વિ હેલ્પ ફાઉન્ડેશન દ્વારામાનસિક દિવ્યાંગ મહિલાઓ સાથે સ્વતંત્રતા પર્વની ઉજવણી

By on
In અભય વિશેષ
Spread the love

આ વર્ષે ભારતને આઝાદી મળ્યાના 75 વર્ષ થઇ રહ્યાં હોય સ્વતંત્રતા પર્વની ઉજવણીને લઇને દરેક ભારતીયમાં એક અલગ જ ઉમંગ જોવા મળ્યો હતો. ત્યારે અમદાવાદની જાણીતી સામાજિક સંસ્થા વિ હેલ્પ ફાઉન્ડેશન દ્વારા માનસિક દિવ્યાંગ મહિલાઓ સાથે સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

વિ હેલ્પ ફાઉન્ડેશન દ્વારા 75માં સ્વતંત્રતા પર્વની અનોખી ઉજવણી ભાગરૂપે અરવલ્લી જિલ્લાના બાયડ ખાતે આવેલા જય અંબે મંદબુદ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટની મુલાકાત લેવામાં આવી હતી. જય અંબે મંદબુદ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા વિ હેલ્પ ફાઉન્ડેશનના કાર્યકરોને સ્વતંત્રતા પર્વ નિમિતે ધ્વજારોહણ માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ તકે વિ હેલ્પ ફાઉન્ડેશનના 35થી વધુ કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતા, અને સંસ્થાના સ્થાપક દ્વારા તિરંગાને આન, બાન, શાન સાથે લહેરવામાં આવ્યો હતો.

બાયડ ખાતે જય અંબે મંદબુદ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટના નેજા હેઠળ સંચાલિત આ મંદબુદ્ધિ મહિલા આશ્રમ ખાતે 165 જેટલી માનસિક દિવ્યાંગ મહિલાઓ આશ્રય લઇ રહી છે. આ તમામ માનસિક દિવ્યાંગ મહિલાઓ સાથે દેશભક્તિના ગીતો સાથે સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે વિ હેલ્પ તરફથી નિરવ શાહ, મૌલિક ભાવસાર, કામિની મ્હાત્રે તથા જય અંબે મંદબુદ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટના પ્રમુખ અશોકભાઇ જેન, ટ્રસ્ટી વિજય પટેલ, દર્શન પંચાલ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતા.

આ પ્રસંગે વિ હેલ્પ તરફથી નિરવ શાહે જણાવ્યું હતુ કે આઝાદીના પર્વની યોગ્ય ઉજવણી કરવા માટે આ આશ્રમ એકદમ ઉત્તમ છે. અહીં રહેતી માનસિક વિકલાંગ મહિલાઓ એકદમ નિર્દોષ છે, તેઓ કોઇપણ જાતના રાગદ્વેશ કે કપટ-પ્રપંચથી દૂર છે. પરંતુ તેમની સાથે રહેવાથી તેમનામાં રહેલા દર્દને અનુભવી શકાય છે. આ સંસ્થા ચલાવવા માટે ટ્રસ્ટીઓ ભારે જહેમત ઉઠાવી રહ્યાં છે, જેથી આપના કોઇ યાદગાર દિવસની ઉજવણી હંમેશા માટે આપના માટે અવિસ્મરણીય બની રહે તે માટે અચૂક આ સંસ્થાની મુલાકાત લો અને શક્ય હોય તે રીતે આ સંસ્થાને મદદરૂપ થઇ આપણે આપણી સામાજિક જવાબદારી નિભાવવી જોઇએ.