Tag: Mandvi Taluka

Anjuben Chowdhury, a tribal woman farmer from St. 9, left chemical farming and adopted the path of cow-based natural farming.
માંડવી તાલુકાના વાંકલા ગામના પ્રગતિશીલ આદિવાસી મહિલા ખેડૂતે ઓછા ખર્ચે થતી પ્રાકૃતિક ખેતીમાં મેળવી સફળતા

 

અંજુબેન ૧.૫૦ વીઘા જમીનમાં ટીંડોરાની શાકભાજીના પાકનું નજીવા ખર્ચે વાવેતર કરી મહિને રૂ.૩૦ હજારની આવક મેળવી રહ્યા છે

આદિવાસી મહિલા ખેડૂતને જિલ્લા પ્રાયોજના વહીવટદારની કચેરી દ્વારા વેલાવાળા શાકભાજી માટે મંડપ બનાવવા સાધન સહાય યોજનાનો લાભ પ્રાપ્ત થયો

ગાયના છાણ આધારિત પ્રાકૃતિક ખેતીથી સારું ઉત્પાદન અને આર્થિક ઉપાર્જન મળે છેઃ મહિલા ખેડૂત અંજુબહેન ચૌધરી

સુરતઃમંગળવારઃ આજે દરેક ક્ષેત્રે મહિલાઓ પુરૂષ સમોવડી બની રહી છે. જોકે ખેતી એક એવો વ્યવસાય છે કે જેમાં મહિલાઓ પોતાના ભાઈ, પિતા કે પતિને મદદરૂપ બનતી હોય છે. પણ જાતે ખેતી અને તેમાં પણ પ્રાકૃતિક ખેતી કરતી મહિલાઓ આંગળીના વેઢે ગણાય એટલી હશે, ત્યારે સુરત જિલ્લાના માંડવી તાલુકાના વાંકલા ગામના અંજુબેન નરેશભાઇ ચૌધરી આવી જ એક આદિવાસી મહિલા ખેડૂત છે, જે છેલ્લા ચાર વર્ષથી ગાયના છાણના ખાતર આધારિત પ્રાકૃતિક ખેતી કરી સારૂ ખેત ઉત્પાદન અને આર્થિક ઉપાર્જન મેળવી રહ્યા છે. તેમણે આ વર્ષે ૧.૫૦ વીઘા જમીનમાં નજીવા ખર્ચે શાકભાજી ટીંડોરાનું વાવેતર કરી મહિને રૂ.30 હજારની આવક રળી રહ્યા છે.
વાંકલા ગામના ટેકરી ફળિયામાં રહેતા આદિવાસી મહિલા ખેડૂત અંજુબેન નરેશભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે,”પહેલાં અમે પરંપરાગત ખેતી કરતા હતા, પણ જ્યારથી મેં ખેતીમાં રસ લેવાનું શરૂ કર્યું, ત્યારથી પ્રાકૃતિક ખેતીમાં આકર્ષણ વધ્યું. પ્રાકૃતિક ખેતીની પ્રક્રિયા સમજી અને અભ્યાસ કર્યો, ત્યારબાદ વેલાવાળા શાકભાજીનું વાવેતર કર્યું. જેમાં સારૂ ઉત્પાદન મળ્યું. પ્રાકૃતિક ખેતીના કારણે પાકમાં કોઈ રોગ આવ્યો ન હતો. જેથી ઉત્સાહ પણ વધ્યો. બીજા વર્ષે પણ વેલાવાળા શાકભાજી ઉગાડ્યા. હાલમાં ૧.૫૦ વીઘા જમીનમાં નજીવા ખર્ચે ટીંડોરા, રીંગણના પાકનું વાવેતર કર્યું છે, જેનાથી વાર્ષિક રૂ.૩.૬૦ લાખની આવક પ્રાપ્ત થઇ રહી છે. જેનાથી ઘરપરિવારનું ગુજરાન સરળતાથી કરી રહી છું. આવકનો એક ભાગ મારા ખેતરમાં પ્રાકૃતિક ખેતીને વધુ કાર્યક્ષમ બનાવવા પર પણ કરૂ છું.
ધો.૯ પાસ એવા શિક્ષિત અને કોઠાસૂઝ ધરાવતા અંજુબેને વધુમાં જણાવ્યું હતું કે, પ્રાકૃતિક એટલે મૂળ પ્રાકૃતિક ખેતી જ કરવી એવું પ્રારંભથી જ નિશ્ચિત કર્યું હતું. ખેતરમાં જાતે કામ કરવાનું, જીવામૃત, ઘન જીવામૃત, પ્રાકૃતિક દવા અને ખાતર જાતે જ તૈયાર કરવાનું. ઘરે ગાયના છાણમાંથી ખાતર બનાવીએ અને ખેતીમાં ઉપયોગ કરીએ છીએ. હવે ધીમે ધીમે ખેતીની જમીન પણ વધારીએ છીએ. પ્રાકૃતિક કૃષિમાં થોડી વધુ મહેનત જોઈએ, બાકી ઉત્પાદન ખર્ચ તો નહિવત હોય છે. આ ખેતીના કારણે મહત્તમ અને બમણું ઉત્પાદન મળે છે, બમણી આવક થાય છે. ભાવ પણ વધારે મળે છે, જેથી નુકશાન જતું નથી. પર્યાવરણ અને માનવીય સ્વાસ્થ્યને રક્ષણ મળે છે, તેમજ પાણીની પણ બચત થાય છે. આ ઉપરાંત, જમીનની ભેજ સંગ્રહશક્તિ પણ વધે છે. જેથી જમીન બંજર થતી નથી. પ્રત્યેક વર્ષમાં સારો પાક મેળવી શકાય છે.
આદિવાસી મહિલાઓ માટે પ્રેરણારૂપ અંજુબેન કહે છે કે, પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદિત થયેલ શાકભાજી બજારમાં વેચવા જવાની પણ જરૂર પડતી નથી. સગાસંબંધી અને આસપાસના લોકો આ પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદિત વસ્તુઓ મારી પાસે ખરીદી જાય છે.
સરકાર દ્વારા મળેલી આર્થિક સહાય વિશે વાત કરતા તેઓ કહે છે કે, રાજ્ય સરકારની ખેડૂતલક્ષી વિવિધ યોજનાઓ થકી અમારા જેવા છેવાડાના ખેડૂતો આર્થિક રીતે પગભર બન્યા છે. વેલાવાળા શાકભાજી માટે મંડપ બનાવવા જિલ્લા પ્રાયોજના વહીવટદારની કચેરી દ્વારા સાધન સહાય યોજનાનો લાભ પ્રાપ્ત થયો છે. આ મદદ ખૂબ ઉપયોગી બની છે.
પ્રાકૃતિક ખેતી અપનાવી ખુશહાલ આદિવાસી મહિલા ખેડૂત અંજુબેન ચૌધરી પોતાના વિસ્તારના તેમજ રાજ્યના પ્રાકૃતિક ખેતીમાં રસ ધરાવતા અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણારૂપ બન્યા છે.
. . . . . . . . . . . . . . .
(ખાસ લેખ: મેહુલ વાંઝવાલા)

A general assembly meeting of the Taluka Panchayat was held at Mandvi Taluka Panchayat under the chairmanship of Minister of State for Tribals Kunvarjibhai Halapati.
આદિજાતિ રાજ્યમંત્રી કુંવરજીભાઇ હળપતિની અધ્યક્ષતામાં માંડવી તાલુકા પંચાયત ખાતે તાલુકા પંચાયતની સામાન્ય સભાની બેઠક યોજાઈ

 

Mandvi Taluka: આદિજાતિ રાજ્ય મંત્રીશ્રી કુંવરજીભાઈ (Minister Shri Kunwarjibhai) હળપતિની અધ્યક્ષતામાં માંડવી Mandvi તાલુકા પંચાયત ખાતે તા.પંચાયતની સામાન્ય સભાની બેઠક યોજાઈ હતી. જેમાં કરોબારી સમિતિની કાર્યવાહીની નોંધ, કરોબારી સભામાં લીધેલા નિર્ણય ઉપર લેવામાં આવેલા પગલાના અમલીકરણ, ડિસેમ્બર-૨૦૨૩થી મે-૨૦૨૪ સુધીનાં હિસાબો, મંજુર થયેલા કામો સને-૨૦૨૪-૨૦૨૫માં કરવા બાબત, વિકસિત ભારત સંકલ્પ યાત્રા અને મેરી માટી મેરા દેશ અભિયાનના ખર્ચ, પશુ મૃત્યુ/ઝુપડા સહાય બિલ સ્વભંડોળમાંથી ખર્ચ કરવા સહિતની કામગીરી સંદર્ભે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
બેઠકમાં રોડ-રસ્તા, બાંધકામ, પીવાનું પાણી, ગટર લાઈન, સી.સી રોડ, ડામર રોડ, પેવર બ્લોક, સ્ટ્રીટ લાઈટ, તાલુકા પંચાયતમાં સોલાર પ્લાન્ટ જેવા માળખાગત વિકાસના કાર્યોના આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ મંત્રીશ્રીએ વિવિધ અધિકારી, કર્મચારીઓને પ્રગતિ હેઠળના કામો સમયમર્યાદામાં પૂર્ણ કરવા તેમજ તાલુકામાં બાકી રહેતી વિકાસકીય કામગીરી ઝડપથી પૂર્ણ કરવા અનુરોધ કર્યો હતો. તેમણે તમામ કામો ગુણવત્તાસભર થાય તેની ચકાસણી અમલીકરણ અધિકારીઓને સૂચના આપી હતી.
બેઠકમાં તા.પંચાયતના પ્રમુખશ્રી દિલિપભાઇ ચૌધરી, ઉપપ્રમુખશ્રી ગીતાબેન પટેલ, તા.વિકાસ અધિકારીશ્રી રવિન્દ્ર સોલંકી, તા.આરોગ્ય અધિકારી, તા.પંચાયતના સભ્યો સહિત વિવિધ વિભાગના અધિકારી/કર્મચારીઓ હાજર રહ્યા હતા.