Tag: બેરોજગારીની આડમાં
બેરોજગારીની આડમાં ગેરકાયદે તપેલા ડાઇંગ શરૂ કરવા મનપા તંત્ર પર દબાણ ઊભું કરવાનો માલિકોનો પ્રયાસ….
લિંબાયત ઝોન વિસ્તારમાં ગેરકાયદે ધમધમી રહેલા તપેલા ડાઇંગ સામે કરવામાં આવેલી સિલીંગ ની કાર્યવાહી બાદ હવે તપેલા ડાઇંગના સંચાલકો બેરોજગારીની આડમાં સીલ ખોલવા માટે મનપા તંત્ર પર દબાણ ઊભી કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. સંચાલકો દ્વારા આ મામલે લિંબાયત ઝોન ખાતે મોરચો લઈને રજૂઆત પણ કરવામાં આવી હતી અને સીલ ખોલી સમય આપવા માટેની માંગ કરી હતી. જોકે લિંબાયત ઝોનના અધિકારીઓ આ ગેરકાયદે તપેલા ડાઈંગો સામે ટસ ના મસ થયા ન હતાં. ઉલ્લેખનીય છે કે લિંબાયતના મીઠી ખાડી વિસ્તારમાં આવેલ મંગલા પાર્ક, ગોવિંદ નગર, મમતા પાર્ક, રતન નગર, મહાપ્રભુનગર, સહિતના વિસ્તારોમાં મોટાપાયે ગેરકાયદે તપેલા ડાઈંગો ધમધમે છે. આ તપેલા ડાઇંગના સંચાલકો દ્વારા કલર યુક્ત પાણીનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાના બદલે સીધું જ મનપાની ડ્રેનેજ લાઈનમાં છોડી દેવામાં આવે છે. જેના કારણે ઘણી વખત ડ્રેનેજ લાઇન ઉભરાતા કલર વાળું પાણી રસ્તા પર ફરી વળે છે અને ઘણી વખત આ પાણી પીવાના પાણીની લાઇનમાં મિક્સ થતાં લોકોના ઘરોમાં પણ કલર વાળું પાણી આવતું હોય છે. સ્થાનિક લોકો દ્વારા અનેક વખત આ અંગે લિંબાયત ઝોનમાં ફરિયાદ કરવામાં આવી હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી ન હતી જોકે હવે તંત્રની આખો ખુલી છે અને અનેક તપેલા ડાઈંગ સીલ કરી દેવામાં આવી છે. જોકે હવે તપેલા ડાઇંગ ચલાવનારાઓ બેરોજગારીના નામે તંત્ર પર દબાણ ઊભું કરતા જોવા મળી રહ્યા છે ત્યારે મનપા તંત્ર આ દબાણ ને વશ થશે કે પછી લોક હિતમાં કાર્યવાહી જારી રાખશે તે જોવું રહ્યું.