જ્યાં દરેક પળ મોહક હતી અને ટીમ વર્કની તેજસ્વી ઝલક જોવા મળી.

આ માત્ર એક હરીફાઈ નહીં, પણ હિંમત, ચપળતા અને રમતગમતની ભાવનાનો એક ભવ્ય ઉત્સવ હતો. દરેક દોડ, દરેક કૂદકા અને દરેક રમતમાં, વિદ્યાર્થીઓએ પોતાનું શ્રેષ્ઠ આપવા અને નવી ઉંચાઈઓ સર કરવા હર્ષ અનુભવ્યો.
વિદ્યાર્થીઓએ ઉત્સાહભર્યા હૃદયથી, સચોટ પગલાંઓ સાથે અને ગૌરવભર્યા સમાપન સાથે મેદાનમાં પ્રવેશ કર્યો.
આ ઉત્સાહ અને ઊર્જાથી ભરેલા દિવસો અમને અવિસ્મરણીય વિજય અને મૈત્રીપૂર્ણ સમાગમની અમૂલ્ય યાદગાર પળો આપી ગયા!