પ્રથમ બેચમાં 92 વિદ્યાર્થીઓ આ સ્કોલરશીપ હેઠળ સંપૂર્ણ મફત શિક્ષણ લઈ રહ્યા છે અને દર વર્ષે નવી શરૂ થયેલ સ્કોલરશીપ હેઠળ બોત્સવાનાાના 30 વિદ્યાર્થીઓને પણ આ યોજનામાં સામેલ કરવામાં આવશે , એટલે કે આ વર્ષે 120 વિદ્યાર્થીઓને આ સ્કોલરશીપ મળશે
સુરત: કેપી ગ્રુપની પરોપકારી સંસ્થા કેપી હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા પીપી સવાણી યુનિવર્સિટીના સહયોગથી ઉર્જાનૂર સ્કોલરશીપ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે, જેનો હેતુ રિન્યુએબલ એનર્જી અને સંબંધિત ક્ષેત્રોમાં અભ્યાસ કરતા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સહાય કરવાનો છે.
આ પહેલ 24 માર્ચે કેપી ગ્રુપના સ્થાપક, ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ડૉ. ફારુક જી. પટેલના 55મા જન્મદિવસે શરૂ કરવામાં આવી હતી. આ યોજના અંતર્ગત બી.ટેક અને ડિપ્લોમા એન્જિનિયરિંગ કોર્સમાં અભ્યાસ કરતા યોગ્ય વિદ્યાર્થીઓને ટ્યુશન ફી, હોસ્ટેલ, ભોજન અને પરિવહન સહિત સંપૂર્ણ મફત શિક્ષણ આપવામાં આવશે.
આ સ્કોલરશીપનો હેતુ ક્લીન એનર્જી ક્ષેત્ર માટે કુશળ માનવશક્તિ તૈયાર કરવાનો છે અને સાથે આર્થિક રીતે પછાત વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ ઉપલબ્ધ કરાવવાનો છે. હાલમાં 92 વિદ્યાર્થીઓ આ યોજના હેઠળ લાભ લઈ રહ્યા છે અને આવનારા વર્ષોમાં આનો વિસ્તાર કરવાની યોજના છે. આ સાથે બોત્સવાનામાં કેપી ગ્રુપ દ્વારા 4 અબજ ડોલરનું રોકાણ કરાય રહ્યું છે, ત્યાંથી નવી શરૂ થયેલ સ્કોલરશીપ હેઠળ દર વર્ષે 30 વિદ્યાર્થીઓને આ યોજનામાં સામેલ કરવામાં આવશે. આ વર્ષે કુલ 120 વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળશે, જેમાંથી 30 વિદ્યાર્થીઓ બોત્સ્વાનાના રહેશે
આ અંગે કેપી ગ્રુપના સીએમડી ડૉ. ફારુક જી. પટેલે જણાવ્યું:
“અમારો હેતુ હંમેશાં એવા યુવાનોને સહાય કરવાનો રહ્યો છે જેનામાં આગળ વધવાની ક્ષમતા છે પરંતુ યોગ્ય પરિસ્થિતિઓનો અભાવ છે. કેપી હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા અમે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને તેમના સપનાઓ સાકાર કરવા માટે સક્ષમ બનાવીએ છીએ. અમારો હેતુ માત્ર શિક્ષણ માટે ફંડ આપવાનો નથી, પરંતુ તેમની પ્રતિભા અને કૌશલ્યને વિકસાવી ભારત માટે મજબૂત રિન્યુએબલ એનર્જી વર્કફોર્સ તૈયાર કરવાનો છે.”
