Tag: સુપરવિઝનના અભાવે અને કાગળ પર કરેલ પ્રિમોન્સુનની કામગીરીના કારણે વરાછા ઝોન-એ અને બી
પ્રિમોન્સુનની રેઢીયાળ કામગીરીને કારણે ગંદકી થવાથી રોગચાળો ફાટી ન નીકળે તે હેતુસર સફાઇ-દવાના છંટકાવ તથા અસરગ્રસ્તોને આર્થિક સહાય ચુકવવા વિપક્ષ નેતા પાયલ સાકરીયાની માંગ
અસરગ્રસ્ત વિસ્તારોમાં ગરીબ અને મઘ્યમવર્ગના લોકોની ઘરવખરી તથા સરસામાનનો નાશ થયેલ હોવાથી તેમને આર્થિક સહાય આપવી પાલિકાની ફરજ : પાયલ સાકરીયા
સુરત મનપા વિપક્ષ નેતા પાયલ સાકરીયાએ મ્યુનિ. કમિશ્નર શાલિની અગ્રવાલને પત્ર લખીને જણાવ્યું હતું કે સુરત મનપા દ્વારા સુપરવિઝનના અભાવે અને કાગળ પર કરેલ પ્રિમોન્સુનની કામગીરીના કારણે વરાછા ઝોન-એ અને બી, લિંબાયત તેમજ ઉધના ઝોનના વિવિધ વિસ્તારોમાંથી પસાર થતી ખાડીઓમાં પુરનું જીવલેણ સંકટ ઉદભવેલ. જેમાં 4 નિર્દોષ લોકોના ડુબવાની ઘટનામાં 2 આશાસ્પદ બાળકોના મૃત્યુની દુઃખદ ઘટના બનેલ તથા બે વ્યકતિ લાપતા છે.
આ સાથે પાયલ સાકરીયાએ જણાવ્યું હતું કે, વહીવટીતંત્રની બેદરકારી અને માત્ર કાગળ પર થતી કામગીરીના કારણે ખાડીને સંલગ્ન વિસ્તારોમાં ખાડીના ગંદા અને દુર્ગંધ મારતા પાણી ફરી વળેલ હતા તેમજ લિંબાયતના મીઠીખાડી તથા આજુબાજુના વિસ્તારોમાં, સણીયા હેમાદ તથા સંલગ્ન વિસ્તારમાં, વેડ-ડભોલી વિસ્તાર, તેમજ અઠવામાં આઝાદ નગર તથા સંલગ્ન વિસ્તારોમાં અંદાજે 10 ફુટ સુધીનો ગંદા પાણીનો ભરાવો થયેલ. પરિણામે લોકોની ઘરવખરીનો અને માલસામાનનો નાશ થયેલ છે અને લોકોનું જીવન નર્કાગાર સમાન બની ગયુ હતું. ઉપરાંત ખાડીપુરના કારણે ગટરના ગંદા અને દુર્ગંધ મારતા પાણીનો ભરાવો શહેરના વિવિધ વિસ્તારોના જાહેર માર્ગો થતા સમગ્ર શહેર છેલ્લાં ત્રણથી ચાર દિવસથી વરસાદી, ગટર તથા ખાડીના માનવસર્જીત પુરના કારણે બાનમાં આવી ગયેલ હતું.
વધુમાં પાયલ સાકરીયાએ જણાવ્યું હતું કે, હાલમાં, વરસાદી પાણી બંધ થતા ખાડીઓના પાણી ઉતરી રહેલ છે ત્યારે અસરગ્રસ્ત વિસ્તારોમાં ઠેર ઠેર ગંદકી-કચરા અને મચ્છરોનો ઉપદ્રવ તથા દુર્ગધનો ત્રાસ વધતા રોગચાળાની સંભવિત સમસ્યાને ટાળવા યુઘ્ધના ધોરણે તમામ ગંદકીને દુર કરીને સઘન સાફ સફાઇ, દવાનો છંટકાવ તથા મેડીકલ ટીમો ઉતારીને આરોગ્યની જાળવણી કરવા કમિશ્નરને જણાવ્યું હતું.
ઉપરાંત, પ્રિમોન્સુનની વહીવટી કામગીરીની નિષ્ફળતાને કારણે ખાડીપુર સહિતના અસરગ્રસ્ત વિસ્તારોમાં ગરીબ અને મઘ્યમવર્ગના લોકોની ઘરવખરી તથા સરસામાનનો નાશ થયેલ હોવાથી તેમને આર્થિક સહાય આપવી પાલિકાની ફરજ બને છે, જે અંગે જરૂરી સર્વે કરીને આર્થિક સહાયની ચુકવણી કરવા ઘટતી કાર્યવાહી કરવા પાયલ સાકરીયાએ મ્યુનિ. કમિશ્નરને તાકીદ કરી હતી.