ફિલ્મી ગપસપ

વિશ્વગુરુ – જ્યાં લડાઈ છે શસ્ત્રોથી નહીં, શાસ્ત્રોથી!
વિશ્વગુરુ ફિલ્મ 1 ઓગસ્ટે રિલીઝ થવા જઈ રહી છે ત્યારે સુરતમાં ફિલ્મનું પ્રીમિયર યોજાયું હતું. આ પ્રસંગે ફિલ્મના કલાકારો અને નિર્માતાઓ હાજર રહ્યા અને દર્શકોમાંથી શરૂઆતથી જ તદ્દન સારો પ્રતિસાદ મળ્યો.
વિશ્વગુરુ એક એવી ફિલ્મ છે કે જે માત્ર દેશભક્તિના ભાષણોથી નહીં, પણ કાર્યશીલ વિચારોથી આગળ વધે છે. ફિલ્મની કહાણી આજના સમયમાં પણ સંબંધિત લાગે એવું પ્લોટ ધરાવે છે – જ્યારે એક વિદેશી તાકાત ભારતને અંદરથી ખોખલું કરવા વિવિધ ઉપાયો અજમાવે છે, ત્યારે એક સંસ્થા જ્ઞાન અને સંસ્કૃતિના આધારે તેનો સામનો કરે છે.
મુકેંશ ખન્ના ‘કશ્યપ’ તરીકે શ્રેષ્ઠ અભિનય રજૂ કરે છે. આ ફિલ્મ થકી તેમણે ગુજરાતી સિનેમામાં ડેબ્યુ કર્યું છે. તેમણે હિંદી ભાષામાં પોતાનો પાત્ર જીવંત કર્યો છે. ગૌરવ પાસવાલા, કૃષ્ણ ભારદ્વાજ, શ્રદ્ધા ડાંગર અને સોનૂ ચંદ્રપાલ જેવા અવ્વલ કક્ષાના કલાકારોએ પોતાના પાત્રને પૂરતો ન્યાય આપ્યો છે. દરેક પાત્રમાં સ્પષ્ટ આદર્શો અને આંતરિક સંઘર્ષ જોવા મળે છે. ફિલ્મનું દિગ્દર્શન શૈલેષ બોઘાણી અને અતુલ સોનારે કર્યું છે અને નિર્માણ સુકૃત પ્રોડક્શન્સ દ્વારા થયું છે. આ દરેકની મહેનત રંગ લાવશે તે તો નક્કી જ છે.

ફિલ્મનું દિગ્દર્શન અને ફિલ્મેટોગ્રાફી તદ્દન ધ્યાં ખેંચે તેવી છે. ક્યાંક ભારતીય શાસ્ત્રોનો ઊંડો આધાર છે તો ક્યાંક આધુનિકતાની નાની ઝલક પણ દેખાય છે. લડાઈ શસ્ત્રોથી નહીં, શાસ્ત્રોથી જીતી શકાય છે !– એવો સંદેશ વારંવાર સ્પષ્ટ રીતે દેખાય છે. મેહુલ સુરતીનું સંગીત ફિલ્મને ભાવનાત્મક ઊંચાઈ આપે છે.
કુલ મળીને વિશ્વગુરુ એ એવી ફિલ્મ છે કે જે ફક્ત ગુજરાતી સિનેમાની કસોટી ઉપર નહીં, પણ દરેક ભારતીય માટે એક વિચાર જગાવતી ફિલ્મ બની શકે. ફિલ્મના કેટલાક સંવાદ લાંબા સમય સુધી દિમાગમાં રહેશે અને એને માત્ર એક ફિલ્મ નથી પણ સારો સંદેશ આપતી કહાણી છે.

ગુજરાતી ફિલ્મ ‘વિશ્વગુરુ’ના મુખ્ય કલાકારો આજે સુરતના મહેમાન બન્યા
ગુજરાતી ફિલ્મ જગત માટે એક અનોખું પાનું રચતી અને રાષ્ટ્રપ્રેમને આધુનિક દૃષ્ટિકોણથી રજૂ કરતી ફિલ્મ ‘વિશ્વગુરુ’ ખૂબ જ જલ્દી રિલીઝ થવાની છે. ફિલ્મનું ટ્રેલર થોડા સમય પહેલા લોન્ચ થયું છે અને તેને દર્શકો તરફથી ઉત્સાહભર્યો પ્રતિસાદ મળ્યો છે. આજે ફિલ્મના મુખ્ય કલાકારો સુરતના વિશિષ્ટ મહેમાન તરીકે શહેરમાં પધાર્યા હતા.
અભિનેતા ગૌરવ પાસવાલા, અભિનેત્રી સોનુ ચંદ્રપાલ અને ભાવિની જાની આજે સુરતમાં મીડિયા અને ચાહકો સાથે મુલાકાત કરવા માટે પહોંચ્યા હતા. તેમની સાથે દિગ્દર્શક શૈલેષ બોઘાણી અને અતુલ સોનાર તથા નિર્માતા સતીશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
ફિલ્મ ‘વિશ્વગુરુ’માં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે એક રાષ્ટ્ર આંતરિક અવ્યવસ્થાઓ સામે ઊભું રહીને વિશ્વ મંચ પર પોતાનું મહત્વ સ્થાપિત કરે છે. ફિલ્મમાં સામેલ છે શક્તિશાળી સંવાદો, દ્રશ્યો અને ભારતીય સંસ્કૃતિથી ભરપૂર પૃષ્ઠભૂમિ, જે ખાસ કરીને યુવાનોને રાષ્ટ્રપ્રેમનો ક્રિયાત્મક સંદેશ આપે છે.
ફિલ્મનું દિગ્દર્શન શૈલેષ બોઘાણી અને અતુલ સોનાર, નિર્માણ સતીશ પટેલ અને લેખન કિરીટભાઈ તથા અતુલ સોનાર દ્વારા થયું છે. સુક્રિત પ્રોડક્શન અને સ્વસ્તિક મોશન પિક્ચર્સ દ્વારા રજૂ થતી આ ફિલ્મમાં મુકેશ ખન્ના, કુરૂષ દેબૂ, ગૌરવ પાસવાલા, કૃષ્ણ ભરદ્વાજ, મકરંદ શુક્લ, શ્રદ્ધા ડાંગર, હિના જયકિશન, સોનાલી લેલે, ચેતન દૈયા, ધર્મેશ વ્યાસ અને જાની ભાવિની સહિત અનેક પ્રતિષ્ઠિત કલાકારો મુખ્ય ભૂમિકામાં છે.
ફિલ્મનું સંગીત પણ એટલું જ ઊંડાણ ધરાવતું છે, જેમાં મેહુલ સુરતીનું સંગીત અને પાર્થ તર્પારાના ના શબ્દો છે. ગીતોને અવાજ આપ્યો છે આનંદી જોશી અને હરિ ઓમ ગઢવી, જ્યારે ફિલ્મનું સંપાદન સંજય સંકલાએ કર્યું છે.
દિગ્દર્શક શૈલેષ બોઘાણી કહે છે, “વિશ્વગુરુ એ માત્ર ફિલ્મ નથી – એ એવાં ભારતની કલ્પના છે જ્યાં સંસ્કૃતિ, સાહિત્ય અને રાષ્ટ્રભક્તિ જીવંત હોય.”
સુરતની મુલાકાત દરમિયાન આયોજિત મીટ એન્ડ ગ્રીટ કાર્યક્રમ દ્વારા શહેરના દર્શકો અને મીડિયાને આ સિનેમેટિક વિઝનને નજીકથી અનુભવનાં મોકો મળ્યો.

વણઝારા”નો સુરીલો ધમાકો: ગુજરાતી લોક-સંગીતની નવી ઉડાન ન્યુયોર્કના ટાઈમ્સ સ્ક્વેર સુધી
ગુજરાતની સુપ્રસિદ્ધ લોક ગાયિકા અને પ્લેબેક સિંગર કવિતા દાસનું નવું ગીત “વણઝારા” ઈતિહાસ રચવા જઈ રહ્યું છે. આ ગીત ન્યુયોર્કના ટાઈમ્સ સ્ક્વેર ખાતે લોન્ચ થનારું પ્રથમ ગુજરાતી ગીત બન્યું છે, જેણે ગુજરાતી સંગીતની સુગંધને વૈશ્વિક ફલક પર પહોંચાડી છે. “વણઝારા” એ ગુજરાતની પરંપરાગત લોક-સંસ્કૃતિ અને આધુનિક EDM (ઈલેક્ટ્રોનિક ડાન્સ મ્યુઝિક)નું અનોખું સંગમ છે, જે સંગીત પ્રેમીઓના દિલમાં ધૂમ મચાવી રહ્યું છે. થોડાક જ સમયમાં આ ગીત ઓનલાઈન સેન્સેશન બની ગયું છે, અને સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે.
ઉત્તર ગુજરાતની ભૂમિમાં જન્મેલી કવિતા દાસે પોતાના પિતા ધનુદાસના માર્ગદર્શન હેઠળ સંગીતની દુનિયામાં અથાગ મહેનત કરી છે અને આજે તેઓ અમેરિકામાં સ્થાયી થઈને ગુજરાતી સંગીતનો ડંકો વિશ્વભરમાં વગાડી રહ્યા છે. 1000થી વધુ ગુજરાતી આલ્બમ અને 100થી વધુ ગુજરાતી ફિલ્મોમાં પોતાના મધુર કંઠે જાદુ પાથરનાર કવિતાએ “વણઝારા” દ્વારા ફરી એકવાર પોતાની પ્રતિભાનો પરચો આપ્યો છે.
“વણઝારા”ની સર્જનાત્મક ટીમ :-
“વણઝારા” એક એવું નજરાણું છે, જેમાં પ્રતિભાઓનું અદભૂત સંગમ જોવા મળે છે. કવિતા દાસના મધુર અવાજને સુપ્રસિદ્ધ સંગીત નિર્દેશક કુશલ ચોક્સીના મધુર સંગીતથી સજાવવામાં આવ્યું છે. મુનાફ લુહારની કલમે લખાયેલા શબ્દો ગીતને ભાવનાત્મક ઊંડાણ આપે છે, જ્યારે સૌરભ ગજ્જર અને આકાશ પટેલની ટીમે દિગ્દર્શન દ્વારા ગીતને દૃશ્યમય રીતે અદભૂત બનાવ્યું છે. વિરાજ. પી દ્વારા પ્રસ્તુત આ ગીત ગુજરાતી સંગીતની ડિજિટલ દુનિયામાં નવો માઈલસ્ટોન સ્થાપી રહ્યું છે.

“વણઝારા” વિશે વાત કરતાં કવિતા દાસ કહે છે, “આ ગીત એક પ્રાચીન લોકગીતનું આધુનિક રૂપ છે, જે આજના શહેરી શ્રોતાઓની પસંદગીને ધ્યાનમાં રાખીને રચાયું છે. ‘વણઝારા’ એ ગુજરાતી લોક-સંસ્કૃતિ અને આધુનિક સંગીતનો અતૂટ સેતુ છે.” આ ગીત ગુજરાતના સમૃદ્ધ વારસાને આધુનિક રંગમાં રજૂ કરે છે, જે યુવા પેઢી અને પરંપરાગત સંગીતના ચાહકો બંનેને આકર્ષી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે વૈશ્વિક ફલક પર ગુજરાતી સંગીત
“વણઝારા”નું ટાઈમ્સ સ્ક્વેર ખાતે લોન્ચ થવું એ ગુજરાતી સંગીતની વૈશ્વિક પહોંચનું પ્રતીક છે. આ ગીત ન માત્ર ગુજરાતી સંગીતની સમૃદ્ધિને ઉજાગર કરે છે, પરંતુ ગુજરાતી કલાકારોની સર્જનાત્મકતા અને નવીનતાને વિશ્વ સમક્ષ રજૂ કરે છે.

“મહારાણી” નું ટ્રેલર રિલીઝ – મનોરંજન અને હાસ્યથી ભરપૂર એક સોશિયલ કોમેડી
Gujarat – ગુજરાતી સોશિયલ કોમેડી ફિલ્મ મહારાણી નું બહોળી આતુરતાથી રાહ જોવાતું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે અને તેની મજેદાર તથા રસપ્રદ સ્ટોરીલાઇન થી દર્શકોના દિલ જીતી રહ્યું છે. ખાસ વાત એ છે કે આ ટ્રેલર ફિલ્મની મુખ્ય અભિનેત્રી માનસી પરેખના જન્મદિન પર રિલીઝ થયું છે. જેને લઈને ફિલ્મપ્રેમીઓએ ડબલ સેલિબ્રેશન કર્યું.
મહારાણી ફિલ્મની કથા રાણી (શ્રદ્ધા ડાંગર) આસપાસ ફરે છે, જે એક આધુનિક ઘરના ઘરકામ માટે આવેલી ક્વર્કી અને ગફલતભરી કામવાળી છે. મહારાણી આ ઘર ના માલિક – માનસી પરેખ અને ઓજસ રાવલ ના જીવન ની વાર્તા છે. રાણીનો ગેરવ્યવસ્થિત સ્વભાવ અને અણઘડ આચરણ ઘરભરમાં કયારેક હાસ્યનો વિષય બને છે તો કયારેક પરેશાનીનું કારણ. રોજબરોજના કામકાજ દરમિયાન તે જે ઘોર ગોટાળો ઊભો કરે છે અને પછી તેના માટે અવનવા બહાના કાઢે છે તે દર્શકોને હસવા મજબૂર કરે છે.
ફિલ્મ વિશે વાત કરતાં, અભિષેક પાઠક, પ્રોડ્યૂસર અને એમ.ડી., પેનારોમા સ્ટુડિયોઝે કહે છે કે, “પેનારોમા સ્ટુડિયોઝમાં અમે હંમેશા એવા પ્રયત્નો કરીએ છીએ કે લોકો સુધી એવી કહાનીઓ લાવીએ જે પ્રત્યેક સામાન્ય ભારતીય સાથે સંકળાયેલી હોય. અમને આનંદ અને ગર્વ છે કે અમે એવી ફિલ્મોને સહારો આપી રહ્યા છીએ જે સામાન્ય ક્ષણોમાંથી હાસ્ય અને લાગણી શોધી કાઢે છે. ‘મહારાણી’ લાગણીસભર છે, મનોરંજક છે અને ખાસ તો એ, કે રીયલ છે. એક શાનદાર કાસ્ટ અને દરેક ઘરનું પ્રતિબિંબ એવી કહાની સાથે, અમે દેશભરના દર્શકો માટે આ દિલથી હસાવતી કોમેડી પ્રસ્તુત કરવા ઉત્સુક છીએ.”
કહાની વધુ રસપ્રદ ત્યારે બને છે જ્યારે એક દિવસ માનસી પરેખનું પાત્ર રાણીની આ લાપરવાહી અને કંટાળાજનક વર્તનથી કંટાળી જાય છે અને તેને નોકરીમાંથી કાઢી મૂકવાનો નિર્ણય લે છે. ત્યાર પછી એક નવી કામવાળી શોધવાનું સંઘર્ષ શરૂ થાય છે જેનાથી હાસ્ય, ડ્રામા અને થ્રિલ ભરેલી એક મનોરંજક કહાની આગળ વધે છે.
ફિલ્મના ડિરેક્ટર, વિરલ શાહ, વ્યક્ત કરે છે કે, “‘મહારાણી’ એવા સંબંધો નો ઉત્સવ છે જેના વિશે ખૂબ ઓછી વાત થાય છે – જે રસોડામાં, લિવિંગ રૂમ માં અને સામાન્ય ચા ના કપ સાથેના મૌન માં છાની રીતે ઘણું કહી જાય છે. આ ફિલ્મ એ ખૂબ જ હળવી પરંતુ ખૂબ જ મહત્વપૂર્ણ કહાની કહે છે. જાણે સૌના જીવનનો એક ટુકડો લઈ લખી હોય તેવી આ કોમેડી ફિલ્મ ઘરની માલકીન અને ઘરની કામવાળી વચ્ચેના અનોખા બંધન વિશે ઘણું કહી જાય છે. આ કહાની છે ભાન કરાવે છે કે જે આઝાદી અને સગવડ આપણે અનુભવીએ છીએ તેની પાછળ આપણા જીવનના અમુક મજબૂત પાયા સ્વરૂપ લોકોનું ખૂબ મહત્વપૂર્ણ યોગદાન છે. એક એવી નરમ અને લાગણીસભર કહાની.. જે કહેવી જરૂરી છે.”
ફિલ્મ વિશે માનસી પારેખ કહે છે, “આ ફિલ્મ પર કામ કરતાં મને સમજાયું કે ખરેખર આપણા ઘરની કામવાળી સાથે નો આપણો સંબંધ અતુલ્ય અને બેજોડ છે. ‘મહારાણી’ સ્ત્રી મિત્રતા, આત્મમુલ્ય અને આત્મપ્રેમને પણ મોટા પરિપ્રેક્ષ્યમાં સ્પર્શે છે. આ એક એવી કહાની છે જે સામાન્ય જીવન પર બનેલી એક અદભુત વાત કહી જાય છે. અનેક પ્રતિભાશાળી કલાકારો અને વિરલ જેવા ડિરેક્ટર સાથે કામ કરવું સ્વપ્ન સમાન અનુભવ રહ્યો. મારુ પાત્ર, માનસી, કોઈ પણ સ્વતંત્ર વર્કિંગ વુમન જેવું જ છે – જીવન રોજ નવા ચેલેન્જીસ લાવે છે અને તે પોતાની રીતે તેનું ઉત્તમ રીતે સામનો કરે છે. શ્રદ્ધા સાથે કામ કરવામાં ખૂબ મજા પડી અને જેમ જેમ અમે આ જર્ની માં આગળ વધ્યા તેમ તેમ અમારી વચ્ચે એક ગહન મિત્રતા વિકસી છે જે સ્ક્રીન પર અવશ્ય દેખાશે. હું આતુર છું કે દર્શકો આ ફિલ્મ જોવે અને થિયેટરમાંથી કંઈક મૂલ્યવાન શીખ લઈને નીકળે.”
ફિલ્મ વિશે શ્રદ્ધા ડાંગર કહે છે, “‘મહારાણી’ એક સાધારણ જીવન પર અસાધારણ રીતે લખાયેલી કહાની છે, જે અનેક સ્તરે વ્યક્તિગત રીતે મને જોડે છે. રાણીનું પાત્ર શક્તિ અને આત્મજ્ઞાન દર્શાવે છે. ફિલ્મનો મુખ્ય તત્વ કોમેડી છે અને હું આનો એક ભાગ બની શકી તેનો મને ખૂબ આનંદ છે. માનસી સાથે કામ કરવાનો અનુભવ અદભુત રહ્યો. અમે સાથે મળીને ક્રિએટિવ પ્રોસેસ શેર કરી અને એક એવી મિત્રતા બંધાઈ ગઈ છે જે સ્ક્રીન પર તેમજ સ્ક્રીન બહાર લોકોને જરૂર દેખાશે. ‘મહારાણી’ એક અનોખી ફિલ્મ છે અને મને આશા છે કે દર્શકો આ ફિલ્મનો પુરેપુરો આનંદ લેશે.”
પેનારોમા સ્ટુડિયો દ્વારા પ્રસ્તુત ‘મહારાણી’ નું પ્રોડક્શન મંકી ગોડ એન્ટરટેઈનમેન્ટ, સમિટ સ્ટુડિયો અને એક્કા એન્ટરટેઈનમેન્ટ હેઠળ કરવા મા આવેલ છે. આ ફિલ્મ ના પ્રોડ્યૂસર્સ છે કુમાર મંગત પાઠક, અભિષેક પાઠક, પ્રિતેશ ઠક્કર, મધુ શર્મા અને વિરલ શાહ. તેમજ કો પ્રોડ્યૂસર્સ છે – મુરલીધર છટવાની, ચંદ્રેશ ભાનુશાલી, સુચિન આહલુવાલિયા અને માસુમેહ માખીજા .
ફિલ્મને રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અને સફળ ફિલ્મ દિગ્દર્શક વિરલ શાહએ દિગ્દર્શન આપ્યું છે, જ્યારે કહાની રામ મોરી અને હાર્દિક સાંગાણી દ્વારા લખવામાં આવી છે. મહારાણી એ એક એવી ફિલ્મ છે જે આધુનિક સ્ત્રી અને તેની ઘરકામ માટેની કામવાળી વચ્ચેના સૂક્ષ્મ પણ ખાસ સંબંધને હળવા હાસ્ય અને ડ્રામા સાથે રજૂ કરે છે.
ફિલ્મના મુખ્ય કલાકારોમાં માનસી પરેખ, શ્રદ્ધા ડાંગર, ઓજસ રાવલ અને સંજય ગોરાડિયા સહિત ઘણા પ્રતિભાશાળી કલાકારો છે. દરેક કલાકારોનું કોમિક ટાઈમિંગ ખૂબ જ સટીક હોવાથી દર્શકોને ટ્રેલર ખૂબ જ ગમી રહ્યું છે.
કામેડી, ભાવનાત્મકતા અને સામાજિક સંદેશનું અદભુત મિશ્રણ ધરાવતી મહારાણી ગુજરાતી સિનેમાને તાજગી આપતી ફિલ્મ બનશે એવી અપેક્ષા લોકોમાં જોવા મળી રહી છે અને એટલે જ ફિલ્મ માટેની આતુરતા વધી રહી છે.

રાજહંસ સિનેમાએ દિવ્યાંગ બાળકો માટે “સિતારે જમીન પર” ફિલ્મના સ્પેશિયલ સ્ક્રીનીંગનું આયોજન કર્યું
રાજહંસ સિનેમા-ગ્રુપની આ પહેલના સૌ કોઈએ ખૂબ જ વખાણ કર્યા હતા અને સમાજમાં સહિયારા પ્રયાસ વડે ખુશી અને આશાનું અજવાળું ફેલાવવાના તેમના આયોજને દિવ્યાંગ બાળકો સહિત બધા ફેન્સના દિલ જીતી લીધા હતા
સુરત : રાજહંસ સિનેમાએ શહેરના દિવ્યાંગ બાળકો માટે “સિતારે જમીન પર” ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનીંગ આયોજીત કરીને માનવતા અને કરુણાનો હૃદયસ્પર્શી ઉમદા સંદેશો આપ્યો હતો. આ કાર્યક્રમ રાજહંસ સિનેમા, વેસુ અને રાજહંસ સિનેમા, કતારગામ, સુરત ખાતે યોજાયો હતો. આ યાદગાર અનુભવનો ભાગ બનવા માટે આનંદ સ્પેશિયલ સ્કૂલ ફોર એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ અને દીપ સ્પેશિયલ એજ્યુકેશનલ ટ્રસ્ટના બાળકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, રાજહંસ સિનેમા-ગ્રુપ, સમાજના દરેક તબક્કાના લોકોની સહભાગીતા અને મનોરંજન સ્ક્રીનની આગળ વધીને આનંદ-ઉલ્લાસ ફેલાવવા માટે પ્રતિબદ્ધ છે. તેના ભાગરૂપે યોજાયેલી, આ પહેલ બધાને સામેલ કરવાની વૃત્તિને પ્રોત્સાહન આપવા અને તમામ લોકો માટે અર્થપૂર્ણ, આનંદદાયક અનુભવો બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.
અહીં કાર્યક્રમ દરમિયાન, હાસ્ય અને પ્રેરણાથી ભરેલા વાતાવરણ સાથે, ખરેખર બાળકોએ સિનેમાના જાદુનો અદ્ભુત અને યાદગાર અનુભવ કર્યો હતો. ઓડિટોરિયમ ખાસ કરીને તેમના આરામ અને સરળતા માટે ગોઠવવામાં આવ્યું હતું, જેમાં સ્વયંસેવકો અને સ્ટાફના સભ્યોએ દરેક બાળકના સ્વાગત અને દેખરેખની પૂરી કાળજી લીધી હતી.
આ પ્રસંગે, રાજહંસ સિનેમાના ચેરમેન જયેશ દેસાઈએ જણાવ્યું હતું કે, “અમારું માનવું છે કે, સિનેમામાં એકજૂટ કરવાની, વ્યક્તિને દુખ-દર્દમાથી બહાર લાવવાની અને પ્રેરણા આપવાની શક્તિ છે. આ સ્પેશિયલ સ્ક્રીનીંગનું આયોજન, એ વાસ્તવમાં સહિયારા અનુભવો બનાવવા તરફ એક નાનું પગલું છે, જે દરેક હૃદયમાં સ્મિત અને આનંદ લાવે છે.”
ફિલ્મના સ્ક્રીનીંગમાં બાળકો સાથે આવેલા માતા-પિતા, શિક્ષકો અને તેમની સંભાળ રાખનાર વ્યક્તિઓ દ્વારા આ પહેલની ખૂબ જ પ્રશંસા કરવામાં આવી હતી. અનેક લોકોએ સિનેમાને બધા માટે સુલભ બનાવવા માટે કરવામાં આવેલા આ વિચારશીલ ઉમદા પ્રયાસ બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
આ ખાસ સ્ક્રીનિંગના આયોજન સાથે, રાજહંસ સિનેમાએ ફરી એકવાર માત્ર એક મુખ્ય મનોરંજન સ્થળ તરીકે જ નહીં, પરંતુ સહાનુભૂતિ, સર્વગ્રાહી અને સામાજિક જવાબદારી માટે જાણીતી બ્રાન્ડ તરીકે તેની ભૂમિકા સ્પષ્ટ કરી હતી.

હું ઈકબાલ”ના મેકર્સ લઈને આવી રહ્યાં છે સાઈકોલોજિકલ થ્રિલર ફિલ્મ “ભ્રમ”, સ્ટારકાસ્ટ બની સુરતની મહેમાન
• ફિલ્મમાં મિત્ર ગઢવી, સોનાલી લેલે દેસાઈ, અભિનય બેંકર અને નિશ્મા સોની જેવાં અવ્વલ કક્ષાના કલાકારો મુખ્ય ભૂમિકામાં
• ફિલ્મનું ટાઇટલ સોન્ગ “તારી હકીકત” દર્શકોને ખૂબ જ પસંદ પડી રહ્યું છે.
સુરત : મર્ડર મિસ્ટ્રી દર્શાવતી સાઈકોલોજિકલ અને સસ્પેન્સ થ્રિલર ફિલ્મ “ભ્રમ” 23મી મે, 2025થી સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. “હું ઈકબાલ” ફિલ્મના મેકર્સ દ્વારા “ભ્રમ” ફિલ્મ રજૂ કરવામાં આવી છે, જે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા ડાયરેક્ટર પલ્લવ પરીખ દ્વારા નિર્દેશિત તથા લેખિત છે. ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઈતિહાસમાં આ ફિલ્મ એક ગેમચેન્જર સાબિત થશે તે તો નક્કી જ છે. આ સાઈકોલોજિકલ થ્રિલર ફિલ્મની સ્ટારકાસ્ટ મિત્ર ગઢવી, સોનાલી લેલે દેસાઈ, અભિનય બેંકર અને નિશ્મા સોની સુરતની મુલાકાતે આવ્યા હતા અને ફિલ્મ અંગે મજાની વાતો શેર કરી હતી.
ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું ત્યારથી જ ફિલ્મે ઉમંગભર્યો પ્રતિસાદ મેળવી લીધો છે અને દર્શકોમાં વધુ કુતૂહુલ સર્જાયું છે. ફિલ્મની સ્ટોરી લાઈનની વાત કરીએ તો માયા ( સોનાલી લેલે દેસાઈ), 42 વર્ષની એક મહિલા, ડિમેન્શિયા નામની બીમારીથી પીડાય છે, જેના કારણે તેને ભૂતકાળની ઘટનાઓ યાદ રહેતી નથી. પણ જયારે તે પોતાની જ દીકરી શ્રદ્ધા (નિશ્મા સોની) ની હત્યાની સાક્ષી બને છે, ત્યારે તેનું જીવન ઉથલપાથલ થઈ જાય છે. સમય માયા સામે કડકાઈથી ઊભો છે. માયાને તેની તૂટી ગયેલી યાદગિરીઓ ફરી સંકલિત કરી સત્ય શોધવુંજ પડશે… એ પહેલાં કે હત્યારો ગુમ થઈ જાય. ફિલ્મમાં મિત્ર ગઢવી માયાના કેરટેકર મેહુલની ભૂમિકામાં છે અને અભિનય બેંકર પોલીસમેનની ભૂમિકામાં જોવા મળશે કે જેઓ આ મર્ડર મિસ્ટ્રી ઈન્વેસ્ટિગેશન કરી રહ્યાં છે. આખરે માયાની દિકરી શ્રદ્ધાનું મર્ડર થયું છે કે નહિ અને થયું છે તો કોણે કર્યું છે એ તો ફિલ્મ જોયા બાદ જ ખબર પડશે.
ગુજરાતી સિનેમામાં આ પ્રકારની થ્રિલર ફિલ્મ હજી સુધી આવી નથી. પરંતુ આ ફિલ્મ એક બેન્ચમાર્ક સેટ કરશે. “હું ઇકબાલ” ફિલ્મના નિર્માતા સિટીશોર.ટીવી દ્વારા જ આ ફિલ્મ પ્રોડ્યુસ કરાઈ છે. ફિલ્મનું તાજેતરમાં જ લોન્ચ કરાયેલ ટાઇટલ સોન્ગ “તારી હકીકત” દર્શકોને ખૂબ જ પસંદ પડી રહ્યું છે.

ફિલ્મના ડિરેક્ટર અને રાઇટર પલ્લવ પરીખ જણાવે છે કે,”મોટા ભાગના લોકો સસ્પેન્સ થ્રિલર અને મર્ડર મિસ્ટ્રી દર્શાવતી સિરીઝ જોવે છે તો ફિલ્મ કેમ નહિ? અને એમાં પણ આપણી ગુજરાતી ભાષામાં આ પ્રકારની ફિલ્મ જોવા મળે તો અચૂકપણે નિહાળવી જ જોઈએ. દર્શકોને છેક સુધી આ ફિલ્મ જકડી રાખશે તે વાતનો મને સંપૂર્ણપણે વિશ્વાસ છે.
તાજેતરમાં જ સલમાન ખાન સાથે “સિકંદર” ફિલ્મમાં મહત્વની ભૂમિકા ભજવેલ અનુભવી અભિનેતા મિત્ર ગઢવી જણાવે છે કે , “‘ભ્રમ’ જેવી સાઇકલોજિકલ થ્રિલર ફિલ્મ કરવી મારા માટે એક નવી ચેલેન્જ હતી. મેં અત્યાર સુધી ઘણા વિવિધ પાત્રો ભજવ્યા છે, પણ આ ફિલ્મમાં મેહુલનું પાત્ર નિભાવવું એ કંઈક અલગ જ અનુભવ હતો. આ ફિલ્મ દર્શકોને દરેક પળે સવાલ કરાવશે – શું સત્ય છે અને શું ભ્રમ?”
વર્સેટાઈલ અભિનેત્રી સોનાલી લેલે દેસાઈ જણાવે છે કે, “આ ફિલ્મમાં માયાનું પાત્ર નિભાવવું ખૂબ જ વિશેષ અનુભવ રહ્યો. એક એવી સ્ત્રી જે ડિમેન્શિયા જેવી બીમારીથી જૂઝે છે અને છતાં પોતાનું સત્ય શોધવા લડે છે – એવું પાત્ર ભજવવું એ લાગણીસભર અને ચેલેન્જિંગ હતું. આ ફિલ્મ દર્શકોને એક અલગ જ રીતે સ્પર્શશે.”
અભિનય બેંકર જણાવે છે કે, “દર્શકોને આ ફિલ્મ થકી સસ્પેન્સ થ્રિલરનો યાદગાર અનુભવ મળશે. આ મર્ડર મિસ્ટ્રીમાં કામ કરવું એ મારા માટે ગર્વની વાત છે અને આ ફિલ્મમાં કામ કરવાનો એક અનોખો અનુભવ રહ્યો. આ ફિલ્મ એક પળ પણ આંખ પરથી ઊતારવા ન દે તેવી છે.”
નિશ્મા સોની જણાવે છે કે, “ફિલ્મમાં મારું પાત્ર શ્રદ્ધાનું છે અને આખી સ્ટોરી શ્રદ્ધાના મર્ડરની આસપાસ ફરે છે. ફિલ્મની ટીમ ખૂબ અનુભવી છે અને આ ફિલ્મમાં કામ કરવું એ મારા માટે ચેલેન્જિંગ હતું અને સાથે મજા પણ ખૂબ આવી.”
ફિલ્મની સ્ટોરી તો યુનિક છે પરંતુ નિર્માતાઓની ફિલ્મનો પ્રચાર કરવાની રીત પણ અલગ છે. ગુજરાતી સિનેમાના ઇતિહાસમાં પ્રથમવાર કોઈ ફિલ્મ માટે ઇન્સ્ટાગ્રામ ગેમ લોન્ચ કરાઈ હતી, જેણે દર્શકોમાં સારો એવો બઝ ક્રિએટ કર્યો.
‘ભ્રમ’ એ માત્ર ફિલ્મ નહીં પણ એક અનુભવ છે. એક એવી ફિલ્મ જે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે નવો માઇલસ્ટોન સાબિત થઈ શકે છે.

સિને પ્રેમીઓને નવા સિનેમેટિક્સ એક્સપિરિયન્સ આપવા તૈયાર છે લૂપ સિનેમા
શહેરના પ્રાઈમ લોકેશન પર આઠ સ્ક્રીન સાથેનું આ મલ્ટિપ્લેક્સ એક સિનેમા ઘર જ નહીં પણ રીફ્રેશ થવા માટેની એક અનોખી જગ્યા સાબિત થશે
સુરત. શહેરની સિનેમાં પ્રેમી જનતા માટે હવે ફિલ્મ નિહાળવાની સાથે રીફ્રેશ થવા માટેની વધુ એક જગ્યા ઉમેરાઈ છે અને તે છે લૂપ સિનેમા. શહેરના પ્રાઈમ લોકેશન પર શરૂ થઈ રહેલું આઠ સ્ક્રીન સાથેનું આ મલ્ટિપ્લેક્સ નવા જ સિનેમેટિક્સ નો અનુભવ કરાવશે.

આ અંગે લૂપ સિનેમાના અંશુલ ખુરાના અને અંકિતા ખુરાનાએ જણાવ્યું હતું કે શહેરમાં ઘણા બધા મલ્ટિપ્લેક્સ છે પણ લૂપ સિનેમા એ એક નવો અનુભવ સિનેમા પ્રેમીઓને આપશે. આધુનિક ટેક્નોલોજી સાથેની આઠ સ્ક્રીન પર ફિલ્મ જોવાનો એક નવો જ અનુભવ મેળવી શકાશે. અહીં ડોલ્બી સ્પીકર સાથે ડોલ્બી સાઉન્ડ એ સાઉન્ડ ક્લેરિટી ખાસ હશે. સાથે બે પ્રીમિયમ સ્ક્રીન હશે જ્યાં વાયરલેસ ચાર્જિંગ ની વ્યવસ્થા છે.

સાથે જ કોફી ઝોન અને હેલ્ધી ડેઝર્ટ પણ ઉપલબ્ધ હશે. એટુલ જ નહીં લાઇવ કિચન પણ અહીં ઉપલબ્ધ છે. સાથે જ થ્રી લેયર પાર્કિંગની સુવિધા છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે લૂપ સિનેમાની ટેગ લાઇન છે રિવ્યૂ, રીફ્રેશ અને રીપીટ એટલે કે આ જગ્યા માત્ર સિનેમા નિહાળવા માટેનું સ્થળ નહીં પણ એક રિફેશ માટેનું સ્થળ પુરવાર થશે એવી અમને ખાતરી છે.

16મી મે એ થઈ રહેલ ફિલ્મ “સરપ્રાઈઝ”ના પ્રમોશન અર્થે નિર્માતા સની દેસાઈ સહીત ફિલ્મની સ્ટારકાસ્ટ વત્સલ શેઠ, હેલી શાહ અને જ્હાન્વી ચૌહાણ બન્યા સુરતના મહેમાન
ગુજરાત, એપ્રિલ 2025 : અત્યારે ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે અને આ રમણીય વાતાવરણમાં એક સરસ મજાની ગુજરાતી ફિલ્મ “સરપ્રાઈઝ”ની સ્ટારકાસ્ટ વત્સલ શેઠ, હેલી શાહ અને જ્હાન્વી ચૌહાણ તથા નિર્માતા સની દેસાઈ આપણા શહેર સુરતના આંગણે આવ્યા હતાં. ગુજરાતી સિનેમામાં હવે વાર્તાઓમાં નવા જોનર અને નવા કન્ટેન્ટ એક્સપ્લોર થઈ રહ્યાં છે. કાંઈક નવા જ વિષય વસ્તુ સાથે સની દેસાઈ પ્રોડક્શન્સ અને રમાય એન્ટરટેઇનમેન્ટ લઈને આવ્યા છે ફિલ્મ “સરપ્રાઈઝ”. સચિન બ્રહ્મભટ્ટના નિર્દેશન હેઠળ બનેલ આ ફિલ્મ થકી પ્રખ્યાત અભિનેતા વત્સલ શેઠ ગુજરાતી સિનેમામાં ડેબ્યૂ કરી રહ્યાં છે. વત્સલ શેઠ સાથે ટેલિવિઝન જગતની મશહૂર અભિનેત્રી હેલી શાહ જોવા મળશે. તેમની સાથે જ જ્હાન્વી ચૌહાણ, ચિરાગ ભટ્ટ, અમિત ગલાની અને જય પંડ્યા પણ આ ફિલ્મમાં મહત્વની ભૂમિકાઓમાં નજરે પડશે.
સની દેસાઈ પ્રોડક્શન્સના સની દેસાઈ અને રમાય એન્ટરટેઇનમેન્ટના દેવર્ષી ત્રિવેદી દ્વારા પ્રોડ્યુસ કરાયેલ આ ફિલ્મ ક્રાઇમ, મિસ્ટ્રી અને થ્રિલર ફિલ્મ છે, જે 16મી મે, 2025ના રોજ રિલીઝ થઈ રહી છે. તાજેતરમાં જ ફિલ્મનું પોસ્ટર લોન્ચ કરાયું હતું અને તેની સાથે જ લોકોમાં આ ફિલ્મ જોવા અંગેની ઉત્સુકતા વધી ગઈ છે અને લોકો વત્સલ શેઠ અને હેલી શાહને આ ગુજરાતી ફિલ્મમાં જોવા માટે આતુર છે.

સુરતની મુલાકાત દરમિયાન વત્સલ શેઠે જણાવ્યું હતું કે, “હું હંમેશાથી ગુજરાતી ફિલ્મ કરવાનો ઇચ્છુક રહ્યો છું અને ‘સરપ્રાઈઝ’ એ મારા માટે પરફેક્ટ પ્રોજેક્ટ છે. આ ટીમ સાથે કામ કરીને હું ખૂબ જ ઉત્સાહિત છું.”
હેલી શાહ જણાવે છે કે, “આ ફિલ્મ સાથે જોડાવું એ મારા માટે એક ખાસ અનુભવ છે. ‘સરપ્રાઈઝ’ જેવી થ્રિલિંગ વાર્તાવાળી ફિલ્મનો ભાગ બનવું અને વત્સલ સાથે કામ કરવું એક સુંદર અનુભવ રહ્યો. ગુજરાતના દર્શકોનો પ્રેમ અને સપોર્ટ મેળવવાની અમને પૂરતી આશા છે.”
ફિલ્મની સ્ટોરી લાઈનની વાત કરીએ તો, સરપ્રાઈઝ બે આકર્ષક ચોરોના ગોવા ભાગી જવાની વાર્તા છે, જેમણે એક ધનિક વ્યક્તિને લૂંટી પોતાની લૂંટેલી સંપત્તિ સાથે અદૃશ્ય થવાનું નક્કી કર્યું છે. પરંતુ તેમની યોજના ખોરવાય જાય છે જયારે તેઓ એક અજાણ્યા વ્યક્તિનો સામનો કરે છે – અને પછી શરૂ થાય છે એક ઘાતક રમત, જેમાં છુપાયેલા છે અનેક રહસ્યો, જે ફિલ્મ જોયા બાદ જ ખબર પડશે.
ફિલ્મ “સરપ્રાઈઝ” રિલીઝ થઇ રહી છે, 16 મે, 2025ના રોજ સિનેમાઘરોમાં

“શસ્ત્ર” ફિલ્મની સ્ટારકાસ્ટ સુરતની મુલાકાતે – ૧લી મેના રોજ થશે ફિલ્મ રીલીઝ!
સુરત: ગુજરાતી સિનેમાને નવી દિશા આપતી થ્રિલર ફિલ્મ “શસ્ત્ર” ૧લી મે ૨૦૨૫, એટલે કે ગુજરાત સ્થાપના દિનના પાવન પ્રસંગે રિલીઝ થવાની છે. ફિલ્મનું ટેગલાઈન છે – “You will be hacked!”, જે દર્શકોમાં ઊંડું કૌતૂહલ જગાડી રહ્યું છે.
આ ફિલ્મ ડિજિટલ યુગમાં વધતા જઈ રહેલા સાઈબર ક્રાઇમ અને હેકિંગ જેવા ગંભીર અને પ્રાસંગિક વિષયને કેન્દ્રમાં રાખે છે. ટેક્નોલોજી જ્યાં જીવન સરળ બનાવે છે, ત્યાં જ તેનો ખતરાવાળો પાસો પણ વ્યક્ત કરવો જરૂરી છે – અને “શસ્ત્ર” એ જ સંદેશ આપે છે.
ફિલ્મના મુખ્ય કલાકારો ચેતન ધનાણી, પુજા જોષી, હેમિન ત્રિવેદી, શ્રેય મારડીયા અને પ્રિયલ ભટ્ટ દ્વારા તાજેતરમાં જ સુરતની મુલાકાત લેવાઈ હતી.. આ મુલાકાત દરમિયાન ફિલ્મના વિષય વિશે માહિતગાર કરવામાં આવ્યા તેમજ ટેક્નોલોજી અને સાયબર સિક્યુરિટીની અગત્યતા અંગે ચર્ચા પણ કરવામાં આવી.
શસ્ત્ર માત્ર એક ફિલ્મ નહીં, પણ એ આપણને આજના ડિજિટલ યુગમાં સતર્ક રહેવા માટેનો સંદેશ આપે છે.
ફિલ્મના દિગ્દર્શક છે કર્તવ્ય શાહ, લેખન કર્યુ છે ભાર્ગવ ત્રિવેદી અને નિર્માતાઓમાં છે અજય પટેલ, દિત જે પટેલ, અશોક પટેલ અને પિયુષ પટેલ. દિત જે પટેલનું ક્રિએટિવ દિગ્દર્શન ફિલ્મને આગવી ઓળખ આપે છે. સારેગામા ગુજરાતી મ્યુઝિક લેબલ દ્વારા સંગીત આપવામાં આવ્યું છે.

“શસ્ત્ર” એક થ્રિલર છે, એક ચેતવણી છે અને એક નવી દિશા તરફ ગુજરાતી સિનેમાની ઉત્સાહજનક આગળવાઢ છે. ખાસ કરીને યુવા પેઢી માટે આ ફિલ્મ એક મજબૂત સંદેશ લઈને આવી રહી છે.
તો તૈયાર રહો – કેમ કે “શસ્ત્ર” તમને હેક કરવા આવી રહી છે – ૧લી મે, ૨૦૨૫એ તમારી નજીકના સિનેમાઘરમાં!

આરોહી પટેલ અને ભવ્ય ગાંધી પોતાની ફિલ્મ “અજબ રાતની ગજબ વાત”ના પ્રમોશન અર્થે સુરતના મહેમાન બન્યા
• ફિલ્મમાં પ્રખ્યાત અભિનેતા ભવ્ય ગાંધી અને પ્રતિભાશાળી અભિનેત્રી આરોહી પટેલ પ્રથમવાર એકસાથે જોવા મળશે
• અમદાવાદના હેરિટેજ અને ટુરિઝમને હાઈલાઈટ કરી રહી છે ફિલ્મ
સુરત: ગુજરાતી ફિલ્મોનો વ્યાપ ઘણો વધી રહ્યો છે, અવનવા વિષયો પર ફિલ્મ બની રહી છે અને દર્શકો તેને પસંદ પણ કરી રહ્યાં છે. ડૉ. જયેશ પાવરા એ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જાણીતું નામ છે, જેઓએ અગાઉ ઘણી જૂદા- જૂદા વિષયો પર આધારિત ગુજરાતી ફિલ્મો પ્રોડ્યુસ કરી છે અને હવે તેઓ એક અનોખી ગુજરાતી ફિલ્મ “અજબ રાતની ગજબ વાત” લઈને આવી રહ્યા છે.15મી નવેમ્બરના રોજ રિલીઝ થઈ રહેલ આ ફિલ્મ રોમેન્ટિક, કોમેડી અને ડ્રામા ફિલ્મ છે. આ ફિલ્મમાં પ્રખ્યાત અભિનેતા ભવ્ય ગાંધી તથા પ્રતિભાશાળી અભિનેત્રી આરોહી પટેલ મુખ્ય ભૂમિકાઓમાં જોવા મળશે.ફિલ્મના પ્રોમોશન અર્થે ભવ્ય ગાંધી તથા આરોહી પટેલ તથા અભિનેતા દીપ વૈદ્ય ઉપરાંત દિર્ગ્દર્શક પ્રેમ ગઢવી અને કિલ્લોલ પરમાર સુરતની મુલાકાતે આવ્યા હતા અને ફિલ્મ અંગે ચર્ચા કરી હતી.આ ઉપરાંત સુરતમાં ફિલ્મનો ભવ્ય પ્રીમિયર શૉ પણ યોજાયો.
આ પહેલીવાર છે જ્યારે, ભવ્ય તથા આરોહી સ્ક્રીન શેર કરી રહ્યાં છે, જેઓ બંનેના ફેન ફોલોઈંગ્સ ઘણાં છે. ફિલ્મના ડિરેક્ટરની વાત કરીએ તો દિર્ગદર્શન પ્રેમ ગઢવી તથા કિલ્લોલ પરમાર દ્વારા કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે પ્રેમ ગઢવી આ ફિલ્મ થકી ડિરેક્ટર તરીકે ડેબ્યૂ કરી રહ્યા છે.
ભવ્ય ગાંધી તથા આરોહી પટેલ સિવાય આ ફિલ્મમાં યશ્વી મહેતા, દીપ વૈદ્ય, આરજે હર્ષ તથા આરજે રાધિકા પણ મુખ્ય ભૂમિકાઓમાં નજરે પડશે અને ફિલ્મની અન્ય કાસ્ટમાં નિસર્ગ ત્રિવેદી, મોરલી પટેલ, તથા ભરત ઠક્કરનો સમાવેશ થાય છે. ફિલ્મનું લેખનકાર્ય પ્રેમ ગઢવી, અદિતિ વર્મા તથા નિકિતા શાહ દ્વારા કરવામાં આવ્યું છે.

ફિલ્મ ભવ્ય ગાંધી, આરોહી પટેલ, દીપ વૈદ્ય, યશ્વી મહેતા, આરજે હર્ષ તથા આરજે રાધિકા આ તમામ લોકોની રોલર કોસ્ટર રાઇડ છે અને એક રાત્રિમાં માત્ર થોડા કલાકોમાં તેમના જીવનમાં કેવી રીતે બદલાવ આવે છે તે દર્શાવે છે. ભૂલથી થયેલી મુલાકાત મૂંઝવણ, હાસ્ય અને અણધાર્યા લાગણીઓથી ભરેલી રાત તરફ દોરી જાય છે. જેમ જેમ તેઓ આ અણધારી પરિસ્થિતિમાંથી પસાર થાય છે તેમ, વાર્તા સામાજિક ધોરણોને પડકારે છે, લિંગ સ્ટીરિયોટાઇપ્સને પ્રશ્ન કરે છે, અને સમકાલીન વિચાર પ્રક્રિયાઓને શોધે છે. મિસમેચ ગ્રુપની જર્ની પ્રેમ, મિત્રતા અને માનવીય જોડાણની જટિલતાઓને ઉઘાડી પાડે છે, જે આખરે હૃદયસ્પર્શી અને આશ્ચર્યજનક નિષ્કર્ષ તરફ દોરી જાય છે.
ડૉ. જયેશ પાવરા જણાવે છે કે, “એક પ્રોડ્યુસર તરીકે હંમેશા હું એ વિચારું છું કે દર્શકોને શું પસંદ પડશે અને તેમને કેવો કન્ટેન્ટ પસંદ આવશે, એ નક્કી કર્યા બાદ જ અમે ફિલ્મનું નિર્માણ શરૂ કરીયે છીએ. અમારી આ ફિલ્મમાં રોમાન્સ, કોમેડી , ડ્રામા બધું જ છે તેથી આ ફિલ્મ એક સંપૂર્ણ ફેમિલી એન્ટરટેઇન્મેન્ટ બની રહેશે. અમે ફિલ્મના નિર્માણમાં દરેક બાબતોનું ખૂબ ઝીણવટપૂર્વક ધ્યાન રાખ્યું છે. ફિલ્મની સમગ્ર ટીમ અદ્ભૂત છે. આ ફિલ્મ ગયા વર્ષે તૈયાર થઈ હતી અને હવે દર્શકોની આતુરતાનો અંત આવશે કારણકે નવેમ્બરમાં ફિલ્મ રિલીઝ થઈ રહી છે.”
ઉલ્લેખનીય છે કે ફિલ્મમાં અમદાવાદ હેરિટેજ અને ટુરિઝમને પણ હાઈલાઈટ કરવામાં આવ્યા છે. ફિલ્મ 15મી નવેમ્બરના રોજ રિલીઝ થઈ સૌ દર્શકમિત્રોને આકર્ષવા તૈયાર છે.