Posts by: Amit Patil
અર્ચના વિદ્યા સંકુલ દ્વારા સંસ્કૃતિના સંસ્કાર નું સિંચન ના ઉદ્દેશ્યથી પ્રોગ્રામો કરાયા
સુરત: અર્ચના વિદ્યા સંકુલ દ્વારા સાંસ્કૃતિક પ્રોગ્રામની ઉજવણી કરાઈ હતી. જેમાં ગણપતિ પૂજન, સરસ્વતી વંદના, દશાવતાર હોળી, નૃત્ય, લવ જેવી થીમમાં પરિવારીક સંબધોને આવરી લેવામાં આવ્યાં હતા. આર્મી ગીત સૌરાષ્ટ્ર ની રસઘાથા માં ગુજરાતના કવિઓના ગુણગાનની ભવ્ય રજૂઆત કરાઈ હતી. ગોંદલ, જોગવા, શિવા થીમ અને મહિષાસુર વધ જેવા નૃત્ય એ પ્રેક્ષકોના દિલ જીતી લીધા હતા. પ્રોગ્રામ નિહાળવા માટે આવેલ પ્રેક્ષકો અને વાલીઓ દરેક પાર્ટિસિપેટને પ્રોત્સાહન માટે તાળીઓના ગડગડાટથી વધારી લીધા હતા, અને અમુક પ્રોગ્રામોમાં વાલીઓ પણ ઝુમતા દેખાયા હતા.
સમગ્ર નૃત્યની કોરિયોગ્રફી સંસ્કૃતિ એકેડમીની ટીમના તેજસ યાદવ, ઈશિકા ભોંસલે, રોહિત બિરાડે, દેવરાજ દેવેન્દ્ર દ્વારા કરવામાં આવી હતી. પ્રોગ્રામને સફળ બનાવવા માટે શાળામાં શિક્ષકોથી લઈને તમામ સ્ટાફે જે ભારે જેહમત ઉઠાવી મેહનત કરી હતી, તે પ્રોગ્રામોમાં પરફેક્ટનેસ ને લઈ પણ દેખાઈ હતી અને કાર્યક્રમના અંતે તમામ શાળા પરિવારના સ્ટાફના ચહેરે છલકાતી ખુશી જોવા મળી હતી. અર્ચના વિદ્યા સંકુલ દ્વારા બાળકોમાં ભણતરની સાથે આવા પ્રોગ્રામો દ્વારા સમાજની અને સંસ્કૃતિની કેવી રીતે માહિતગાર કરવા તે પણ જોવા મળ્યું હતું.
સમગ્ર કાર્યક્રમો બાળકોમાં ભારતીય સંસ્કૃતિના સંસ્કારનું સિંચન થાય તેવા ઉદ્દેશ્યથી તમામ કૃતિઓની રજૂઆતો કરવામા આવી હતી.
રાજ્યના તમામ દૂધ સંઘો પૈકી સુરત-તાપી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ.-સુમુલ ડેરી દ્વારા કામરેજના નવી પારડી ખાતે સર્વપ્રથમ ઈનહાઉસ આઈસ્ક્રીમ પ્લાન્ટ
સુરત:ગુરૂવાર: સુરત-તાપી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ.-સુમુલ ડેરીના ઉપક્રમે કામરેજ તાલુકાના નવી પારડી ખાતે રૂ.૧૫૦ કરોડના ખર્ચે અમૂલના આઈસ્ક્રીમ પ્લાન્ટ વિસ્તૃતિકરણ અને આઈસ્ક્રીમ વેફલ કોન મેકિંગ પ્લાન્ટને સાંસદશ્રી સી.આર.પાટીલના હસ્તે ખૂલ્લો મૂકવામાં આવ્યો હતો, જેમાં નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈ, વિધાનસભાના અધ્યક્ષ અને બનાસડેરીના ચેરમેનશ્રી શંકરભાઈ ચૌધરી, સહકાર રાજ્યમંત્રીશ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, વન અને પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલ, આદિજાતિ વિકાસ રાજયમંત્રી કુંવરજીભાઈ હળપતિ, શિક્ષણ રાજ્ય મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયા તેમજ સાંસદ સાંસદશ્રી પ્રભુભાઈ વસાવા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. નોંધનીય છે કે, પ્રોડક્શન લિંકડ ઇન્સેન્ટીવ (પી.એલ.આઈ.) સ્કીમ અંતર્ગત કેન્દ્ર સરકારે સુમુલ ડેરીને આઈસ્ક્રીમ પ્લાન્ટ વિસ્તૃતિકરણ માટે રૂ.૨.૫૧ કરોડનું ઇન્સેન્ટીવ આપ્યું છે.
રાજ્યના તમામ દૂધ સંઘો પૈકી સુરત જિલ્લાના નવી પારડી ખાતે સર્વપ્રથમ ઈનહાઉસ આઈસ્ક્રીમ પ્લાન્ટના શુભારંભ પ્રસંગે સાંસદશ્રી સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, દેશના વિકાસ માટે ગ્રામ્ય વિસ્તારોનો વિકાસ જરૂરી છે, ગ્રામવિકાસ માટે પશુપાલન ઉદ્યોગ અને દૂધ ઉત્પાદન ખૂબ જ મહત્વપૂર્ણ છે. ડેરી ઉદ્યોગનાં વિકાસમાં સુમુલ ડેરીનો ફાળો ખૂબ મહત્વનો રહ્યો છે આ ક્ષેત્રે સુમુલ ડેરી સુરત જિલ્લાના પશુપાલકોના દૂધની ખરીદી કરી યોગ્ય કિંમત પૂરી પાડી તેમને આર્થિક સક્ષમ કરવાનું કાર્ય કરી રહી છે. સુમુલમાં રોજ ૨૭ લાખ લીટર દૂધ એકત્ર થાય છે, જેમાં ૮૦ ટકા દૂધ આદિવાસી વિસ્તારમાંથી આવે છે. આઈસ્ક્રીમ કોન મેંકિંગ પ્લાન્ટના કારણે થતા સ્થાનિક વિસ્તારના લોકો માટે રોજગારીની નવી તકો ઉભી થઈ છે. સુમુલ ડેરીના પારદર્શક વહીવટથી રાજ્યના દૂધ ઉત્પાદન અને સહકાર ક્ષેત્રે આગવી ઓળખ ઉભી થઈ છે, એટલું જ નહીં, રાજ્યના વિકાસમાં તેમજ પશુપાલકોની આર્થિક ઉન્નતિમાં સુમુલ ડેરી મહત્વનું યોગદાન આપી રહી છે.
સ્કૂલ યુનિફોર્મ, શૂઝ-મોજાં અને સ્કૂલ બેગનો મુદ્દો ફરીથી ઉછળ્યો..
ટેન્ડર પ્રક્રિયામાં શરતોની અવગણના કરવાના વિપક્ષના આક્ષેપને લઈને સામાન્ય સભામાં હોબાળો
જે એજન્સીઓને યોગ્ય કામગીરી નહીં કરતા અગાઉ નોટિસો આપવામાં આવી હતી અને વર્ક ઓર્ડર પણ રદ કરવામાં આવ્યો હોવા છતાં ફરીથી કામ સોંપવામાં આવ્યું
સ્કૂલ બેગનો કોન્ટ્રાક્ટ ચણા, લાડુ અને વેફર વેચતી કંપનીને આપવામાં આવ્યો : રાકેશ હિરપરા
ગણવેશથી લઈને શાળાના મેદાનની સફાઈ સુધીના કોન્ટ્રાક્ટમાં ટેન્ડરોની અવગણના કરવાના વિપક્ષના આક્ષેપોનો જવાબ આપતા શાસક પક્ષને પરસેવો છૂટી ગયો
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કચેરી ખાતે મળેલી સામાન્ય સભામાં ચેરમેન રાજેન્દ્ર કાપડિયાએ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સાઇકલ વિતરણ, શાળા ગણવેશ, બુટ – મોજાં અને સ્કુલ બેગ સહિતની રૂ.25 કરોડથી વધુની દરખાસ્તો મંજુરી માટે રજૂ કરી હતી. વિરોધ વચ્ચે બહુમતી સાથે તમામ ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા. જો કે આ દરમિયાન વિપક્ષ આમ આદમી પાર્ટીના સભ્ય રાકેશ હિરપરાએ અનેક મુદ્દે સવાલો ઉઠાવીને શાસક પક્ષને ઘેર્યો હતો. ખાસ કરીને શાસક પક્ષ પર વિવિધ કામોની ટેન્ડર પ્રક્રિયામાં શરતોની અવગણના કરવાનો આક્ષેપ કર્યો હતો. કેટલીક હકીકતો રજૂ કરતી વખતે ટેન્ડરના નિયમો અને શરતો મુજબના દસ્તાવેજો રજૂ કર્યા ન હોવા છતાં એજન્સીનું ટેન્ડર કેવી રીતે ખોલવામાં આવ્યું? જે એજન્સીને સંતોષકારક કામ ન કરવા બદલ નોટિસો આપવામાં આવી હતી અને વર્ક ઓર્ડર પણ રદ કરવામાં આવ્યો હતો તે જ એજન્સીને ફરીથી ટેન્ડર કેમ સોંપવામાં આવ્યા? વગેરે વેધક પ્રશ્નો ઉઠાવવામાં આવતા સભામાં હોબાળો મચી ગયો હતો. શાસક પક્ષના સભ્યોને આક્ષેપોનો બચાવ કરવામાં પરસેવો છૂટી ગયો હતો. શાસક પક્ષ તરફથી અધ્યક્ષ રાજેન્દ્ર કાપડિયા, સભ્યો યશોધર દેસાઈ, અનુરાગ કોઠારી, શુભમ ઉપાધ્યાય અને સંજય પાટીલે સ્પષ્ટતા કરી કે વિપક્ષના આક્ષેપો ખોટા હોવાનું જણાવ્યું હતું.
- જે એજન્સીને ગેરલાયક ઠેરવવામાં આવી હતી તેને કરોડોના ટેન્ડર સોંપાયું!
સામાન્ય સભામાં વિપક્ષી સભ્ય રાકેશ હિરપરાએ સત્તાધારી પક્ષ એજન્સીઓના હિતમાં કામ કરતો હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે કહ્યું કે જે કંપનીને સ્કૂલ બેગ માટે રૂ. 5.95 કરોડનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તેને અગાઉ શાસક પક્ષના સભ્ય દ્વારા ગેરલાયક ઠેરવવામાં આવી હોવાનું સામાન્ય સભામાં જણાવ્યું હતું અને તે સમયે માત્ર રૂ. 31 લાખનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. આમ છતાં આ જ એજન્સીને હવે કરોડો રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. હિરપરાએ એમ પણ જણાવ્યું હતું કે હેક્સાકોર્પ કંપની કે જેને સ્કૂલ બેગનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે ત્યારે અમે ઈન્ટરનેટના માધ્યમથી તે કંપની વિશે માહિતી એકઠી કરી ખબર પડી કે આ કંપની લાડુ, ચિક્કી, વેફર વગેરે બનાવે છે. તેવી જ રીતે શાળાઓમાં મેદાનોની સફાઈનો કોન્ટ્રાક્ટ સોંપવામાં આવેલ ગુરુજી નામની એજન્સીને ગત વર્ષે કામ યોગ્ય રીતે ન થવાના કારણે નોટિસ આપવામાં આવી હતી અને બાદમાં વર્ક ઓર્ડર રદ કરવામાં આવ્યો હતો. આમ છતાં ફરી એક જ એજન્સીને કોન્ટ્રાક્ટ સોંપવાથી અનેક સવાલો ઉભા થાય છે. આ ઉપરાંત કોન્ટ્રાક્ટ પર કામ કરતા કોમ્પ્યુટર ઓપરેટરોના આર્થિક શોષણનો મુદ્દો પણ તેમણે ઉઠાવ્યો હતો.
- વિદ્યાર્થીઓના હિતને બદલે એજન્સીઓ પર વિપક્ષનું વધુ ધ્યાનઃ શુભમ ઉપાધ્યાય
ખરીદ સમિતિના અધ્યક્ષ શુભમ ઉપાધ્યાયે વિપક્ષી સભ્ય રાકેશ હિરપરાને જવાબ આપ્યો હતો અને કહ્યું હતું કે વિપક્ષ દ્વારા સાયકલથી માંડીને ગણવેશ અને સ્કૂલ બેગ સુધીની દરેક વસ્તુની ખરીદી માટે ટેન્ડર પ્રક્રિયા પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. પણ સાચી હકીકત એ છે કે ગણવેશ માટેના ટેન્ડરમાં કોઈ ગેરરીતિ નથી થઈ. રિ-ટેન્ડરિંગ બાદ એલ-1 એજન્સીને ટેન્ડર આપવામાં આવ્યું છે. માહિતીના અભાવે વિપક્ષ પોતાની અજ્ઞાનતા બતાવી રહ્યો છે. વિપક્ષ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે વિપક્ષ વિદ્યાર્થીઓના કલ્યાણ વિશે વિચારવાને બદલે એજન્સીઓ પર વધુ ધ્યાન આપી રહ્યો છે. જ્યારે આ વખતે ભાજપે વિદ્યાર્થીઓના હિતમાં તમામ બાળકોને બે ગણવેશ, એક રમતગમતનો ગણવેશ અને સ્કૂલ બેગ આપવાનો નિર્ણય કર્યો છે ત્યારે વિપક્ષે તેની પ્રશંસા કરવી જોઈએ.
- ટેન્ડરના કામ સામે વિરોધ કરવાનો વિપક્ષનો સ્વભાવ બની ગયો છે : અનુરાગ કોઠારી
ટેન્ડરીંગ પ્રક્રિયા પર પ્રશ્નો ઉઠાવનાર વિપક્ષના જવાબમાં સભ્ય અનુરાગ કોઠારીએ જણાવ્યું હતું કે વિપક્ષને ટેન્ડર પ્રક્રિયાની કોઈ જાણકારી નથી. પહેલા તેઓએ આ વિશે માહિતી એકઠી કરવી જોઈએ. વિદ્યાર્થીઓને સ્કુલ બેગ અને સાયકલ આપવાનો નિર્ણય વિદ્યાર્થીઓના હિતમાં હોવા છતાં વિપક્ષ માત્ર વિરોધ જ કરી રહ્યો છે. ખાસ કરીને જ્યારે પણ કામનું ટેન્ડર આવે ત્યારે વિરોધ કરવાની વિપક્ષની આદત બની ગઈ છે. અને આ ટેન્ડરો કોને આપવામાં આવે છે અને કેમ આપવામાં આવે છે ફક્ત તેનામાં જ ઇન્ટરેસ્ટ દેખાતો હોય છે.