અમદાવાદ. આજ રોજ અમદાવાદના નવા મેયર તરીકે કિરીટ પરમારની વરણી થઈ છે, જ્યારે ગીતા પટેલ ડેપ્યુટી મેયર બન્યાં છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનપદે હિતેષ બારોટ અને ભાસ્કર ભટ્ટ મનપા ભાજપનેતા બન્યાં છે. ત્યારે સૌથી વિશેષ બાબત એ છે કે નવ નિયુક્ત મેયર એકદમ સામાન્ય અને ગરીબ છે અને ચાલીના એક છપરા વાળા રૂમમાં રહે છે. આવા કોર્પોરેટરને સ્થાન આપીને ભાજપે એક મેસેજ આપવાનો પ્રયાસ કર્યો છે કે ગરીબ પરિવારમાંથી આવતી વ્યક્તિ પણ શહેરનું સર્વોચ્ચ સ્થાન પામી શકે છે. સંઘના સ્વયં સેવક એવા કિરીટ પરમાર કુંવારા છે. તેઓ મેયર બંગલોમાં રહેવા ન જવાના હોવાથી એક રૂમના મકાનમાંથી અમદાવાદનો વહીવટ કરશે.
ભાજપે સામાન્ય માણસ પણ કોર્પોરેટર બની શકે છે એવો એક મેસેજ આપ્યો છે. ત્યારે શહેરના નવા મેયર વિશે પણ લોકોને જાણવાની જિજ્ઞાશા હોય છે. આ વખતે અમદાવાદના મેયર કોઈ પોશ વિસ્તારમાંથી નહીં, પણ સામાન્ય વિસ્તારની એક ચાલીમાં રહેતો સામાન્ય માણસ છે. શહેરના બાપુનગર વિસ્તારમાં સ્થિત સ્લમ ક્વાર્ટર પાછળ હીરાભગતની ચાલી ભાગ્યે જ કોઈએ જોઈ હશે. આ ચાલીના છાપરાંવાળા મકાનમાં શહેરના નવા નગરપતિ રહે છે.
કિરીટભાઈ રોજ સવારે નિયમિતપણે RSSની શાખામાં જાય છે. તેઓ છેલ્લી બે ટર્મથી કોર્પોરેટર છે. કોર્પોરેટર બન્યા બાદ સૌકોઈની લાઈફસ્ટાઈલ બદલાઈ જાય છે, પરંતુ કિરીટ પરમાર આજે પણ છાપરાંવાળા ઘરમાં રહે છે. આ ઘરમાં કોઈ સોફા કે રાચરચીલું નથી, પરંતુ માત્ર જીવનજરૂરિયાત સિવાયની કોઈ વસ્તુ નથી. આ મકાનમાં તેઓ એકલા જ રહે છે. કિરીટભાઈને સ્પોર્ટ્સનો પણ શોખ છે. મ્યુનિસિપાલિટી તરફથી તેમને વાર્ષિક રમતોત્સવમાં શ્રેષ્ઠ બોલરનું ઈનામ પણ આપવામા આવ્યું છે. તે ઉપરાંત તેઓ ગણેશોત્સવ જેવા ધાર્મિક કાર્યોમાં પણ આયોજક રહી ચુક્યા છે અને તેમનું સન્માન પણ કરવામાં આવ્યું છે.
મેયર બનનાર કિરીટ પરમારે કહ્યું હતું કે હું પક્ષનો આભારી છું. સામાન્ય પરિવાર અને ચાલીમાં જન્મ લઈને કોર્પોરેશનની સ્કૂલમાં ભણનાર, નાના પરિવારમાંથી આવનાર માણસને શહેરની પ્રતિષ્ઠિત પોસ્ટ પર બેસાડવા માટે હું ભાજપનો આભારી છું. હું ત્રણ વોર્ડમાંથી ઈલેક્શન લડ્યો છું. ત્રણેયમાંથી જીતીને આવ્યો છું. અહીંની ભૌગોલિક સ્થિતિથી હું વાકેફ છુ. કોર્પોરેશનના વિકાસનાં કામ ચાલી રહ્યાં છે, તેથી નાના માણસો સુધી પહોંચી શકીશ. ડેપ્યુટી મેયર બનનાર ગીતા પટેલે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે મને પાર્ટીનો જે આદેશ હશે એ મુજબ શહેરનું સારી રીતે કામ કરીશ. નિષ્ઠાથી કામ કરીશ.