ગુજરાત ખબર

ICA- GemLab સુરતમાં જેમોલોજિકલ લેબોરેટરી શરૂ કરશે

 

આ સંસ્થા ખાસ કરીને ડાયમંડ, જ્વેલરી અને કલર્ડ જેમસ્ટોનના ક્ષેત્રમાં ઇન્ટરનેશનલ ઓળખ ધરાવે છે

સુરત: ICA- GemLab ઓક્ટોબર 2026માં સુરતમાં જેમોલોજિકલ લેબોરેટરી શરૂ કરશે. આ લેબોરેટરી ભારતીય બજારના મેન્યુફેક્ચરર્સ, હોલસેલર્સ, ટ્રેડર્સ, રિટેલર્સ, જ્વેલરી બ્રાન્ડ્સ, ડિઝાઇનર્સ અને ગ્રાહકો માટે ડાયમંડ, કલર્ડ જેમસ્ટોન અને જ્વેલરીના ટેસ્ટિંગ રિપોર્ટ્સ આપશે.

સુરત દુનિયામાં ડાયમંડ અને જ્વેલરી ટ્રેડના મુખ્ય કેન્દ્રોમાંનું એક છે. સુરતમાં શરૂ થનારી આ નવી લેબોરેટરી જ્વેલરીની સપ્લાય ચેઇનના અંતિમ તબક્કે એટલે કે ગ્રાહક સુધી પહોંચવા પહેલા જ મેન્યુફેક્ચરિંગ અને ટ્રેડિંગ વખતે જ ટેસ્ટિંગ સેવા આપી દેશે. આ ગ્રુપ સોર્સ અને ટ્રેડ માર્કેટ્સમાં સીધી સુવિધાઓ આપવા પર ભાર મૂકે છે.

ભારતમાં શરૂ થનારી આ લેબોરેટરી ભારતીય ઉપખંડમાં ICA-GemLabની પ્રથમ સુવિધા હશે અને બેંગકોક હેડક્વાર્ટર ઉપરાંત દુબઈ અને હોંગકોંગમાં આવેલી હાલની ઓફિસો સાથે જોડાશે.

સ્ટાન્ડર્ડ્સ અને એફિલિએશન

ICA- GemLab, કલર્ડ જેમસ્ટોન ઉદ્યોગની ટ્રેડ બોડી ઇન્ટરનેશનલ કલર્ડ જેમસ્ટોન એસોસિયેશન (International Colored Gemstone Association) સાથે સંલગ્ન છે. સુરત લેબોરેટરી સમગ્ર ગ્રુપમાં અમલી બનેલા સમાન રિપોર્ટિંગ સ્ટાન્ડર્ડ્સ અને પ્રોફેશનલ પ્રેક્ટિસ મુજબ જ કાર્ય કરશે.

ભારત માટે લીડરશિપ

ICA- GemLab India નું નેતૃત્વ ડીરેક્ટર તરીકે કલ્પેશ દેસાઈ કરશે. આ લેબોરેટરી અંગે વધુ જણાવતા શ્રી દેસાઈએ જણાવ્યું, “ભારત વિશ્વના ડાયમંડ અને જેમસ્ટોન મેન્યુફેક્ચરિંગમાં મોટો હિસ્સો ધરાવે છે અને સુરત તેનું મુખ્ય કેન્દ્ર છે. અમારો ઉદ્દેશ આ ઉદ્યોગને મેન્યુફેક્ચરર્સ અને ટ્રેડર્સથી લઈને રિટેલર્સ, ડિઝાઇનર્સ અને ગ્રાહકોને અમારી ઇન્ટરનેશનલ લેવલે અમલી બનેલી એનાલિટિકલ પદ્ધતિઓ અને રિપોર્ટિંગ સ્ટાન્ડર્ડ્સ સુધી સીધી પહોંચ આપવાનો છે.”

તેમણે વધુમાં જણાવ્યું: “અમે લાંબા ગાળાની યોજના પર કામ કરી રહ્યા છીએ. વેપારીઓ અને ગ્રાહકો યોગ્ય જાણકારી સાથે પોતાના નિર્ણયો લઇ શકે તે માટે વિશ્વસનીય જેમોલોજિકલ માહિતી, દસ્તાવેજીકૃત મેથડોલોજી અને એનાલિસિસ આપવાનો અમારો હેતુ છે.”

ICA- GemLab Globalના મેનેજિંગ ડીરેક્ટર અમિરા હટ્ટાએ જણાવ્યું: “ભારત વૈશ્વિક જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગના સૌથી મહત્વપૂર્ણ બજારોમાંનું એક છે. સુરતમાં લેબોરેટરી શરૂ કરવાથી અમારી એનાલિટિકલ ક્ષમતા સીધી આ બજારમાં પહોંચશે. સૂરતના બજારને અમારી પાસે આવવાની જહેમત નહીં ઉઠાવવી પડે.”

સેવાઓ

સુરત લેબોરેટરી ત્રણ પ્રકારના રિપોર્ટ જારી કરશે: ડાયમંડ રિપોર્ટ, કલર્ડ જેમસ્ટોન રિપોર્ટ અને જ્વેલરી રિપોર્ટ. આ સેવાઓ મેન્યુફેક્ચરર્સ, હોલસેલર્સ, ટ્રેડર્સ, રિટેલર્સ, જ્વેલરી બ્રાન્ડ્સ, ડિઝાઇનર્સ, પ્રોફેશનલ્સ અને ગ્રાહકો માટે ઉપલબ્ધ રહેશે. ICA-GemLabનું મુખ્ય મથક બેંગકોકમાં છે અને દુબઈ તથા હોંગકોંગમાં તેની ઓફિસો કાર્યરત છે. લેબોરેટરી શ્રીલંકાની નેશનલ જેમ એન્ડ જ્વેલરી ઓથોરિટી (National Gem and Jewellery Authority) સાથે પણ ભાગીદારી ધરાવે છે અને આ જોડાણ દ્વારા ટેસ્ટિંગ ક્ષમતા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ વ્યૂહરચના હેઠળ ભારતમાં શરૂ થનારી સુવિધા તેનાથી આગળનું પગલું છે.

ICA -GemLAB વિશે

ICA- GemLab એક સ્વતંત્ર જેમોલોજિકલ લેબોરેટરી છે, જે ખાસ કરીને ડાયમંડ, કલર્ડ જેમસ્ટોન અને જ્વેલરીના અનેક પ્રકારના અલગ અલગ રિપોર્ટ ઇશ્યૂ કરે છે.ડાયમંડ નેચરલ છે કે સિન્થેટિક્સ છે તેની ઓળખ અને જ્વેલરીના ડિટેલ્સ રિપોર્ટ ઇશ્યૂ કરે છે. 2016માં સ્થાપિત આ લેબોરેટરીનું હેડક્વાર્ટર બેંગકોકમાં છે અને દુબઈ, હોંગકોઙ અને હવે ભારતમાં તેની સુવિધાઓ કાર્યરત થશે.

ભારતમાં પ્રથમ વખત ડર્મેટોલોજિસ્ટ ડૉ. જગદીશ સખીયા દ્વારા તૈયાર કરાયેલી એક્સક્લુઝિવ ફેશિયલ કિટનું લોન્ચિંગ

 

૬ લાખથી વધુ દર્દીઓના અનુભવ અને ૩૦ વર્ષની નિષ્ણાતીથી ભારતીય ત્વચા માટે તૈયાર ‘એસએસસી ઇન્સ્ટા ગ્લો મેડીફેસિયલ’,

સુરત: ભારતમાં પહેલીવાર ભારતીય ત્વચાને ધ્યાનમાં રાખીને ડર્મેટોલોજિસ્ટ ડૉ. જગદીશ સખીયા દ્વારા ફોર્મ્યુલેટ કરવામાં આવેલી એક્સક્લુઝિવ ફેશિયલ કિટ મહિલા અને પુરોશો માટે લોન્ચ કરવામાં આવી છે. સખિયા સ્કિન ક્લિનિકના ચીફ ડર્મેટોલોજિસ્ટ ડૉ. જગદીશ સખીયાના આશરે ૩૦ વર્ષના અનુભવ અને ૬ લાખથી વધુ દર્દીઓની ત્વચા સંબંધિત સારવારના અનુભવના આધારે તૈયાર કરવામાં આવેલું ‘એસએસસી ઇન્સ્ટા ગ્લો મેડીફેસિયલ’ આજે ૯ સપ્ટેમ્બરના રોજ લોન્ચ કરવામાં આવ્યું છે. ચાર સ્ટેપ ધરાવતું આ સિંગલ યુઝ પ્રોફેશનલ મેડીફેસિયલ ત્વચાને ક્લેન્ઝ, એક્સફોલિએટ, બ્રાઇટન અને હાઇડ્રેટ કરવાની પ્રક્રિયા દ્વારા ત્વચાને ઇન્સ્ટન્ટ ગ્લો અને સ્મૂથ દેખાવ આપવા માટે તૈયાર કરવામાં આવ્યું છે.

ભારતમાં દર મહિને ફેશિયલનું વિશાળ માર્કેટ હોવા છતાં ભારતીય ત્વચાને ધ્યાનમાં રાખીને ડર્મેટોલોજિસ્ટ ડૉ. જગદીશ સખીયા દ્વારા તૈયાર કરવામાં આવેલી એક્સક્લુઝિવ ફેશિયલ કિટની ઉપલબ્ધતા મર્યાદિત હોવાનું ક્લિનિકનું કહેવું છે. ક્લિનિકના અંદાજ મુજબ ભારતમાં દર મહિને પાર્લરમાં આશરે ૨.૫થી ૩ કરોડ, ક્લિનિકમાં ૨૫થી ૩૦ લાખ અને ઘરે જઈને કરાવવામાં આવતા ૫થી ૧૦ લાખ ફેશિયલ થાય છે. આટલા મોટા બજાર વચ્ચે ભારતીય ત્વચા માટે ડર્મેટોલોજિસ્ટની નિષ્ણાતીથી તૈયાર કરાયેલી ફેશિયલ કિટ તરીકે ‘એસએસસી ઇન્સ્ટા ગ્લો મેડીફેસિયલ’ને પ્રથમ વખત રજૂ કરવામાં આવી છે.

આ મેડીફેસિયલમાં ચાર સ્ટેપનો સમાવેશ થાય છે, જેમાં ક્લેન્ઝર, એક્સફોલિએટર, બ્રાઇટનર અને હાઇડ્રેટરનો સમાવેશ થાય છે. તેમાં ગ્લાઇકોલિક એસિડ, એઝેલેઇક એસિડ, સેલિસિલિક એસિડ, મેન્ડેલિક એસિડ, લેક્ટિક એસિડ, આલ્ફા આર્બ્યુટિન, લ્યુમિફ્લોરા પિયોની એક્સટ્રેક્ટ અને ડર્માવાઇટ ડબલ્યુએફ જેવા એક્ટિવ ઇન્ગ્રેડિયન્ટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ઘટકો ડેડ સ્કિન અને બિલ્ડઅપ ઘટાડવા, ત્વચાનું ટેક્સચર સુધારવા, ત્વચાને વધુ બ્રાઇટ અને ઇવન દેખાવ આપવા તેમજ સ્મૂથનેસ અને હાઇડ્રેશનને સપોર્ટ કરવા માટે પસંદ કરવામાં આવ્યા છે. ડૉ. જગદીશ સખીયાના જણાવ્યા મુજબ તેમાં ઉપયોગમાં લેવાયેલા ઘટકોમાં અમેરિકાથી મેળવવામાં આવેલા ઇન્ગ્રેડિયન્ટ્સનો પણ સમાવેશ થાય છે.

વધુમાં ડૉ. સખીયાએ જણાવ્યું હતું કે, “લગભગ ૩૦ વર્ષના ડર્મેટોલોજી ક્ષેત્રના અનુભવ અને ૬ લાખથી વધુ દર્દીઓની ત્વચા સંબંધિત સારવારના અનુભવને આધારે ભારતીય ત્વચાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ‘એસએસસી ઇન્સ્ટા ગ્લો મેડીફેસિયલ’ તૈયાર કરવામાં આવ્યું છે. દેશમાં ફેશિયલનો મોટો બજાર હોવા છતાં ડર્મેટોલોજિસ્ટ દ્વારા ભારતીય ત્વચા માટે ખાસ ફોર્મ્યુલેટ કરવામાં આવેલી એક્સક્લુઝિવ ફેશિયલ કિટનો અભાવ હતો. આ ગેપને પૂર્ણ કરવાના પ્રયાસરૂપે અમે આ મેડીફેસિયલ લોન્ચ કર્યું છે.

‘એસએસસી ઇન્સ્ટા ગ્લો મેડીફેસિયલ’ ૯ સપ્ટેમ્બરથી સખિયા સ્કિન ક્લિનિક દ્વારા ઉપલબ્ધ કરવામાં આવ્યું છે. તેની મહત્તમ છૂટક કિંમત રૂ. ૪,૯૯૯ રાખવામાં આવી છે, જ્યારે લોન્ચના અવસરે મર્યાદિત સમય માટે ૫૦ ટકા ઇન્ટ્રોડક્ટરી ઓફર જાહેર કરવામાં આવી છે. મેડીફેસિયલ અંગે વધુ માહિતી અને એપોઇન્ટમેન્ટ માટે ૧૮૦૦ ૧૨૦૦ ૭૦૦૦૦ નંબર પર સંપર્ક કરી શકાશે.

સિદ્ધાર્થ રાંદેરિયા, કલામંદિર જ્વેલર્સના બ્રાન્ડ એમ્બેસેડર

 

પરંપરા, વિશ્વાસ અને પેઢીઓથી ચાલતા સંબંધોની બે વિરાસતોનું થયું મિલન સુરત (ગુજરાત) [ભારત], ઑક્ટોબર 9: ભારતની અગ્રણી જ્વેલરી રિટેલ ચેઇન કલામંદિર જ્વેલર્સે જાણીતા ગુજરાતી રંગમંચ અને ફિલ્મ જગતના દિગ્ગજ સિદ્ધાર્થ રાંદેરિયાને પોતાના નવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા છે. આ ભાગીદારી બે એવી વિરાસતોને એક મંચ પર લાવી રહી છે, જેનો પાયો પરંપરા, વિશ્વાસ અને ગ્રાહકો સાથેના મજબૂત સંબંધો પર આધારિત છે. એક તરફ જ્વેલરી ઉદ્યોગમાં કલામંદિર જ્વેલર્સની ચાર દાયકાની સફર છે, તો બીજી તરફ ગુજરાતી રંગમંચ અને મનોરંજન જગતમાં સિદ્ધાર્થ રાંદેરિયાનું પાંચ દાયકાથી વધુનું વિશિષ્ટ યોગદાન રહ્યું છે. આ ભાગીદારીના માધ્યમથી કલામંદિર જ્વેલર્સનો ઉદ્દેશ વિવિધ પેઢીના ગ્રાહકો સાથેના પોતાના જોડાણને વધુ મજબૂત બનાવવાનો છે. સાથે જ ઉત્કૃષ્ટ કારીગરી અને વિશ્વાસના તે મૂલ્યોને આગળ વધારવાનો છે, જે બ્રાન્ડની સફરનો અભિન્ન હિસ્સો રહ્યા છે.

‘સિદ્ધાર્થ રાંદેરિયા સાથે મજબૂત વૈલ્યુ કનેક્ટ’-

કલામંદિર જ્વેલર્સના ડિરેક્ટર મિલન શાહે જણાવ્યું હતું કે, “સિદ્ધાર્થ રાંદેરિયાનું કલામંદિર પરિવાર સાથે સ્વાગત કરતાં અમને ખૂબ આનંદ થાય છે. તેમની અસાધારણ સફર, વિવિધ પેઢીના દર્શકો સાથે જોડાવાની તેમની ક્ષમતા અને તેમનું ઊંડું સાંસ્કૃતિક જોડાણ આ ભાગીદારીને અમારા માટે ખાસ બનાવે છે. કલામંદિરે વિશ્વાસ, ગુણવત્તા અને પારદર્શિતા પર આધારિત સંબંધોનું નિર્માણ કરતાં પોતાની 40 વર્ષની સફર પૂર્ણ કરી છે. અમને આ મૂલ્યો અને સિદ્ધાર્થ રાંદેરિયાની સફર વચ્ચે મજબૂત સમાનતા જોવા મળે છે. અમે સાથે મળીને એવી અર્થપૂર્ણ વાર્તાઓ અને અનુભવો રજૂ કરવા માટે ઉત્સાહિત છીએ, જે લોકો અને પરંપરા સાથેના અમારા સહિયારા જોડાણને પ્રતિબિંબિત કરે.”

‘જ્વેલરી માત્ર આભૂષણ નથી, તે લાગણીઓ સાથે જોડાયેલી હોય છે’

આ ભાગીદારી અંગે સિદ્ધાર્થ રાંદેરિયાએ જણાવ્યું હતું કે, “ચાર દાયકાથી મજબૂત વિરાસત ઊભી કરનાર કલામંદિર જ્વેલર્સ સાથે જોડાઈને મને ખૂબ આનંદ થઈ રહ્યો છે. જ્વેલરી માત્ર એક આભૂષણ નથી; તે આપણી ખુશીઓ, સંબંધો, પરંપરાઓ અને જીવનની સૌથી યાદગાર ક્ષણો સાથે જોડાયેલી હોય છે. મને આ મૂલ્યો અને કલામંદિરની સફર વચ્ચે સ્વાભાવિક જોડાણ જોવા મળે છે. આ ભાગીદારીનો હિસ્સો બનવા અને આ ખાસ ક્ષણોને યાદગાર બનાવતી લાગણીઓ તથા વાર્તાઓની ઉજવણી કરવા માટે હું ઉત્સાહિત છું.”

12 હજારથી વધુ લાઇવ પરફોર્મન્સ

ગુજરાતી રંગમંચના પ્રતિષ્ઠિત નામ સિદ્ધાર્થ રાંદેરિયા અભિનેતા, લેખક, દિગ્દર્શક, નાટ્યકાર અને નિર્માતા તરીકે પોતાની આગવી ઓળખ બનાવી ચૂક્યા છે. રંગમંચ સાથે તેમનો સંબંધ વર્ષ 1970થી રહ્યો છે. તેઓ 70થી વધુ થિયેટર પ્રોડક્શન્સ સાથે જોડાયેલા રહ્યા છે અને 12,000થી વધુ લાઇવ પરફોર્મન્સ કરી ચૂક્યા છે. ભારત ઉપરાંત વિદેશમાં વસતા ગુજરાતી દર્શકો વચ્ચે પણ તેમણે મજબૂત સાંસ્કૃતિક જોડાણ બનાવ્યું છે. તેમના રંગમંચના કરિયરની સૌથી લોકપ્રિય સિદ્ધિઓમાં ‘ગુજ્જુભાઈ’ ફ્રેન્ચાઇઝીનો સમાવેશ થાય છે.

ગુજરાતી સિનેમામાં પણ મજબૂત ઓળખ 

સિદ્ધાર્થ રાંદેરિયાએ ગુજરાતી સિનેમામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી છે. તેઓ ‘Gujjubhai the Great’, ‘GujjuBhai – Most Wanted’ અને ‘Chaal Jeevi Laiye!’ જેવી ફિલ્મો સાથે જોડાયેલા રહ્યા છે. ‘ગુજ્જુભાઈ’ એક એવા રંગમંચના બ્રાન્ડ તરીકે વિકસ્યું, જેણે ગુજરાતી દર્શકોમાં વ્યાપક લોકપ્રિયતા અને સાંસ્કૃતિક જોડાણ ઊભું કર્યું અને ત્યારબાદ સિનેમાની દુનિયામાં પણ પોતાની આગવી ઓળખ બનાવી.

1986માં કોસંબાથી શરૂ થઈ હતી કલામંદિરની સફર 

કલામંદિર જ્વેલર્સ માટે આ ભાગીદારી એવા સમયે થઈ છે, જ્યારે બ્રાન્ડ પોતાની 40 વર્ષની સફર પૂર્ણ કરી રહ્યું છે. વર્ષ 1986માં સુરત નજીક કોસંબા ખાતે સ્થાપિત કલામંદિર જ્વેલર્સે એક નાના જ્વેલરી સ્ટોરથી શરૂઆત કરી હતી અને આજે એક અગ્રણી રિટેલ જ્વેલરી ગ્રુપ તરીકે પોતાની ઓળખ બનાવી છે. ચાર દાયકાની આ સફરમાં ગ્રાહક વિશ્વાસ, ગુણવત્તા, પારદર્શિતા અને પરંપરા સાથે આધુનિકતાનું સંતુલન બ્રાન્ડની ઓળખનો મહત્વપૂર્ણ હિસ્સો રહ્યું છે.

બે વિરાસતોનું મિલન

આ ભાગીદારી સહિયારા મૂલ્યો અને પેઢીઓ વચ્ચે વધુ મજબૂત બનતા સંબંધોની કહાની છે. એક તરફ કલામંદિર જ્વેલર્સ આભૂષણો અને જીવનની ખાસ ક્ષણો સાથે જોડાયેલા ચાર દાયકાના વિશ્વાસ અને સંબંધોનું પ્રતિનિધિત્વ કરે છે, જ્યારે બીજી તરફ સિદ્ધાર્થ રાંદેરિયા પાંચ દાયકાથી વધુ સમયથી પોતાની કલા, વાર્તા કહેવાની શૈલી અને સાંસ્કૃતિક જોડાણ દ્વારા દર્શકોના દિલ સાથે જોડાયેલા છે. સિદ્ધાર્થ રાંદેરિયાને નવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જોડીને કલામંદિર જ્વેલર્સ પોતાની આગામી સફર તરફ આગળ વધી રહ્યું છે—એક એવા સહિયારા વિઝન સાથે, જેમાં જ્વેલરીના સમયાતીત મહત્વની સાથે તે લાગણીઓ, સંબંધો અને યાદગાર પળોની ઉજવણી કરવામાં આવશે, જે દરેક આભૂષણને માત્ર આભૂષણ નહીં, પરંતુ એક અમૂલ્ય યાદ બનાવી દે છે.
2 ઓક્ટોબરે ગેરકાયદે કતલખાના બંધ કરાવવાની માંગ સાથે સુરતમાં ‘અહિંસા માર્ચ’ નું આયોજન

 

 સાધુ-સંતો અને વિવિધ સમાજના લોકો ઉમરાના સરગમ શોપિંગ સેન્ટરથી કલેક્ટર કચેરી સુધી કૂચ કરશે

સુરત. ગાંધી જયંતીના દિવસે સુરતમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવાની માંગ સાથે ‘અહિંસા માર્ચ’નું આયોજન કરવામાં આવ્યું છે. સુરતના વિવિધ સાધુ-સંતો, સમાજો અને જીવદયાપ્રેમીઓ દ્વારા 2 ઓક્ટોબરે આ માર્ચ યોજાશે. આયોજકોના જણાવ્યા મુજબ માર્ચમાં મોટી સંખ્યામાં લોકો જોડાશે.

આયોજકોના જણાવ્યા પ્રમાણે આરટીઆઈમાંથી મળેલી માહિતી મુજબ ગુજરાતમાં માત્ર આઠ કતલખાના કાયદેસર રીતે કાર્યરત છે, જ્યારે અન્ય કતલખાનાઓ ગેરકાયદે રીતે ચાલે છે. આવા કતલખાનાઓ સામે કાર્યવાહી કરવાની સત્તા જિલ્લા કલેક્ટર પાસે હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી, ત્યારે આગામી

2જી ઓક્ટોબર ગાંધી જયંતિના દિવસે સવારે 8:30 કલાકે ઉમરાના સરગમ શોપિંગ સેન્ટરથી અહિંસા માર્ચ શરૂ થશે. માર્ચ અઠવાલાઇન્સ સ્થિત કલેક્ટર કચેરી સુધી જશે. ત્યાં કલેક્ટરને આવેદનપત્ર આપી ગુજરાતમાં કાર્યરત ગેરકાયદે કતલખાનાઓ સામે કાર્યવાહી કરી તેમને બંધ કરાવવાની માંગ કરવામાં આવશે.

આયોજકોએ વધુમાં જણાવ્યું છે કે ગેરકાયદે કતલખાનાઓ સામે કાર્યવાહી નહીં થાય તો સુપ્રીમ કોર્ટના આદેશના સંદર્ભમાં કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની કાર્યવાહીનો મુદ્દો પણ ઉઠાવવામાં આવશે. માર્ચમાં વધુમાં વધુ જીવદયા અને અહિંસાપ્રેમીઓ જોડાય તેવી અપીલ કરવામાં આવી છે.

3.0: કેપી ગ્રુપે વિકાસની નવી દિશા આપતા વિઝન-2032ની વ્યૂહરચના રજૂ કરી

 

FY32 માટેની નવી પ્રતિબદ્ધતાઓમાં 10 GW પોતાની માલિકીની વીજ ઉત્પાદન ક્ષમતા, 10 GW થર્ડ-પાર્ટી EPC અને 10 GWh ઇન્ટિગ્રેટેડ બેટરી એસેમ્બલી તથા સેલ મેન્યુફેક્ચરિંગનો સમાવેશ; નવી પેઢી વધુ વ્યાપક નેતૃત્વની જવાબદારીઓ સંભાળશે

મુંબઈ (મહારાષ્ટ્ર) [ભારત], ૩ ઓક્ટોબર: કેપી ગ્રુપે 30 સપ્ટેમ્બરના ઈન્વેસ્ટર ડે નિમિત્તે અહીં KP 3.0 રજૂ કર્યું અને FY32 માટે સુધારેલી પ્રતિબદ્ધતાઓની જાહેરાત કરી. ગ્રુપ KPI Green Energy મારફતે 10 GW IPP (Independent Power Producer), સંબંધિત પક્ષોના પ્રોજેક્ટ્સને બાદ કરતાં 10 GW થર્ડ-પાર્ટી EPC એક્ઝિક્યુશન અને સેલ પ્રોડક્શન તથા Battery Energy Storage System (BESS) એસેમ્બલીને આવરી લેતી 10 GWh ઇન્ટિગ્રેટેડ બેટરી મેન્યુફેક્ચરિંગ ક્ષમતાનું લક્ષ્ય ધરાવે છે.

કેપી ગ્રુપનો ઓપરેશનલ અને નિર્માણાધીન પ્રોજેક્ટ્સ સહિતનો રિન્યુએબલ એનર્જી પોર્ટફોલિયો યોગ્ય દિશામાં આગળ વધી રહ્યો છે અને આગામી કેટલાક ક્વાર્ટરમાં 10 GWના લક્ષ્ય સુધી પહોંચવાની અપેક્ષા છે. કેપી ગ્રુપનો કુલ પોર્ટફોલિયો 9.21 GW છે. આ પ્રગતિએ કેપી ગ્રુપને વધુ ઊંચી મહત્વાકાંક્ષાઓ નક્કી કરવા અને તેના આગામી તબક્કા માટે વધુ કેન્દ્રિત રોડમેપ તૈયાર કરવા પ્રેરિત કર્યું છે. નવા લક્ષ્યો ત્રણ અલગ-અલગ બિઝનેસને આવરી લે છે: ગ્રુપની માલિકીની પાવર એસેટ્સ, બાહ્ય ગ્રાહકો માટે ગ્રુપ દ્વારા અમલમાં મૂકવામાં આવનારા રિન્યુએબલ પ્રોજેક્ટ્સ અને ગ્રુપ દ્વારા ઉત્પાદન કરવાની યોજના ધરાવતા સ્ટોરેજ સિસ્ટમ્સ તથા સેલ્સ.

કેપી ગ્રુપે

KP 3.0 અંતર્ગત રિન્યુએબલ એનર્જી, ઊભરતી રિન્યુએબલ તકો, ઇન્ટરનેશનલ બિઝનેસ, ગ્રીન હાઇડ્રોજન, ઇન્વેસ્ટર રિલેશન્સ અને ગવર્નન્સ જેવા ક્ષેત્રોમાં નેતૃત્વની ભૂમિકાઓ માટે અત્યંત અનુભવી પ્રોફેશનલ્સની ટીમને સામેલ કરવામાં આવી છે. કેપી ગ્રુપ પોતાના બિઝનેસનો વ્યાપ વધારશે ત્યારે આ ટીમ એન્જિનિયરિંગ અને મેન્યુફેક્ચરિંગ એક્ઝિક્યુશનને પણ વધુ મજબૂત બનાવશે. નોંધનીય છે કે, કેપી ગ્રુપની ત્રણ કંપની સ્ટોક માર્કેટમાં લિસ્ટેડ છે. જેમાં કેપીઆઈ ગ્રીન એનર્જી(સોલાર-હાઈબ્રિડ વર્ટિકલ), કેપી એનર્જી લિ. (વિન્ડ અને હાઈબ્રિડ વર્ટિકલ) અને કેપી ગ્રીન એન્જિનિયરિંગ લિ. (મેન્યુફેક્ચરિંગ વર્ટિકલ) સામેલ છે.

વિકાસના નવા એન્જિન્સ

  • BESS અને એનર્જી સ્ટોરેજ: સનડ્રોપ એનર્જીયા કંપનીને ગ્રુપના સમર્પિત BESS (બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ) પ્લેટફોર્મ તરીકે સ્થાપિત કરવામાં આવ્યું છે, જેમાં BESS IPP, ગ્રુપ કેપ્ટિવ, C&I પ્રોજેક્ટ્સ, એસેમ્બલી અને સેલ મેન્યુફેક્ચરિંગનો સમાવેશ થાય છે.
  • ફ્લોટિંગ સોલાર: કેપી ગ્રુપ ફ્લોટિંગ સોલાર પ્લેટફોર્મ વિકસાવી રહ્યું છે, જેમાં ગુજરાતના કડાણા ડેમ ખાતેના 110 MW AC / 142 MW DC પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. જેનો હાલમાં જ વડાપ્રધાન મોદીએ વર્ચુઅલ શિલાન્યાસ કર્યો હતો.
  • એનર્જી ટ્રેડિંગ: ગ્રુપે CERC અને GERC લાઇસન્સ મેળવ્યા છે અને એક્સચેન્જ તથા દ્વિપક્ષીય પાવર માર્કેટ્સમાં પોતાની ક્ષમતાઓ વિકસાવી રહ્યું છે.
  • ગ્રીન હાઇડ્રોજન અને ગ્રીન એમોનિયા: ગ્રુપ હાઇડ્રોજન પ્રોડક્શન, મોબિલિટી, લોજિસ્ટિક્સ અને ઉપયોગના ક્ષેત્રોમાં ક્ષમતાઓ વિકસાવી રહ્યું છે. માતર ખાતેની તેની સુવિધામાં 1 MWનો કાર્યરત ઇલેક્ટ્રોલિસિસ આધારિત ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ છે, જે હાલમાં પ્રતિદિન 432 કિલોગ્રામ ઉત્પાદન કરે છે.

કેપી ગ્રુપે

ગ્રુપે હાલમાં જ બે કંપનીનું અધિગ્રહણ કર્યું:

  • કેપી ગ્રુપએ હાલમાં જ બે કંપનીનું અધિગ્રહણ કરી છે. સઉદી અરબેયાના મોટા ગ્રુપ અલફનાર એનર્જી પ્રા.લિ. અને નેત્રા વિન્ડ પ્રા.લિ. સાથે બાઈન્ડિંગ ઓફરમાં પ્રવેશ કર્યો છે. બંને કંપનીઓ સાઉદી અરેબિયાના અલફનાર ગ્રુપની ભારતીય પેટા કંપનીઓ છે. આ ઓફર હેઠળ ગુજરાતના કચ્છમાં કાર્યરત 507.9 MWના વિન્ડ એનર્જી એસેટ્સનું આશરે ₹2,410 કરોડના એન્ટરપ્રાઇઝ વેલ્યુ પર અધિગ્રહણ કરવામાં આવશે. આ અધિગ્રહણ બાદ કેપીઆઈ ગ્રીન એનર્જીની ઈન્સ્ટોલ્ડ ઈન્ડિપેન્ડન્ટ પાવર પ્રોડ્યુસર તરીકેની ક્ષમતા આશરે 1.67 GW સુધી પહોંચી જશે. આથી કંપનીના વિન્ડ એનર્જી પોર્ટફોલિયોને વધુ મજબૂતી મળશે અને ગ્રુપના KP 3.0 ગ્રોથ રોડમૅપને આગળ વધારવામાં પણ મહત્વપૂર્ણ સહયોગ મળશે. જ્યારે બીજી જાહેરાત મુજબ કેપીઆઈ ગ્રીન એનર્જી લિ.ની પેટા કંપની સન ડ્રોપ એનર્જીયા લિ.એ સોલાર ઈપીસી કંપની ડેક એન્ડ મારવિક્સ ગ્રીન એનર્જી લિ.માં 100% ઇક્વિટી હિસ્સો (55.8 કરોડ) હસ્તગત કરવાની પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે.

પોર્ટફોલિયો 9.2 GW સુધી પહોંચ્યો

Q1 FY27 મુજબ, કેપી ગ્રુપનો રિપોર્ટેડ રિન્યુએબલ એનર્જી પોર્ટફોલિયો સોલાર, વિન્ડ અને હાઇબ્રિડ ક્ષેત્રોમાં 9.2 GWથી વધુ હતો. તેના ઓપરેટિંગ પ્લેટફોર્મમાં અંદાજે ~12,104 એકરનો લેન્ડ ફૂટપ્રિન્ટ, 5.10 GW પાવર ઇવેક્યુએશન ક્ષમતા, 400,500 MTPA મેન્યુફેક્ચરિંગ ક્ષમતા, 6.4 GW EPC પોર્ટફોલિયો અને 2.8 GW IPP પોર્ટફોલિયોનો સમાવેશ થાય છે. જે ઉપરોક્ત બે નવા અધિગ્રહણ એનાઉન્સમેન્ટ સાથે 10.2 ગીગાવોટ કહીં શકાય.

કેપી ગ્રુપે

બિઝનેસ વિસ્તરણ અને ગવર્નન્સ

રિન્યુએબલ એનર્જી ક્ષેત્રમાં કેપી ગ્રુપની ઝડપથી વિસ્તરતી હાજરી હવે ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ઓડિશા, કર્ણાટક અને આંધ્ર પ્રદેશ સુધી વિસ્તરી છે. આ ઉપરાંત, આંતરરાષ્ટ્રીય તકો આફ્રિકામાં બોત્સવાના, ઝામ્બિયા અને તાન્ઝાનિયા તેમજ GCCમાં સાઉદી અરેબિયા સુધી વિસ્તરે છે. બોત્સવાનામાં ગ્રુપ 5 GWના પ્રસ્તાવિત રિન્યુએબલ પાવર અને સંબંધિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે આગળ વધી રહ્યું છે, જેમાં પ્રથમ તબક્કો 500 MWનો રાખવાની યોજના છે. મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં પણ ગ્રુપ સમગ્ર ભારતમાંથી વિવિધ ઓર્ડર્સ મેળવવાનું ચાલુ રાખે છે.

ગ્રુપના સુધારેલા લક્ષ્યો વધુ સ્પષ્ટ બિઝનેસ માળખા તેમજ શિસ્તબદ્ધ એક્ઝિક્યુશન અને ગવર્નન્સ પરના ભારથી સમર્થિત છે, જ્યારે નવી પેઢી વધુ વ્યાપક જવાબદારીઓ સંભાળી રહી છે.

કેપી ગ્રુપના ફાઉન્ડર, ચેરમેન-એમડી ડો. ફારુક જી. પટેલે આ તબક્કે કહ્યું હતું કે, “અમારી ઓર્ડરબુક લગભગ 10 GW સુધી વધતી જોવી એ અમારા લોકોની પ્રતિબદ્ધતા અને અમારા ગ્રાહકો, ભાગીદારો તથા રોકાણકારોના વિશ્વાસને દર્શાવે છે. અમે હંમેશાં અમારી પ્રતિબદ્ધતાઓ પૂર્ણ કરી છે અને આગળ પણ અમે જે પ્રતિબદ્ધતા આપીએ છીએ તે પૂર્ણ કરતા રહીશું. તેથી KP 3.0 અંતર્ગત અમે અમારી પ્રતિબદ્ધતાઓને અપડેટ કરી રહ્યા છીએ: પોતાની માલિકીની રિન્યુએબલ પાવર જનરેશન ક્ષમતાનો વિસ્તાર કરવો, ગ્રાહકો માટે વધુ પ્રોજેક્ટ્સ પૂર્ણ કરવા અને ભારતમાં બેટરી મેન્યુફેક્ચરિંગ ક્ષમતા વિકસાવવી. ઝડપી એક્ઝિક્યુશન માટે જાણીતા અમે આ નવા લક્ષ્યોને પણ નિર્ધારિત સમય પહેલાં હાંસલ કરવા માટે પ્રતિબદ્ધ છીએ.

અમારી અનુભવી પ્રોફેશનલ ટીમ સાથે નવી પેઢીને વધુ જવાબદારીઓ સંભાળતી જોઈને મને ગર્વ થાય છે. અમારી મહત્વાકાંક્ષાઓ વધતી જાય છે તેમ અમે એ જ સિદ્ધાંતથી માર્ગદર્શિત થતા રહીશું, જેના પર આ ગ્રુપનું નિર્માણ થયું છે: અમે જે પ્રતિબદ્ધતા આપીએ છીએ, તે પૂર્ણ કરીએ છીએ.”

સુરત શહેરમાં “આઇકોનિક ગ્લોરી એવોર્ડ્સ ૨૦૨૬” યોજાયા

 

અસાધારણ પ્રતિભા ધરાવતા ૫૦થી વધુ વ્યક્તિઓનું એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું.

સુરત: પ્રતિભા, સિદ્ધિ અને શ્રેષ્ઠતાની ઉજવણી કરતા ભવ્ય કાર્યક્રમ “આઇકોનિક ગ્લોરી એવોર્ડ્સ ૨૦૨૬”નું આયોજન સુરતના જહાંગીરપુરા સ્થિત ‘ધ પ્રિવિલેજ – રેસ્ટોરન્ટ એન્ડ બેન્ક્વેટ’ ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન ‘આદિત્ય ગ્લોબલ આઇકોન્સ’ના સ્થાપક આરતી એમ. માલ્કે દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને ગુરુકૃપા વિદ્યાલય (મોરાભાગળ), સિટી એજ્યુકેશન, વિનફાસ્ટ (VinFast), મહાવીર મોબાઈલ, કર્મિક ઈવેન્ટ્સ, શૌર્ય એન્ટરપ્રાઈઝિસ, માલ્કે એન્ટરપ્રાઈઝિસ, ડીએમ લૂપ + લાઈવલૂપ, માયફ્લેજ ઈન્સ્ટિટ્યૂટ ઓફ એવિએશન એન્ડ હોસ્પિટાલિટી, Fnx અને બિગ એફએમ (Big FM) દ્વારા પ્રાયોજિત કરવામાં આવ્યો હતો.

આ એવોર્ડ સમારોહનું આયોજન એવી વ્યક્તિઓને પ્રોત્સાહિત કરવા અને સન્માનિત કરવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવ્યું હતું જેમણે પોતાની પ્રતિભા, ક્ષમતા અને અસાધારણ યોગદાન દ્વારા વિવિધ ક્ષેત્રોમાં આગવી ઓળખ બનાવી છે.

હિન્દી ફિલ્મ ‘ધ કેરલા સ્ટોરી’ની જાણીતી અભિનેત્રી અદાહ શર્મા “આઇકોનિક ગ્લોરી એવોર્ડ્સ ૨૦૨૬”માં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહી હતી. તેમણે વિશિષ્ટ વિજેતાઓને વ્યક્તિગત રીતે એવોર્ડ અર્પણ કર્યા હતા. આ ભવ્ય એવોર્ડ શોમાં હેતલ પુનીવાલા, કનુભાઈ ટેલર, તરુણ મિશ્રા અને અન્ય ઘણા ઉદ્યોગપતિઓ તથા પ્રભાવશાળી વ્યક્તિઓ (ઇન્ફ્લુએન્સર્સ) ઉપસ્થિત રહ્યા હતા, જેનાથી આ કાર્યક્રમ એક ભવ્ય અને યાદગાર સફળતા બની રહ્યો.

વિશિષ્ટ વ્યક્તિઓના સન્માન દ્વારા તેમને નવી ઓળખ મળી, અને સમાજમાં સક્રિય અન્ય સંસ્થાઓને કંઈક વિશેષ કરવા તથા શ્રેષ્ઠતા હાંસલ કરવા માટે પ્રેરણા મળી. આ એક સફળ સફરની માત્ર શરૂઆત હતી અને તેનો બીજો ભાગ (Part 2) ટૂંક સમયમાં આવી રહ્યો છે…

JITO પ્રીમિયર લીગ 2026 માટે ગુજરાત ગ્લેડિયેટર્સની ટીમ અને જર્સીનું લોન્ચિંગ

 

– 300થી વધુ ખેલાડીઓમાંથી પસંદ થયા 25 ગ્લેડિયેટર્સ, કોલંબોમાં ગુજરાતનું નામ રોશન કરશે

સુરત: ગુજરાતની રમતગમતની ઓળખને આંતરરાષ્ટ્રીય મંચ સુધી લઈ જવાના ઉદ્દેશ સાથે ગુજરાત ગ્લેડિયેટર્સની સત્તાવાર ટીમ અને જર્સીનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. JITO પ્રીમિયર લીગ 2026માં ગુજરાત ગ્લેડિયેટર્સ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. લીગનું આયોજન 24 ઓગસ્ટથી 5 સપ્ટેમ્બર 2026 દરમિયાન કોલંબો, શ્રીલંકામાં થશે.

ગુજરાત ગ્લેડિયેટર્સ ટીમના માલિકી કંપની ચિંતામણી એન્ટરટેઇનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડના માલિક નીતિન મહેતાએ જણાવ્યું હતું કે ગુજરાત ગ્લેડિયેટર્સ
માટે ખેલાડીઓની પસંદગી પ્રક્રિયામાં સમગ્ર ભારતમાંથી 300થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. વિવિધ તબક્કાની પસંદગી પ્રક્રિયા બાદ 25 ખેલાડીઓને અંતિમ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. હવે આ 25 ખેલાડીઓ કોલંબોમાં ગુજરાતના નામ અને ઓળખ સાથે મેદાનમાં ઉતરશે.

વધુમાં નીતિન મહેતાએ કહ્યું હતું કે ટીમનું નામ કોઈ બિઝનેસ, કંપની કે કોર્પોરેટ ઓળખ પરથી રાખવાને બદલે સીધું ‘ગુજરાત’ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાતને ઉદ્યોગસાહસિકતા, સાહસ, વિકાસ, નવી તકો અને સતત આગળ વધવાની ભાવનાના પ્રતીક તરીકે રજૂ કરવામાં આવ્યું છે. ટીમનો ઉદ્દેશ માત્ર એક ફ્રેન્ચાઈઝી તરીકે ઓળખ બનાવવાનો નહીં, પરંતુ ગુજરાતની ઓળખ અને ગૌરવનું પ્રતિનિધિત્વ કરવાનો છે અને આ બાબતની નોંધ ખુદ કેન્દ્રીય રમત ગમત મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાએ લઈ નીતિન મહેતાની પ્રશંસા પણ કરી છે.
ટીમના માલિકે જણાવ્યું હતું કે ગુજરાત ગ્લેડિયેટર્સની પસંદગી પ્રક્રિયામાં 300થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. દરેક ખેલાડી માટે ટ્રાયલ પોતાની પ્રતિભા સાબિત કરવાની તક બની હતી. અંતે 25 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. આ ખેલાડીઓ માટે JPL માત્ર એક ટુર્નામેન્ટ નહીં, પરંતુ પોતાની પ્રતિભા અને નવી ઓળખ સ્થાપિત કરવાની તક પણ છે.

ગુજરાત ગ્લેડિયેટર્સની ટીમની વિચારધારા પાંચ મુખ્ય સિદ્ધાંતો પર આધારિત છે તે છે સાહસ, શિસ્ત, એકતા, જુસ્સો અને ગૌરવ. ટીમ મેનેજમેન્ટનું માનવું છે કે મેદાન પર વ્યક્તિગત પ્રદર્શન સાથે ટીમભાવનાને પણ એટલું જ મહત્વ આપવામાં આવશે.

– પાર્થિવ પટેલ બન્યા બ્રાન્ડ એમ્બેસેડર

ભારતના ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર પાર્થિવ પટેલ ગુજરાત ગ્લેડિયેટર્સ સાથે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જોડાયા છે. ભારતીય ક્રિકેટનો અનુભવ, રમતની સમજ અને ગુજરાત સાથેનું તેમનું જોડાણ ટીમ માટે મહત્વપૂર્ણ ગણવામાં આવી રહ્યું છે.

– JITO Apexના ચેરમેન પૃથ્વીરાજ કોઠારીની વિશેષ ઉપસ્થિતિ

JPLના વ્યાપક વિઝન અને રમતગમત સાથે સમાજને જોડવાના પ્રયાસને JITO Apexના નેતૃત્વનું સમર્થન છે. JITO Apexના ચેરમેન પૃથ્વીરાજ કોઠારી પણ ટીમ લોન્ચ પ્રસંગે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

– ટીમ પાછળનું વિઝન

ગુજરાત ગ્લેડિયેટર્સના માલિક નિતિન મહેતાના જણાવ્યા અનુસાર ટીમ બનાવવાનો હેતુ માત્ર ક્રિકેટ મેચ જીતવાનો નથી. પ્રતિભાશાળી ખેલાડીઓને તક આપવી, મજબૂત ટીમ તૈયાર કરવી, આગવી ઓળખ ઊભી કરવી અને ગુજરાત ગર્વ કરી શકે તેવી વિરાસતનું નિર્માણ કરવું એ ટીમ પાછળનું મુખ્ય વિઝન છે.

– ક્રિકેટથી આગળ વધતું JPLનું પ્લેટફોર્મ

JITO પ્રીમિયર લીગને માત્ર ક્રિકેટ ટુર્નામેન્ટ તરીકે નહીં, પરંતુ રમતગમત, પ્રતિભા, ઉદ્યોગસાહસિકતા, નેતૃત્વ અને સમાજને જોડતા પ્લેટફોર્મ તરીકે રજૂ કરવામાં આવી છે. JPL 2026માં 12 ફ્રેન્ચાઈઝી ટીમો ભાગ લઈ રહી છે. લીગનો મુખ્ય ઉદ્દેશ પ્રતિભાની શોધ, નવી તકોનું નિર્માણ, ટીમ સ્પિરિટને પ્રોત્સાહન અને નવી પેઢીને રમતગમત તરફ પ્રેરિત કરવાનો છે.

24 ઓગસ્ટથી 5 સપ્ટેમ્બર દરમિયાન કોલંબોમાં યોજાનારી JPL 2026માં ગુજરાત ગ્લેડિયેટર્સના 25 ખેલાડીઓ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. ટીમ મેનેજમેન્ટનું કહેવું છે કે જ્યારે ગ્લેડિયેટર્સ મેદાનમાં ઉતરશે ત્યારે તેમની જર્સી પર માત્ર ટીમનો લોગો નહીં, પરંતુ ‘ગુજરાત’ની ઓળખ પણ હશે.
ગુજરાત ગ્લેડિયેટર્સનું સૂત્ર છે એક ટીમ, એક રાજ્ય, એક ગૌરવ.

CubeSanchar નું VyomLink-1 હાઈ-એલ્ટિટ્યુડ બલૂન ટેક્નોલોજી ડેમો સફળતાપૂર્વક પૂર્ણ

 

હૈદરાબાદ, 1 સપ્ટેમ્બર 2026: CubeSancharએ પોતાની VyomLink-1 હાઈ-એલ્ટિટ્યુડ બલૂન મિશનની ફ્લાઇટ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. આ મિશનનો મુખ્ય હેતુ ઓછા ખર્ચે ડેટા રિલે કમ્યુનિકેશન સિસ્ટમ વાસ્તવિક ફ્લાઇટ પરિસ્થિતિમાં કેવી રીતે કામ કરે છે તે તપાસવાનો હતો.

આ મિશન CubeSanch arની ટીમના માહિર ચાહવાળા, કૃષ્ણેન્દ્ર સિંહ, પવન કુમાર અને સાઈ પ્રસાદ ધોધી દ્વારા કરવામાં આવ્યું હતું. ટીમે પેલોડ બનાવવાથી લઈને તેની ટેસ્ટિંગ, ઇન્ટિગ્રેશન, કમ્યુનિકેશન સિસ્ટમ અને આખા મિશનના ઓપરેશન સુધીની જવાબદારી સંભાળી હતી.

ફ્લાઇટ દરમિયાન VyomLink-1એ લગભગ  10 કિમીની ઊંચાઈ સુધી અને અંદાજે 16 કિમીના સ્લાન્ટ રેન્જ સુધી Store-and-Forward Data Relay સિસ્ટમ સફળતાપૂર્વક બતાવી.

આ સફળ રિલે તબક્કામાં અપેક્ષિત 20માંથી 20 ડેટા પેકેટ સફળતાપૂર્વક મળ્યા, એટલે કે 100% પેકેટ રિસેપ્શન થયું અને કોઈ પેકેટ લોસ નોંધાયો નહીં.

લગભગ 10 કિમીની ઊંચાઈ બાદ નવા મોકલાયેલા Store Commands માટે acknowledgement મળવાનું બંધ થયું. તેનું ચોક્કસ કારણ હજી જાણવા મળ્યું નથી. પેલોડ રિકવર થયા પછી ટીમ આ બાબતનું વિગતવાર વિશ્લેષણ કરશે.

મહત્વની વાત એ છે કે આ સમસ્યા આવ્યા પછી પણ પેલોડ કામ કરતું રહ્યું.

VyomLink-1એ 32.8 કિમીથી વધુ ઊંચાઈ પરથી પણ પોતાના હેલ્થ બીકન મોકલવાનું ચાલુ રાખ્યું, અને લગભગ 68 કિમીના સ્લાન્ટ રેન્જ સુધી કમ્યુનિકેશન સફળ રહ્યું.

આથી સાબિત થયું કે CubeSancharનું નાનું અને કોમ્પેક્ટ કમ્યુનિકેશન પેલોડ ઘણું મજબૂત છે. મુખ્ય Store-and-Forward પ્રયોગમાં સમસ્યા આવ્યા પછી પણ સિસ્ટમ Near-Space જેવી ઊંચાઈ પરથી પૃથ્વી સાથે વાતચીત કરતી રહી.

આ મિશન દરમિયાન પેલોડને જમીન પરની ટેસ્ટિંગ કરતા ઘણી વધુ કઠિન પરિસ્થિતિઓનો સામનો કરવો પડ્યો.

લૉન્ચ પહેલા સિસ્ટમને લગભગ -15°C થી -24°C તાપમાનમાં ટેસ્ટ કરવામાં આવી હતી. પરંતુ વાસ્તવિક ફ્લાઇટ દરમિયાન પેલોડ અંદાજે -60°C થી -80°C જેટલી ઠંડી પરિસ્થિતિમાંથી પસાર થયું , અને છતાં પણ કામ કરતું રહ્યું.

હવે CubeSancharની ટીમ પેલોડ રિકવર થવાની રાહ જોઈ રહી છે. પેલોડ પાછું મળ્યા પછી તેના હાર્ડવેર અને અંદરના રેકોર્ડ્સ ચેક કરવામાં આવશે.

તેના આધારે સમજવામાં આવશે કે 10 કિમી પછી Store-and-Forward સિસ્ટમમાં આવેલી સમસ્યા રિસીવિંગ લિંક, પેલોડના ઇલેક્ટ્રોનિક્સ, સોફ્ટવેર, સ્ટોરેજ અથવા ફ્લાઇટ સાથે જોડાયેલા અન્ય કોઈ કારણને કારણે હતી કે નહીં.

ટીમ માટે આ તપાસ પણ ટેક્નોલોજી ડેવલપમેન્ટનો મહત્વનો ભાગ છે.

CubeSanchar STAR Labs Surat નો પણ હૃદયપૂર્વક આભાર માને છે, જેમણે VyomLink-1 પેલોડના ડેવલપમેન્ટમાં મદદ કરી, પોતાની સુવિધાઓ ઉપયોગ કરવા આપી અને ટેસ્ટિંગથી લઈને મિશન તૈયારી સુધી ટીમને સતત સહકાર આપ્યો.

VyomLink-1 મિશને અત્યાર સુધીમાં ત્રણ મહત્વપૂર્ણ પરિણામ આપ્યા છે:

લગભગ 10 કિમી ઊંચાઈ અને 16 કિમી સ્લાન્ટ રેન્જ સુધી Store-and-Forward Relay સફળ રહ્યો.
32.8 કિમીથી વધુ ઊંચાઈ અને લગભગ 68 કિમી સ્લાન્ટ રેન્જ સુધી પેલોડ સાથે કમ્યુનિકેશન ચાલુ રહ્યું.
જમીન પરની ટેસ્ટિંગ કરતા ઘણી વધુ કઠિન ઠંડી પરિસ્થિતિમાં પણ પેલોડ સફળતાપૂર્વક કામ કરતું રહ્યું.

CubeSanchar માટે આ મિશન લેબોરેટરીમાં થયેલી ટેસ્ટિંગથી આગળ વધીને વાસ્તવિક દુનિયામાં ઓછા ખર્ચે ડેટા રિલે કમ્યુનિકેશન સિસ્ટમ બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.

“પેલોડ પહેલા કરતાં વધુ ઊંચું ગયું, વધુ દૂર ગયું અને વધુ કઠિન પરિસ્થિતિમાંથી પસાર થયું — છતાં પણ પૃથ્વી સાથે વાત કરતું રહ્યું.”

VyomLink-1માંથી મળેલા ડેટાનો ઉપયોગ હવે CubeSancharની આગામી પેઢીની કમ્યુનિકેશન ટેક્નોલોજીને વધુ સારી અને મજબૂત બનાવવા માટે કરવામાં આવશે.

સુરતનું રિસર્ચ-આધારિત સ્ટાર્ટઅપ ‘નવીનમાર્ટ’, ઈ-કોમર્સમાં શ્રેષ્ઠ કામગીરી માટે ‘MY FM એક્સેલન્સ એવોર્ડ 2026’ થી સન્માનિત

 

સુરત (ગુજરાત) [ભારત], 27 ઓગસ્ટ: સુરત સ્થિત નવીન ઇલેક્ટ્રોનિક્સના ઇ-કોમર્સ વેંચર, ‘નવીનમાર્ટ’ ને ઇ-કોમર્સમાં ઉત્તમ કામગીરી માટે “MY FM એક્સેલન્સ એવોર્ડ 2026” થી સન્માનિત કરવામાં આવ્યું છે. આ એવોર્ડ અધિકૃત વિક્રેતાઓ, ગ્રાહકોને આફ્ટર સેલ્સ સર્વિસ અને ઇલેક્ટ્રોનિક્સ રિટેલ ઉદ્યોગમાં પાંચ દાયકાથી વધુના અનુભવની સાથે એક હાઇપર-લોકલ ઓનલાઈન માર્કેટપ્લેસ બનવાના તેના અભિગમને માન્યતા આપે છે. 2025 માં લોંચ થયેલ, ‘નવીનમાર્ટ’ એક રિસર્ચ આધારિત ઈ-કોમર્સ વેંચર છે, જે નવીન ઇલેક્ટ્રોનિક્સ દ્વારા ઓનલાઇન શોપિંગ અંગે ગ્રાહકોની બદલાતી અપેક્ષાઓને પૂરી કરવા માટે ડેવલપ કરવામાં આવ્યું છે. તેણે એક ફિઝિકલ રિટેલ બિઝનેસ સાથે સંકળાયેલા વિશ્વાસ અને સર્વિસને જાળવી રાખ્યું છે. આ પ્લેટફોર્મ, ઓનલાઇન શોપિંગની સુવિધાને એક જાણીતા લોકલ રિટેલરની વિવિઘ પ્રોડક્ટની માહિતી, ઓથોરાઈઝ્ડ સેલર નેટવર્ક અને આફ્ટર સેલ્સ ક્ષમતાની સાથે જોડે છે. નવીનમાર્ટ વતી સહ-સ્થાપક સૌરવ જેતવાની અને આશુતોષ જેતવાની દ્વારા “MY FM એક્સેલન્સ એવોર્ડ 2026” સ્વીકારવામાં આવ્યો હતો. આ સન્માન અંગે તેમણે જણાવ્યું હતું કે, “આ એવોર્ડ, નવીનમાર્ટ માટે એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન છે. ખાસ કરીને એટલા માટે કે, અમે હજુ પણ એક નવું વેંચર છીએ. અમે એક સરળ વિચાર સાથે નવીનમાર્ટની શરૂઆત કરી હતી, જેમાં એક ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું હતું, જે ગ્રાહક અને સ્થાનિક બજારને વધુ સારી રીતે સમજી શકે. ઇલેક્ટ્રોનિક્સ રિટેલમાં અમારા પાંચ દાયકાથી વધુના અનુભવે અમને એ સમજવામાં મદદ કરી છે કે, ગ્રાહકો કિંમત ઉપરાંત શું શોધે છે, જેમાં અસલી પ્રોડક્ટ, ભરોસાપાત્ર સલાહ અને ખરીદી પછીનો સપોર્ટ સામેલ છે. અમે ખરેખર ખુબજ ગૌરવ અનુભવીએ છીએ કે, આ અભિગમને માન્યતા મળી છે.” સેલર્સના વિશાળ નેટવર્કને એકસાથે લાવતા પરંપરાગત માર્કેટપ્લેસથી વિપરીત, નવીનમાર્ટ બ્રાન્ડ-અધિકૃત વિક્રેતાઓ પર ભાર મૂકે છે. જેનાથી ગ્રાહકોને ઉત્પાદનની પ્રામાણિકતા અને વાસ્તવિક ઉત્પાદનો પર વધુ વિશ્વાસ બેસે છે. આ પ્લેટફોર્મ હાઇપર-લોકલ માર્કેટપ્લેસ મોડેલને પણ ફોલો કરે છે. એક બીજી ખાસ વાત, તેની આફ્ટર-સેલ્સ સર્વિસ આપવાની પદ્ધતિ છે. નવીનમાર્ટનો ઉદ્દેશ્ય, ગ્રાહકોને ખરીદી પછી વ્યક્તિગત મદદ પૂરી પાડવાનો છે, જે નવીન ઇલેક્ટ્રોનિક્સના વર્ષોના અનુભવ અને સર્વિસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા સમર્થિત છે. આનાથી કંપની પોઈન્ટ ઓફ સેલ ઉપરાંત પણ ગ્રાહકો સાથે સતત જોડાયેલી રહે છે. ઉલ્લેખનીય છે કે, ‘નવીનમાર્ટ’ કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ, હોમ એપ્લાયન્સિસ, સ્માર્ટફોન અને મોબાઇલ એસેસરીઝ, વેરેબલ્સ, બ્યુટી અને ગ્રુમિંગ પ્રોડક્ટ્સ અને અન્ય લાઇફસ્ટાઇલ કેટેગરીમાં વિવિધ ઉત્પાદનો ઓફર કરે છે. આ પ્લેટફોર્મ, નવીન ઇલેક્ટ્રોનિક્સના રિટેલ નેટવર્ક દ્વારા ઉપલબ્ધ સપોર્ટ સાથે તેની ઓનલાઇન હાજરીને જોડતી વખતે ઑફર્સ, સ્પર્ધાત્મક કિંમત, EMI વિકલ્પો અને ડિલિવરી સર્વિસ પણ પ્રદાન કરે છે. MY FM તરફથી આ સન્માન એવાં સમયે મળ્યું છે, જ્યારે ‘નવીનમાર્ટ’ ડિજિટલ રિટેલ સેગમેન્ટમાં તેની હાજરીને મજબૂત બનાવી રહ્યું છે અને નવીન ઇલેક્ટ્રોનિક્સના વારસાને આગળ વધારી રહ્યું છે. ગ્રાહકોના વિશ્વાસ, સર્વિસ અને સુવિધા પર ફોકસ કરવા સાથે, કંપની તેની પહોંચ વધારવાનો અને નવીનમાર્ટને એક અગ્રણી ઈ-કોમર્સ પ્લેટફોર્મ તરીકે સ્થાપિત કરવાનો ઉદ્દેશ્ય ધરાવે છે.
રક્ષાબંધન પર વૃક્ષો બન્યા ‘ભાઈ’, દીકરીઓ બની રક્ષક

 

વી.એન. ગોધાણી સ્કૂલની 70 દીકરીઓએ 70 વૃક્ષોને રાખડી બાંધી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો

સુરત: રક્ષાબંધનના પવિત્ર પર્વને માત્ર ભાઈ-બહેનના સ્નેહના પર્વ પૂરતું સીમિત ન રાખી, વૃક્ષો સાથે ભાવનાત્મક સંબંધ જોડવાનો અનોખો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. વી.એન. ગોધાણી ઇંગ્લિશ સ્કૂલની 70 દીકરીઓએ રક્ષાબંધનના એક દિવસ અગાઉ ધોળકિયા ગાર્ડન ખાતે 70 વૃક્ષોને રાખડી બાંધી વૃક્ષોની રક્ષા અને જતનનો સંકલ્પ લીધો હતો.

આ અનોખા કાર્યક્રમનું આયોજન આજરોજ સવારે 10 વાગ્યે ધોળકિયા ગાર્ડન ખાતે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન દરેક દીકરીએ પોતાના ફાળવાયેલા વૃક્ષને ચાંદલો કરી આરતી ઉતારી હતી અને ત્યારબાદ તેને રાખડી બાંધી હતી. આ સાથે દીકરીએ પોતાના વૃક્ષોની જાળવણીની જવાબદારી પણ સ્વીકારી હતી.

આ માટે દીકરીઓના વૃક્ષો અગાઉથી નક્કી કરવામાં આવ્યા હતા અને વૃક્ષોના કદ પ્રમાણે રાખડીઓ પણ ખાસ તૈયાર કરવામાં આવી હતી.

કાર્યક્રમ અંગે ભાવેશભાઈ લાઠીયાએ જણાવ્યું હતું કે આ આયોજન પાછળનો મુખ્ય વિચાર એ છે કે જેમ રક્ષાબંધનના દિવસે ભાઈ પોતાની બહેનની રક્ષા કરવાનો સંકલ્પ લે છે. એ જ ભાવનાને આગળ વધારી આ વર્ષે દીકરીઓએ વૃક્ષોની રક્ષા અને સંભાળનો સંકલ્પ લીધો છે. વૃક્ષો સાથે માત્ર પર્યાવરણના દૃષ્ટિકોણથી નહીં, પરંતુ લાગણી અને આત્મીયતાનો સંબંધ વિકસે તે આ પહેલનો મુખ્ય હેતુ છે.”

સ્કૂલના પ્રિન્સિપાલ શ્રીમતી દિવ્યાબેન ગજ્જરે જણાવ્યું કે, “વૃક્ષો વાવ્યા બાદ તેનું જતન કરવું એટલું જ મહત્વનું છે. લોકો જ્યારે વૃક્ષો સાથે ભાવનાત્મક રીતે જોડાય છે ત્યારે તેના સંરક્ષણની ભાવના વધુ મજબૂત બને છે.”

– ‘એક પેડ મા કે નામ’ સાથે જોડાશે પહેલ

સ્કૂલના ચેરમેન શ્રી ગોવિંદભાઈ ધોળકિયા એ જણાવ્યું કે, આપણી ધરતીને હરિયાળી અને પર્યાવરણ સંરક્ષણ પ્રત્યેની વિચારધારાને આગળ ધપાવતાં તથા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘એક પેડ મા કે નામ’ અભિયાનથી પ્રેરણા લઈને આ અનોખી પહેલ કરવામાં આવી છે. વૃક્ષારોપણ સાથે તેના સંરક્ષણ અને જતનને પણ જનઆંદોલનનું સ્વરૂપ મળે તેવો આ પ્રયાસ છે.

– ‘દર વર્ષે મારા વૃક્ષને રાખડી બાંધીશ’

આ પહેલને લઈને શાળાની દીકરીઓમાં પણ ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો. અનેક દીકરીઓએ પોતાના વૃક્ષ સાથેનો આ સંબંધ દર વર્ષે રક્ષાબંધનના પર્વે રાખડી બાંધીને જાળવી રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આમ, એક દિવસના કાર્યક્રમને બદલે વર્ષો સુધી ચાલે તેવું વૃક્ષ અને બાળક વચ્ચેનું ભાવનાત્મક જોડાણ વિકસાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

– વૃક્ષારોપણ બાદ હવે જતન પર ભાર

ગોવિંદકાકા દર વર્ષે મોટી સંખ્યામાં વૃક્ષારોપણની પ્રવૃત્તિઓ સાથે હવે વૃક્ષોના જતન અને સંરક્ષણને પણ એટલું જ મહત્વ આપવામાં આવી રહ્યું છે. કતારગામ વિસ્તારમાં ‘ગ્રીન લાઇન્સ’ નામ પણ ગોવિંદકાકાની હરિયાળી પ્રત્યેની વિચારધારા સાથે જોડાયેલું છે. ગોધાણી સ્કૂલ તરફ જતી ગલીને પણ ‘ગ્રીન લાઇન્સ’ નામ આપવામાં આવ્યું છે.

– પર્યાવરણ શિક્ષણનું જીવંત ઉદાહરણ

આ પહેલ માત્ર રક્ષાબંધનની ઉજવણી નથી, પરંતુ બાળકોમાં પર્યાવરણ પ્રત્યે પ્રેમ, જવાબદારી અને સંરક્ષણની ભાવના વિકસાવતું જીવંત શિક્ષણ છે. દીકરીઓ પોતાના વૃક્ષને નિયમિત જોવે, તેની સંભાળ લે અને વર્ષો સુધી તેની સાથે જોડાય તેવો આ પ્રયાસ આગામી પેઢીમાં વૃક્ષ સંરક્ષણની સંસ્કૃતિ વિકસાવવામાં મહત્વપૂર્ણ બની શકે છે.

“વૃક્ષ વાવવું એ શરૂઆત છે, પરંતુ તેને ઉછેરવું અને જાળવવું એ સાચી જવાબદારી છે.”

આ ભાવનાને રક્ષાબંધનના પવિત્ર પર્વ સાથે જોડતી આ પહેલ પર્યાવરણ સંરક્ષણ માટે એક સંવેદનશીલ અને પ્રેરણાદાયી સંદેશ બની છે.