ધર્મ – સમાજ

સુરતમાં સાઈરામ યુવક મંડળ દ્વારા ૨૯મા વર્ષે ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન: ‘સૂર્ય કોણાર્ક મંદિર’ની થીમ અને વડાપ્રધાનના જન્મદિને ૭૬ કિલોની કેક કપાશે

 

– ભટાર – અલથાણના કોમ્યુનિટી હોલમાં ગણેશ સ્થાપના સાથે દસ દિવસ સમાજસેવાના કાર્યોનું પણ થશે આયોજન

સુરત: સુરતના અલથાણ ભટાર રોડ પર શાકભાજી માર્કેટ પાસે કમ્યુનિટી હોલ ખાતે સાઈરામ યુવક મંડળ દ્વારા આ વર્ષે ૧૪ સપ્ટેમ્બરથી શરૂ થતા ગણેશ ઉત્સવનું ૨૯મા વર્ષમાં મંગળ પ્રવેશ સાથે ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ‘મન્નત કા રાજા’ તરીકે વિખ્યાત આ ગણેશ મંડળ ખાતે દર વર્ષે શ્રદ્ધાળુઓ પોતાની બાધા-આખડી પૂરી થતાં વિઘ્નહર્તા દેવને મંગળમૂર્તિ અર્પણ કરે છે.

– ૨૯મા વર્ષે ‘સૂર્ય કોણાર્ક મંદિર’ની વિશેષ થીમ

સાઈરામ યુવક મંડળના આયોજક કમલ મેવાવાલાના જણાવ્યા અનુસાર, આ વખતે ગણેશ પંડાલમાં ઓડિશાના પ્રસિદ્ધ ‘સૂર્ય કોણાર્ક મંદિર’ ની આકર્ષક થીમ આધારિત મંડપ તૈયાર કરવામાં આવ્યો છે.
મનોકામના પૂર્ણ કરતા આ ગણરાજ છે જ્યાં છેલ્લા બે દિવસમાં લોકો કાનમાં તેઓની ઈચ્છા કહે. કહે છે. જે પૂરી થતાં શ્રદ્ધાળુઓ અહીં મંગળમૂર્તિ તેમજ સોના-ચાંદીના ઘરેણાં અને નંગના હાર અર્પણ કરતા હોય છે. દર વર્ષે અહીં ભક્તો દ્વારા ૮૦ થી ૧૦૦ જેટલી મંગળમૂર્તિઓ અર્પણ કરતા હોય છે, જ્યારે ગયા વર્ષે જ ૯૬ મંગળમૂર્તિઓ અર્પણ થઈ હતી.

– વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિને ૭૬ કિલોની કેક અને ખાસ આયોજન

ગણેશોત્સવ દરમિયાન ૧૭ સપ્ટેમ્બરે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે સાઈરામ યુવક મંડળ દ્વારા ખાસ ઉજવણી કરવામાં આવશે. વડાપ્રધાનના ૭૬મા વર્ષમાં પ્રવેશ નિમિત્તે ૭૬ કિલોની કેક કાપવામાં આવશે. આ ઉપરાંત સફાઈ કર્મચારીઓ, કિન્નર સમાજ તેમજ સર્વધર્મ (હિન્દુ, મુસ્લિમ, સિખ, ઈસાઈ) ના લોકો દ્વારા ખાસ મહાઆરતીનું આયોજન પણ કરવામાં આવશે.

– નરેન્દ્ર મોદીથી લઈને વર્તમાન મુખ્યમંત્રી સુધીના મહાનુભાવો કરી ચૂક્યા છે દર્શન

સાઈરામ યુવક મંડળના આ ગણેશોત્સવનો ઈતિહાસ પણ ખાસ રહ્યો છે. તત્કાલીન મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી વર્ષ ૨૦૧૨માં, ત્યારબાદ તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, વિજયભાઈ રૂપાણી તેમજ વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યના તમામ મુખ્યમંત્રીઓ આ પંડાલમાં ગણપતિ બાપ્પાના દર્શનાર્થે આવી ચૂક્યા છે. સમગ્ર આયોજન દરમિયાન મંડળ દ્વારા ભક્તિ સાથે સમાજસેવાનો પણ સંદેશ આપવામાં આવે છે. દસ દિવસીય આ ગણેશોત્સવ દરમિયાન દરરોજ સાંસ્કૃતિક કાર્યક્રમો, નોટબુક વિતરણ તેમજ સામાજિક સમરસતાને જોડતી વિવિધ મહાઆરતીઓનું આયોજન કરવામાં આવે છે.

દત્તાશ્રય આશ્રમમાં સવા લાખ પાર્થેશ્વર શિવલિંગ સાથે ઉજવાયો ભવ્ય શિવભક્તિ મહોત્સવ

 

ખરચ ખાતે આવેલા દત્તાશ્રય આશ્રમમાં શ્રાવણ માસના અંતિમ દિવસે સવા લાખ એટલે કે ૧,૨૫,૦૦૦ પાર્થેશ્વર શિવલિંગ સાથે ભવ્ય શિવભક્તિ મહોત્સવ યોજાયો હતો. આશ્રમ દ્વારા સતત ૧૧મા વર્ષે યોજાયેલા આ ધાર્મિક કાર્યક્રમમાં હજારો ભક્તોએ ઉપસ્થિત રહી ભગવાન શિવની આરાધના કરી હતી. ભક્તિમય વાતાવરણ વચ્ચે યોજાયેલી ભસ્મ આરતીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા.

સમગ્ર આયોજન અંગે આચાર્ય ભાવિન પંડ્યાએ જણાવ્યું હતું કે સવારથી જ આશ્રમ ખાતે ભક્તોની અવરજવર શરૂ થઈ હતી. ભગવાન શિવના ભજનો અને હર હર મહાદેવના જયઘોષથી સમગ્ર આશ્રમ પરિસર ભક્તિમય બની ગયું હતું. સવા લાખ પાર્થેશ્વર શિવલિંગની વિશેષ પૂજા-અર્ચના સાથે ભગવાન શિવની આરાધના કરવામાં આવી હતી. ત્યારબાદ ભસ્મ આરતી યોજાઈ હતી, જેમાં ભક્તોએ શ્રદ્ધાપૂર્વક ભાગ લીધો હતો.

આ પ્રસંગે ભક્તોએ ભગવાન શિવના ચરણોમાં શાંતિ, લોકકલ્યાણ તેમજ સૌના સુખ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. ધાર્મિક વિધિઓ દરમિયાન આશ્રમ પરિસરમાં ભક્તિ અને આસ્થાનો માહોલ જોવા મળ્યો હતો.

આચાર્ય મનન પંડ્યાએ જણાવ્યું હતું કે દત્તાશ્રય આશ્રમ દ્વારા છેલ્લા ૧૦ વર્ષથી શ્રાવણ માસના પવિત્ર અવસરે શિવભક્તિના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. આ પરંપરાના ભાગરૂપે ૧૧મા વર્ષે પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ ભક્તો માટે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભાડજ સ્થિત ઇસ્કોન હરેકૃષ્ણ મંદિર, ભગવાન શ્રીકૃષ્ણનો જન્માષ્ટમીનો સંદેશ “સ્વાગતમ્ કૃષ્ણ 2026” સમગ્ર ગુજરાતમાં સમાજના દરેક વર્ગ સુધી પહોંચાડશે

 

ભાડજ હરેકૃષ્ણ મંદિર ખાતે 23 થી 28 ઓગષ્ટ દરમિયાન ઝુલન મહોત્સવ અને 4 સપ્ટેમ્બરના રોજ ભવ્યાતિભવ્ય જન્માષ્ટમી મહોત્સવની ઉજવણીનું આયોજન અમદાવાદ તા. 19 ઓગષ્ટ 2026: ઇસ્કોન હરેકૃષ્ણ મંદિર, ભાડજ દ્વારા દર વર્ષે ભવ્ય રીતે શ્રીકૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે, જેમાં અસંખ્ય ભક્તો અને શ્રદ્ધાળુઓ જોડાય છે. આ વર્ષે ઇસ્કોન હરેકૃષ્ણ મંદિર, ભાડજ દ્વારા જન્માષ્ટમીની ઉજવણી તેમજ તેના આધ્યાત્મિક સંદેશને સમાજના વિવિધ વર્ગો સુધી પહોંચાડવા માટે “સ્વાગતમ્ કૃષ્ણ 2026”ની નવી પહેલ શરૂ કરવામાં આવી છે. આ પહેલ દ્વારા સમગ્ર ગુજરાતના વિવિધ શહેરો જેવા કે અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, સુરત, વડોદરા, સાણંદ, વિરમગામ, કડી-કલોલ ખાતે 22 ઓગષ્ટ થી 13 સપ્ટેમ્બર 2026 દરમિયાન આધ્યાત્મિક-સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા શ્રીકૃષ્ણનો જન્માષ્ટમીનો સંદેશ “સ્વાગતમ્ કૃષ્ણ 2026”ની ઉજવણી કરવામાં આવશે. સાથોસાથ 23 થી 28 ઓગષ્ટ દરમિયાન ઝુલન મહોત્સવનું ભાડજ હરેકૃષ્ણ મંદિર ખાતે કરવામાં આવ્યુ છે. ઇસ્કોન હરે કૃષ્ણ મૂવમેન્ટના પ્રમુખ જગનમોહનકૃષ્ણ દાસજીએ સમગ્ર ગુજરાતમાં આયોજીત સ્વાગતમ્ કૃષ્ણ 2026” કાર્યક્મની રૂપરેખા આપતાં જણાવ્યું હતું કે22 ઓગસ્ટે સાંજે 6-00 કલાકે ચાંદખેડા – શ્રી સદારામ બાપા કોમ્યુનિટી હોલ, ઉમિયા પાર્ટી પ્લોટ, ગોતા, બાલાજી ઓએસિસ લૉન, પાલજ, ગાંધીનગર, 23 ઓગસ્ટે સાંજે 6-00 કલાકે હરેકૃષ્ણ મૂવમેન્ટ, રાજકોટ – સિસન્સ હોટેલ, 29 ઓગસ્ટે સાંજે 6-00 કલાકે ચાંદલોડિયા કોમ્યુનિટી સેન્ટર, મંગલપાંડે હોલ, નિકોલ, મેડોઝ, અદાણી શાંતિગ્રામ, 30 ઓગસ્ટે સાંજે 6-00 કલાકે સાણંદ, કલોલ ટાઉનહોલ, વેદમંદિર, મણિનગર, તેમજ 4 સપ્ટેમ્બરે જન્માષ્ટમીની સાંજે 6-00 કલાકે હરેકૃષ્ણ મૂવમેન્ટ, સુરત – મહેશ્વરી ભવન, હરેકૃષ્ણ મૂવમેન્ટ, વડોદરા – ઈવામોલ ખાતે આધ્યાત્મિક-સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા ભગવાન શ્રીકૃષ્ણનો જન્માષ્ટમી મહોત્સવનો સંદેશ ભક્તો સુધી પહોંચાડવામાં આવશે. આ સાથે 4 સપ્ટેમ્બરે જન્માષ્ટમીના રોજ સવારે 8 થી રાત્રી 12:30 સુધી ભાડજ ખાતે આવેલા ઇસ્કોન હરેકૃષ્ણ મુખ્ય મંદિરમાં તેમજ સેકટર-1 ગાંધીનગર ખાતે સવારે 8 થી રાત્રી 12:30 સુધી ભગવાન શ્રીકૃષ્ણની મહિમા વિવિધ સંદેશા સાથેના સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા જનમાષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવશે. અંતમાં 13 સપ્ટેમ્બરે કડી ટાઉનહોલ ખાતે “સ્વાગતમ્ કૃષ્ણ 2026”નું આયોજન કરવામાં આવ્યું છે. અ સિવાય સમગ્ર શ્રાવણ માસ દરમિયાન વિરમગામ તાલુકાના આશરે 10 ગામોમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
ઇસ્કોન હરે કૃષ્ણ મૂવમેન્ટના પ્રમુખ જગનમોહનકૃષ્ણ દાસજીએ વધુમાં જણાવ્યું હતું કે સ્વાગતમ્ કૃષ્ણ 2026” નો ઉદ્દેશ શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના સંદેશ અને ભાવનાને મંદિરની બહાર સમાજના વિવિધ વર્ગો જેવા કે અબાલ વૃધ્ધ સ્ત્રી-પુરૂષ તેમજ ભારતના આશાસ્પદ ભવિષ્ય એવા યુવાવર્ગ  સુધી પહોંચાડવાનો છે. શ્રાવણ માસ દરમિયાન વિવિધ શહેરો, નગરો અને ગામોમાં આધ્યાત્મિક તથા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ પહેલની પ્રેરણા, કૃષ્ણ કૃપામૃર્તિ શ્રીલ પ્રભુપાદ, ઇસ્કોનના સ્થાપક-આચાર્ય પાસેથી પ્રાપ્ત થઈ છે. શ્રીલ પ્રભુપાદે પોતાનું સમગ્ર જીવન ભગવાન શ્રીકૃષ્ણના સંદેશ, ભગવદ  ગીતાના ઉપદેશો અને હરેકૃષ્ણ મહામંત્રને સમગ્ર વિશ્વ સુધી પહોંચાડવામાં સમર્પિત કર્યું હતું જે સંદેશ “સ્વાગતમ્ કૃષ્ણ 2026” નો અગ્ર ભાગ છે. “સ્વાગતમ્ કૃષ્ણ 2026” ની ઉજવણીના દરેક સ્થળોએ પ્રતિષ્ઠિત મહાનુભાવો તથા સમાજના અગ્રણી વ્યક્તિઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ભગવાન શ્રીકૃષ્ણના આશીર્વાદ પ્રાપ્ત કરશે. આ પહેલની પરાકાષ્ઠા 4 સપ્ટેમ્બર 2026ના રોજ શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના પાવન અવસરે થશે. આ દિવસે ઇસ્કોન હરેકૃષ્ણ મંદિર, ભાડજ અને ઇસ્કોન ગાંધીનગર, સેક્ટર-1 ખાતે સમગ્ર દિવસ દરમિયાન ભવ્ય જન્માષ્ટમી મહોત્સવ યોજાશે.
આ ઉજવણીમાં ભક્તો તથા સામાન્ય જનતા માટે દર્શન, કીર્તન, ભક્તિ સંગીત, સાંસ્કૃતિક કાર્યક્રમો તથા વિશેષ જન્માષ્ટમી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે અને ભગવાન શ્રીકૃષ્ણના દિવ્ય પ્રાગટ્યનો આનંદમય ઉત્સવ ઉજવાશે
સુરતમાં પ્રથમ વખત ત્રણ દિવસીય ‘કૃષ્ણોત્સવ’: ભક્તિ, પ્રેમ અને ઉજવણીનો અનોખો સંગમ

 

• જન્માષ્ટમી નિમિત્તે ૨૯, ૩૦ અને ૩૧ ઓગસ્ટે ભવ્ય ડિવોશનલ મ્યુઝિક કોન્સર્ટનું આયોજન • ૧૫૦ ફૂટના વિશાળ સ્ટેજ પર આધુનિક ટેકનોલોજી સાથે નવી પેઢી માટે કૃષ્ણભક્તિનો નવો અનુભવ • સુરતમાં જ સર્જાશે વૃંદાવન-મથુરા જેવો માહોલ; ત્રણ દિવસમાં આશરે ૫,૦૦૦ લોકો ઉપસ્થિત રહેવાની અપેક્ષા સુરત: જન્માષ્ટમીના પાવન પર્વને અનોખી આધુનિકતા અને આધ્યાત્મિક અનુભૂતિ સાથે ઉજવવા માટે સુરતમાં પ્રથમ વખત ત્રણ દિવસીય ભવ્ય ‘કૃષ્ણોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું છે. પ્રો ક્રિએટ ઇવેન્ટ્સ દ્વારા ૨૯, ૩૦ અને ૩૧ ઓગસ્ટ દરમિયાન સુરત એરપોર્ટ નજીક સુરત-ડુમસ રોડ પર આવેલા અદ્વૈતા બોલરૂમ એન્ડ લોન્સ ખાતે આ વિશિષ્ટ ડિવોશનલ મ્યુઝિક કોન્સર્ટ યોજાશે. આ અંગે માહિતી આપતાં આયોજક પર્વ પરમારે જણાવ્યું હતું કે, “આ માત્ર પરંપરાગત ધાર્મિક કાર્યક્રમ નથી, પરંતુ કૃષ્ણના જીવન, તેમના પ્રેમ અને જીવનદર્શનને આધુનિક મ્યુઝિક, લાઇવ પરફોર્મન્સ અને ઇમર્સિવ ટેકનોલોજીના માધ્યમથી નવી પેઢી સુધી પહોંચાડવાનો અનોખો પ્રયાસ છે.” આયોજકોના જણાવ્યા મુજબ, ત્રણ દિવસીય અને ત્રણ અલગ થીમ આધારિત કૃષ્ણ મ્યુઝિક કોન્સર્ટનો આ પ્રકારનો પ્રયોગ ભારતમાં પ્રથમ વખત કરવામાં આવી રહ્યો છે. ત્રણ દિવસ, ત્રણ થીમ અને કૃષ્ણના જીવનના ત્રણ રંગ કૃષ્ણોત્સવમાં ત્રણ દિવસને ત્રણ અલગ થીમ સાથે રજૂ કરવામાં આવશે—ડિવોશન, એન્ચેન્ટમેન્ટ અને સેલિબ્રેશન. પ્રથમ દિવસ ‘ડિવોશન’ કૃષ્ણ પ્રત્યેની ભક્તિને સમર્પિત રહેશે. દેશ-વિદેશમાં કૃષ્ણભક્તિના વિવિધ સ્વરૂપો તેમજ લોકપ્રિય ભજનો અને કીર્તનોને ભવ્ય મ્યુઝિકલ ફોર્મમાં રજૂ કરવામાં આવશે. આ દિવસે કચ્છના જાણીતા કલાકાર નંદલાલ છાંગા પોતાની વિશેષ રજૂઆત આપશે. બીજા દિવસની થીમ ‘એન્ચેન્ટમેન્ટ’ રહેશે, જે કૃષ્ણ સાથે જોડાયેલા નિઃસ્વાર્થ પ્રેમને સમર્પિત છે. રાધા-કૃષ્ણનો પ્રેમ, મીરાંની ભક્તિ, યશોદા માતાનો સ્નેહ અને ભક્તોનો કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ—આ તમામ ભાવનાઓને સંગીત અને પરફોર્મન્સ દ્વારા રજૂ કરવામાં આવશે. સુરતના જાણીતા ફોક આર્ટિસ્ટ ઋષભ શુક્લા અને ઉત્તર ભારતના લોકપ્રિય તેમજ બોલિવૂડમાં પ્લેબેક કરી ચૂકેલા ગાયક ગુરાશિષ સિંહ આ દિવસે ખાસ રજૂઆત કરશે. ત્રીજા દિવસની થીમ ‘સેલિબ્રેશન’ રહેશે. કૃષ્ણના જીવનમાંથી મળતા સંદેશ—સુખ હોય કે દુઃખ, દરેક ક્ષણને સ્વીકારીને અને માણીને જીવનને પૂર્ણતાથી જીવવું—ને આ દિવસના કાર્યક્રમમાં કેન્દ્રસ્થાને રાખવામાં આવશે. આ દિવસે મથુરાનું ‘સનાતન સંકીર્તન’ બેન્ડ ખાસ રજૂઆત કરશે. સાથે જ પ્રથમ વખત આ પ્રકારના લાઇવ કાર્યક્રમમાં ‘ફૂલો કી હોળી’નો વિશેષ અનુભવ પણ કરાવવામાં આવશે. ૧૫૦ ફૂટના સ્ટેજ પર નવી પેઢીની કૃષ્ણભક્તિ કૃષ્ણોત્સવની સૌથી મોટી વિશેષતા એ રહેશે કે અહીં પરંપરાગત ભક્તિને નવી પેઢીની ભાષામાં રજૂ કરવામાં આવશે. ખાસ કરીને જનરેશન ઝેડને ધ્યાનમાં રાખીને ઇમર્સિવ ટેકનોલોજી, આધુનિક સાઉન્ડ, લાઇટિંગ અને લાઇવ પરફોર્મન્સનો ઉપયોગ કરવામાં આવશે. આ માટે ૧૫૦ ફૂટનો વિશાળ સ્ટેજ તૈયાર કરવામાં આવી રહ્યો છે. આશરે ૨૫ ડાન્સ પરફોર્મર્સ લાઇવ ક્યુરેટેડ પરફોર્મન્સ રજૂ કરશે. સમગ્ર ત્રણ દિવસના કાર્યક્રમનું સંચાલન સેલિબ્રિટી હોસ્ટ, પોડકાસ્ટર અને સ્ટોરીટેલર જય થાડેશ્વર કરશે. તેઓ લાઇવ નેરેશન દ્વારા કાર્યક્રમને આગળ વધારશે. આયોજકોનું માનવું છે કે કૃષ્ણના જીવનની પરંપરાગત કથાઓને માત્ર રજૂ કરવાને બદલે, તેમના જીવનમાંથી મળતા પ્રેમ, સૌહાર્દ, આનંદ અને જીવનને માણવાના સંદેશને મ્યુઝિક અને ટેકનોલોજી સાથે જોડવાથી નવી પેઢી કૃષ્ણ સાથે વધુ સરળતાથી જોડાઈ શકશે. જન્માષ્ટમીમાં સુરત બનશે વૃંદાવન ધામ ૨૯થી ૩૧ ઓગસ્ટ દરમિયાન દરરોજ રાત્રે સાડા આઠથી રાત્રે ૧૧ વાગ્યા સુધી કાર્યક્રમ યોજાશે. આયોજકોના જણાવ્યા મુજબ, દરરોજ આશરે ૧,૫૦૦ લોકો ઉપસ્થિત રહેવાની અપેક્ષા છે, જ્યારે ત્રણેય દિવસ દરમિયાન કુલ આશરે ૫,૦૦૦ લોકો કાર્યક્રમમાં જોડાશે. આ અંગે આયોજક પર્વ પરમારે જણાવ્યું હતું કે, “કૃષ્ણના જીવન અને તેમના સંદેશને આજની પેઢી સુધી પહોંચાડવા માટે આ આખી પરિકલ્પના તૈયાર કરવામાં આવી છે. સુરતમાં જ લોકોને વૃંદાવન અને મથુરા જેવી આધ્યાત્મિક અનુભૂતિ કરાવવાનો અમારો પ્રયાસ છે. ભક્તિ માત્ર પરંપરાથી નહીં, પરંતુ નવી પેઢી સાથે જોડાય તેવી આધુનિક રજૂઆત દ્વારા પણ અનુભવી શકાય—એ જ કૃષ્ણોત્સવનો મુખ્ય ઉદ્દેશ છે.” જન્માષ્ટમીના આ ત્રણ દિવસ દરમિયાન સુરત કૃષ્ણમય અને ગોકુળમય બની જાય તથા લોકોને સુરત છોડ્યા વિના વૃંદાવન-મથુરા જેવી ભક્તિ અને ઉત્સવની અનુભૂતિ મળે, તેવો આ અનોખો પ્રયાસ હોવાનું આયોજકોએ જણાવ્યું છે.
દત્તાશ્રય આશ્રમમાં ગુરુપૂર્ણિમા મહોત્સવ ભવ્ય ભક્તિભાવ સાથે ઉજવાયો

 

 કોસંબા: દત્તાશ્રય આશ્રમ ખાતે ગુરુપૂર્ણિમાનો પવિત્ર મહોત્સવ અત્યંત ભક્તિમય અને દિવ્ય વાતાવરણમાં ભવ્ય રીતે ઉજવાયો. સમગ્ર આશ્રમ ગુરુભક્તિ, વૈદિક મંત્રોચ્ચાર અને ભજન-કીર્તનથી ગુંજી ઉઠ્યો હતો. રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ઉપસ્થિત રહી ગુરુચરણોમાં વંદના અર્પણ કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા.

દત્તાશ્રય આશ્રમના સ્થાપક આચાર્ય શ્રી ભાવિનભાઈ પંડ્યા અને આચાર્ય શ્રી મનનભાઈ પંડ્યાએ ઉપસ્થિત ભક્તોને આશીર્વચન આપતાં જણાવ્યું કે ગુરુનું સાન્નિધ્ય જીવનને સાચી દિશા, સંસ્કાર અને આધ્યાત્મિક ઉન્નતિ તરફ દોરી જાય છે. તેમણે દરેક ભક્તને સનાતન ધર્મના મૂલ્યોને જીવનમાં ઉતારવા, વેદોનું નિયમિત અધ્યયન કરવા અને ભારતીય સંસ્કૃતિનું રક્ષણ કરવા પ્રેરણા આપી.

આચાર્યશ્રીઓએ પોતાના સંદેશમાં જણાવ્યું કે સમય જીવનની સૌથી મૂલ્યવાન સંપત્તિ છે. તેથી સમયનો દુરુપયોગ કરવાને બદલે જ્ઞાન, સાધના, સેવા અને સદ્કર્મોમાં તેનો સદુપયોગ કરવો જોઈએ. તેમણે યુવાનોને નકારાત્મક વિચારો, વ્યસનો અને નિરર્થક પ્રવૃત્તિઓથી દૂર રહી સકારાત્મક જીવનશૈલી અપનાવવાની અપીલ કરી.

પર્યાવરણ સંરક્ષણને પણ આધ્યાત્મિક જવાબદારી ગણાવતા આચાર્યશ્રીઓએ દરેક ભક્તને વૃક્ષારોપણ કરવાનો સંકલ્પ કરાવ્યો અને હરિયાળા તથા સ્વચ્છ ભારતના નિર્માણમાં સહભાગી બનવા આહ્વાન કર્યું.

ગુરુપૂર્ણિમાના પાવન અવસરે **ભવ્ય ગુરુપૂજન, પાદુકા પૂજન, વિશેષ મંત્ર દીક્ષા, વૈદિક મંત્રોચ્ચાર, ભજન-કીર્તન, મહાઆરતી તથા મહાપ્રસાદ (ભંડારા)**નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. હજારો ભક્તોએ શ્રદ્ધાભાવથી આ તમામ ધાર્મિક વિધિઓમાં સહભાગી બની ગુરુકૃપાનો લાભ પ્રાપ્ત કર્યો.

સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિમય, શાંતિમય અને આધ્યાત્મિક વાતાવરણ સર્જાયું હતું. ભક્તોએ ગુરુચરણોમાં નમન કરી પોતાના જીવનમાં સદાચાર, સેવા, સંસ્કાર અને સનાતન ધર્મના આદર્શોને અનુસરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.

જય જય દત્તાશ્રય!
જય ગુરુદેવ દત્ત!
નર્મદે હર!

લંડનના હાઉસ ઓફ લોર્ડ્સમાં આચાર્ય ભાવિનભાઈ પંડ્યા અને આચાર્ય મનનભાઈ પંડ્યાને “Global Leader of the Year 2026” એવોર્ડથી સન્માનિત કરાયા.

 

દત્તાશ્રય આશ્રમ છેલ્લા ૧૧ વર્ષથી સનાતન ધર્મ, વૈદિક સંસ્કૃતિ અને માનવસેવાને સમર્પિત એક પ્રેરણાદાયી આધ્યાત્મિક કેન્દ્ર તરીકે કાર્યરત છે. આશ્રમના સ્થાપક આચાર્ય શ્રી ભાવિનભાઈ પંડ્યા અને આચાર્ય શ્રી મનનભાઈ પંડ્યાના માર્ગદર્શન હેઠળ લાખો ભક્તો આધ્યાત્મિક શાંતિ, ભક્તિ અને ગુરુકૃપાનો અનુભવ કરી રહ્યા છે.

આચાર્ય શ્રી ભાવિનભાઈ પંડ્યા અને આચાર્ય શ્રી મનનભાઈ પંડ્યાએ માત્ર ગુજરાત કે ભારત પૂરતું જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં સનાતન ધર્મ અને ભારતીય આધ્યાત્મિક પરંપરાનો ગૌરવ વધાર્યો છે. વર્ષ ૨૦૨૬માં લંડન સ્થિત બ્રિટિશ સંસદના ઐતિહાસિક “House of Lords” ખાતે આયોજિત આંતરરાષ્ટ્રીય સમારોહમાં બંને આચાર્યશ્રીઓને તેમના આધ્યાત્મિક નેતૃત્વ, માનવસેવા અને સનાતન સંસ્કૃતિના વૈશ્વિક પ્રચાર-પ્રસાર માટે પ્રતિષ્ઠિત “Global Spiritual Leader Award 2026” એનાયત કરવામાં આવ્યો હતો. આ સન્માન દત્તાશ્રય આશ્રમ, ગુજરાત અને સમગ્ર ભારત માટે ગૌરવની ઐતિહાસિક ક્ષણ બની છે.

દત્તાશ્રય આશ્રમના સ્થાપક આચાર્ય શ્રી ભાવિનભાઈ પંડ્યા અને આચાર્ય શ્રી મનનભાઈ પંડ્યા, આધ્યાત્મિક ક્ષેત્રમાં અનેક ઐતિહાસિક સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. વર્ષ ૨૦૨૫માં આયોજિત ભવ્ય ૧૦૦૮ હનુમંત યજ્ઞ અને વર્ષ ૨૦૨૬માં સતત ૨૪ કલાકના અખંડ દત્ત બાવની પાઠને India Book of Records તેમજ Asia Book of Recordsમાં સ્થાન મળ્યું છે. આ સિદ્ધિઓ આશ્રમની ભક્તિ, શિસ્ત અને વૈદિક પરંપરાપ્રતિની અડગ નિષ્ઠાનો જીવંત પુરાવો છે.

આશ્રમની સૌથી વિશેષ ઓળખ છે અખંડ અગ્નિ. છેલ્લા ૧૧ વર્ષથી યજ્ઞશાળામાં અખંડ અગ્નિ સતત પ્રજ્વલિત છે, જે સનાતન પરંપરા, યજ્ઞ સંસ્કૃતિ અને આધ્યાત્મિક ઊર્જાનું પ્રતિક છે. અહીં નિયમિત યજ્ઞ, વૈદિક મંત્રોચ્ચાર અને આધ્યાત્મિક અનુષ્ઠાનો દ્વારા ભક્તોને સકારાત્મક ઊર્જા અને આંતરિક શાંતિનો અનુભવ કરાવવામાં આવે છે.

દરરોજ આશ્રમમાં ભગવાન દત્તાત્રેયની નિત્ય પૂજા, ગુરુ પૂજન, પાદુકા પૂજન, વૈદિક આરતી અને ભજન-સંકીર્તન થાય છે. દર *ગુરુવાર અને રવિવારે મહાભંડારો (મહાપ્રસાદ)*નું આયોજન થાય છે, જેમાં હજારો ભક્તો પ્રસાદનો લાભ લે છે. આશ્રમમાં આવનાર દરેક ભક્તને નિઃસ્વાર્થ ભાવથી સેવા અને પ્રસાદ આપવામાં આવે છે.

દત્તાશ્રય આશ્રમની ગૌશાળા પણ સેવા અને સંસ્કારનું મહત્વપૂર્ણ કેન્દ્ર છે. અહીં ગૌમાતાની સેવા, ગૌપૂજન અને ગૌસંવર્ધન દ્વારા ભારતીય સંસ્કૃતિના આ પવિત્ર મૂલ્યોને જીવંત રાખવામાં આવે છે. ગૌસેવાને આશ્રમમાં વિશેષ આધ્યાત્મિક સાધના તરીકે માનવામાં આવે છે.

દત્તાશ્રય આશ્રમ માત્ર એક મંદિર કે ધાર્મિક સ્થળ નથી, પરંતુ ભક્તિ, સેવા, સંસ્કાર, ગૌસેવા, મહાયજ્ઞ, વૈદિક પરંપરા અને સનાતન ધર્મને સમર્પિત જીવંત આધ્યાત્મિક પરિવાર છે. ગુરુદેવ દત્તની કૃપા, અખંડ અગ્નિની દિવ્ય શક્તિ અને આચાર્યશ્રીઓના માર્ગદર્શનથી આ આશ્રમ લાખો લોકોના જીવનમાં પ્રકાશ, શાંતિ અને આધ્યાત્મિક ઉન્નતિનું કેન્દ્ર બની રહ્યો છે.
જય જય દત્તાશ્રય!
જય ગુરુદેવ દત્ત!

સુરતના ભેદવાડ વિસ્તારમાં ‘શિવ-ભીમ મહોત્સવ’ અને નવનિર્વાચિત નગરસેવકોનો સન્માન સમારોહ ભવ્ય રીતે સંપન્ન થયો

 

સુરત: સુરતના ભેદવાડ, પાંડેસરા વિસ્તારમાં ગઇકાલે ‘શિવ-ભીમ મહોત્સવ’નું અત્યંત ભવ્ય અને ઉત્સાહપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિશાળ જનમેદની ઉમટી પડી હતી, જેના કારણે સમગ્ર વિસ્તાર ઉત્સાહના રંગે રંગાયો હતો. આ પ્રસંગે સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં વિજયી થયેલા તમામ નવનિર્વાચિત નગરસેવકોનો ભવ્ય સત્કાર સમારોહ યોજાયો હતો. કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત મહાનુભાવોમાં ભારતીય રેલવેના PAC મેમ્બર શ્રી છોટુભાઈ પાટીલ હાજર રહ્યા હતા. સાથે જ, આ કાર્યક્રમના અધ્યક્ષ સુરત મહાનગરપાલિકાના માજી નગરસેવિકા માનનીય લીલાબેન ભાઈદાસભાઈ સોનવણે ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમની શોભા વધારી હતી.
કાર્યક્રમ દરમિયાન સુપ્રસિદ્ધ ગાયક રાહુલ સાઠે દ્વારા રજૂ કરવામાં આવેલા શિવભીમ ગીતો અને દેશભક્તિના ગીતોએ શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. આ મહોત્સવનું સુંદર આયોજન દલિત સમાજના નેતા કુણાલ ભાઈદાસ સોનવણે અને ‘ભીમ સંઘર્ષ મિત્ર મંડળ’ (દરગાહ, ભેદવાડ) દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે આયોજક સમિતિ અને સ્થાનિક કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી.
સુરતમાં ગુંજ્યો નવકાર મહામંત્રનો મહાજાપ: કેન્દ્રીય મંત્રી અમિત શાહના વર્ચ્યુઅલી જોડાયા

 

10 હજારથી વધુ શ્રદ્ધાળુઓની હાજરીમાં ભવ્ય આયોજન સફળ, 108 દેશોમાં 10 કરોડ લોકો જોડાવાના વૈશ્વિક લક્ષ્ય સાથે કરાયું આયોજન

સુરત : વિશ્વ શાંતિ, અહિંસા અને આધ્યાત્મિક એકતાનો સંદેશ આપતા વિશ્વ નવકાર મહામંત્ર દિવસ નિમિત્તે સુરતમાં ગુરુવારે ભવ્ય સામૂહિક મહાજાપ સફળતાપૂર્વક યોજાયો હતો. જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન (JITO) સુરત દ્વારા ઇન્ડોર સ્ટેડિયમ ખાતે સવારે 7:29 થી 9:36 દરમિયાન યોજાયેલા આ કાર્યક્રમમાં 10 હજારથી વધુ શ્રદ્ધાળુઓએ હાજરી આપી, જેના કારણે સમગ્ર પરિસર નવકાર મંત્રના ગુંજનથી ભક્તિમય બની ગયું હતું.

આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વર્ચ્યુઅલ રીતે જોડાયા હતા અને તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે નવકાર મંત્ર કોઈ વ્યક્તિનું સ્મરણ નહીં પરંતુ પદ અને ગુણોની આરાધના છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે જે વ્યક્તિ ગુણોની પૂજા કરે છે, તે ગુણો આપોઆપ તેના જીવનમાં પ્રવેશ કરે છે. નવકાર મંત્ર માનવ જીવનને શ્રેષ્ઠતા તરફ દોરી જતો માર્ગ છે અને આજના અશાંતિભર્યા વિશ્વમાં “સવ્વ પાવપ્પણાસણો” અને “મંગલાણં ચ સવ્વેસિં” જેવા સંદેશો સમગ્ર માનવજાત માટે કલ્યાણકારી છે. તેમણે નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં યોજાયેલા કાર્યક્રમનો ઉલ્લેખ કરતાં આ પવિત્ર મંત્રની શક્તિ જન-જન સુધી પહોંચાડવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

સુરતના ઇન્ડોર સ્ટેડિયમમાં યોજાયેલા આ મહાજાપમાં શહેરના અનેક આગેવાનો અને ગણમાન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તોએ એકસ્વરે મહાજાપ કરી વિશ્વ શાંતિ, સૌહાર્દ અને અહિંસાની ભાવનાને પ્રગટ કરી હતી.

આ કાર્યક્રમમાં ગચ્છાધિપતિ, આચાર્ય ભગવંતો, સાધ્વીજી ભગવંતો સહિત ચતુર્વિધ સંઘની પવિત્ર નિશ્રામાં કાર્યક્રમ ભક્તિભાવ સાથે પૂર્ણ થયો હતો. સુરતના તમામ જૈન સંઘો, સમાજના આગેવાનો, JITOના પદાધિકારીઓ અને સભ્યો સાથે સમગ્ર જૈન સમાજની ઉપસ્થિતિએ આ અવસરને યાદગાર બનાવી દીધો હતો.

કાર્યક્રમ દરમિયાન મનન સંઘવી, ધ્વનિલ કેસુડિયા તથા બાળ કલાકાર વિવાન બાફનાની રજૂઆતોએ સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. સાથે જ શાસન ભક્તિના વિશેષ આયોજનથી સમગ્ર વાતાવરણ વધુ પ્રેરણાદાયક બન્યું હતું.

JITO સુરતના જણાવ્યા મુજબ આ વર્ષે વિશ્વ નવકાર મહામંત્ર દિવસ 108થી વધુ દેશોમાં ઉજવાયો, જેમાં આશરે 10 કરોડ લોકો જોડાવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું હતું

આ સમગ્ર આયોજન મિલન પારીખ (ચેરમેન), મિતેશ ગાંધી (ચીફ સેક્રેટરી), લલિત શાહ, નિરવ શાહ અને પ્રકાશ ડુંગાણીની આગેવાની હેઠળ સફળતાપૂર્વક પાર પડ્યું હતું. આયોજકોએ તમામ સહભાગીઓને આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે સૌના સહકાર અને ઉત્સાહથી આ કાર્યક્રમને નવી ઊંચાઈ મળી છે.

આ મહાજાપ દ્વારા “એક ભાવના, એક ઉદ્દેશ્ય, એક વિશ્વ, એક સ્પંદન, એક મંત્ર”નો સંદેશ જનજન સુધી પહોંચ્યો હોવાનું આયોજકોએ જણાવ્યું હતું.

સુરતમાં યોગદા સત્સંગ સોસાયટીનો ક્રિયાયોગ કાર્યક્રમ સંપન્ન, પાંચ આધ્યાત્મિક પુસ્તકોનું વિમોચન

 

સ્વામી શુદ્ધાનંદગીરીએ આપ્યું જીવનમૂલ્યોને સ્પર્શતું પ્રેરણાદાયી પ્રવચન

સુરતઃ પરમહંસ યોગાનંદજીએ સ્થાપેલી યોગદા સત્સંગ સોસાયટી ઓફ ઇન્ડિયાના સુરત દ્વારા આજરોજ ઇચ્છાનાથ–ડુમસ રોડ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ ગેસ્ટ હાઉસ ખાતે ક્રિયાયોગ પર વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. “આનંદમય અને સફળ જીવનની કુંજી – ક્રિયાયોગ વિજ્ઞાન” વિષયક આ ધાર્મિક કાર્યક્રમમાં શહેરના અનેક જિજ્ઞાસુઓ ઉપસ્થિત રહ્યા હતા.

સાંજે 6થી 6:30 વાગ્યા દરમિયાન ભજનોથી કાર્યક્રમની શરૂઆત થઈ. ત્યારબાદ 6:30થી 7 વાગ્યા દરમિયાન આધ્યાત્મિક સાહિત્ય પર આધારિત પાંચ પુસ્તકોનું વિમોચન કરાયું, જેને હાજર શ્રોતાઓએ તાળીપાડી આવકાર્યું.

મુખ્ય વક્તા સ્વામી શુદ્ધાનંદગીરીએ તેમના પ્રેરક સંદેશમાં જણાવ્યું કે પરમહંસ યોગાનંદજીએ શીખવેલ ક્રિયાયોગ વિજ્ઞાન મન, પ્રાણ અને ચેતનાને શુદ્ધ કરીને જીવનમાં શાંતિ અને સફળતાના દ્વાર ખોલે છે. તેમણે ગીતામાં ભગવાન કૃષ્ણ દ્વારા અર્જુનને “તુ યોગી બન” કહેવાયેલી પ્રેરણાની વ્યાખ્યા કરતા યોગના વિવિધ માર્ગોમાં રાજયોગની વિશિષ્ટતા સમજાવી.


સ્વામીએ વધુમાં કહ્યું કે ક્રિયાયોગ એ પ્રાણાયમની સર્વોચ્ચ રીત છે, જેનાથી મેરુદેહમાં સ્થિત ચક્રો જાગૃત થઈને ભક્ત આત્મસાક્ષાત્કારના માર્ગે આગળ વધે છે. આ માર્ગ જીવનના “કુરુક્ષેત્ર” જેવા આંતરિક સંઘર્ષોને જીતવામાં મદદરૂપ બને છે.

યોગદા સત્સંગ ઘ્યાન કેન્દ્ર, સુરત દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ભાગ લઇ આધ્યાત્મિક લાભ મેળવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ સુખદ, શાંત અને આધ્યાત્મિક ઊર્જાથી ઓતપ્રોત માહોલમાં સફળતાપૂર્વક પૂર્ણ થયો

અધ્યાત્મ અને ભક્તિનો મહાપર્વ: તેરાપંથ ધર્મસંસ્કૃતિનું દીપસ્તંભ બનેલા વાવમાં ખાતે પધારી રહ્યા છે આચાર્ય મહાશ્રમણ

 

સુરત. તેરાપંથ ધર્મસંસ્કૃતિનું દીપસ્તંભ બનેલા વાવ પથક ખાતે તેજસ્વી માર્ગદર્શક, યુગપ્રધાન, પૂજ્ય આચાર્યશ્રી મહાશ્રમણજી પ્રવાસે પધારી રહ્યા છે.યુગપ્રધાન આચાર્યશ્રી મહાશ્રમણ તૃતીય વાર વાવ પધારી રહ્યા છે.

આચાર્યશ્રી મહાશ્રમણજી—એક એવું દિવ્ય વ્યક્તિત્વ, જે માત્ર શાબ્દિક વ્યાખ્યામાં બંધાઈ ન શકે. વિચારો ની ક્રાંતિ, કર્મની પરિભાષા અને કલ્યાણની સરિતા એવા મહાન યોગીપુરુષ!

તેમના અધ્યાત્મયજ્ઞે અંધશ્રદ્ધા, સામાજિક દૂષણો અને રૂઢિચુસ્ત માન્યતાઓ પર સશક્ત ઘાત કર્યા છે. આચાર્યશ્રી માત્ર વિચાર નહિં, નશામુક્તિ અને આધ્યાત્મિક જાગૃતિના જીવનમંત્રથી ૧ કરોડથી વધુ લોકોમાં પરિવર્તન લાવનાર પ્રભાવશાળી પ્રણેતા છે!

આચાર્ય મહાશ્રમણ જીએ  60,000 કિમીથી વધુની પદયાત્રા, ૨૩ રાજ્યો અને હિમાલય પાર્શ્વના પ્રદેશો સુધી ધર્મસંચાર કર્યો છે.

એક સાથે ૪૩ સંયમરત્નો નું દિક્ષાસંસ્કાર, જે સંતપરંપરાનો એક અદભૂત અધ્યાય બન્યો હતો. આજ સુધી તેરાપંથ ધર્મસંઘ માં વાવ પથક માંથી  31 સંયમ રત્નો દીક્ષિત થયા છે. જે વાવ પથક માટે સાત્વિક ગૌરવ ની વાત છે. આપણા આરાધ્યના આગમનથી વાવની ધરા પર એક મહોત્સવ રૂપી આભા છવાઈ રહી છે. આ એક સાધારણ ઘટના નહીં પણ ધર્મ અને ભક્તિનું મહાપર્વ છે, જ્યાં શ્રદ્ધા, અનુશાસન અને અધ્યાત્મનો સંગમ થશે!

જૈન તેરાપંથ ધર્મસંઘ ના એકાદશમ અધિશાસ્તા યુગપ્રધાન આચાર્ય શ્રી મહાશ્રમણ જી 12 વર્ષ પછી વાવની ધરાને પાવન કરવા આવી રહ્યા છે અને આ અવસરે વાવ નગરના દરેક બાળક,યુવાન અને વડીલ શ્રાવકો તેમજ જૈન અને જૈનેતર દરેક ના મન માં એમના આરાધ્ય ના આગમન નો અનેરો ઉમઁગ છવાયેલો જોવા મળી રહ્યો છે. તેરાપંથ ધર્મસંઘના આચાર્ય નો પ્રવાસ બહુમૂલ્ય હોય છે જેમના ભાગ્યના દ્વાર ખુલે તેમને જ એમનું સાનિધ્ય પ્રાપ્ત થાય અને આજે આ અવસરે વાવમાં નવા નવા કિર્તીમાન થવા જઈ રહ્યા છે. મહાશ્રમણ  મુખ્ય પ્રવેશદ્વાર , વાવ નૂતન તેરાપંથ ભવન નિર્માણ , વાવ તેરાપંથ ભવન નવીનીકરણ તેમજ ભવ્ય પ્રવચન પંડાળથી વાવ અને વાવ નગરના દરેક શ્રાવક એમના આરાધ્યના સ્વાગત માટે સજી ધજી ને તૈયાર થઈ ગયા છે.14 એપ્રિલ 2025ના રોજ ભવ્ય મહાશ્રમણ મુખ્ય પ્રવેશદ્વાર અને ભવ્ય નૂતન તેરાપંથ ભવનનું લોકાર્પણ આચાર્ય શ્રીના વરદ હસ્તે થશે. 14 થી 22 એપ્રિલના 9 દિવસ ના પાવન પ્રસંગે આચાર્ય શ્રીની અમૃતવાણી , ચરણ સ્પર્શ , સાધુ – સાધ્વી જી નું સાનિધ્ય થી વાવના દરેક શ્રાવકો ધન્યતા નો અનુભવ કરશે અને વાવ ના મુમુક્ષુ રત્ન કલ્પભાઈ ની શોભાયાત્રા તેમજ દીકરી વાવ તેરાપંથ ની અને જૈન કાર્યશાળા થકી વાવ નગર શોભાયમાન થશે.

જૈન પ્રબુદ્ધ આચાર્ય મહાશ્રમણ ના આગમન માટે નાનકડા ગામમાં આશરે 5000 વ્યક્તિનો ભવ્ય પંડાળ બની રહ્યો છે. ત્યાં અંદાજિત 10000 થી વધારે લોકો આચાર્ય શ્રીના પાવન સાનિધ્યનો લાભ લેશે. આ પ્રસંગે વાવ નગર વાસી પણ ખૂબ જ સહયોગ આપી રહ્યા છે . આચાર્ય શ્રીના આ 9 દિવસ નો પાવન પ્રવાસ વાવ ના શ્રાવક સમાજ માટે ઉત્સવ બની ગયો છે.